અમદાવાદમાં ફરી નાગાબાવાના સ્વાંગમાં આવતી ચોર ટોળકી સક્રિય, આ રીતે ચલાવે છે લૂંટ
અમદાવાદ : શહેર માં આશરે પાંચથી વધુ કિસ્સા એવા સામે આવ્યા છે, જેમાં નાગાબાવાના સ્વાંગમાં ગાડીમાં આવતા લોકો એડ્રેસ કે આશીર્વાદ આપવાના નામે બોલાવી વાતો કરી ગળામાંથી દાગીના લૂંટી ફરાર (Loot) થઈ જાય છે. અનેક બનાવો બન્યા તેમ છતાં પોલીસ કે ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) હજુ સુધી આ ગેંગ ને પકડી શકી નથી. ત્યારે ફરી એકવાર શહેરમાં આ ગેંગના સભ્યોએ વધુ એક બનાવને અંજામ આપ્યો છે. આ વખતે ગાંધીનગર ના CRPF કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ ને એડ્રેસ પૂછવાનાએ બહાને બોલાવી 37 હજારની સોનાની ચેઇન લૂંટી ગેંગ ફરાર થઈ ગઈ હતી.
ચાંદખેડામાં આવેલા શિવમ બંગલોમાં રહેતા અવધેશકુમાર પ્રસાદ ગાંધીનગરના CRPF કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. હાલ શાળાઓમાં લૉકડાઉનને કારણે રજાઓ હોવાથી તેઓ નિયમિત શાળાએ જતા ન હતા. ગઈકાલે સવારે તેમના ઘરેથી દૂધ લેવા નીકળ્યા હતા. દૂધ લઈને પરત ફર્યા અને તેમના ઘરનો ગેટ ખોલતા હતા ત્યારે એક ગાડી તેમની પાસે આવી હતી. તેમાં માસ્ક પહેરીને ડ્રાઈવર સીટ પર એક વ્યક્તિ બેઠો હતો. તેણે અવધેશકુમારને બોલાવ્યા અને અહીં નજીકમાં કોઈ આશ્રમ છે કે નહીં તેમ પૂછ્યું હતું. બાજુની સીટ પર ભભુતી લગાવીને કપડાં વગર બેઠેલા નાગાબાવા સામે ઈશારો કરી મહારાજને રોકાવું છે એટલે આશ્રમ હોય તો બતાવો તેમ કહ્યું હતું. બાદમાં અવધેશકુમારે નજીકમાં કોટેશ્વર મંદિરનો રસ્તો બતાવ્યો હતો.