બિહારના કટિહારમાં મોટો અકસ્માત, બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતાં 10ના મોત, 18થી વધુને ઈજા | bihar katihar road accident bus pickup collision 10 dead and many injured

Katihar Road Accident: બિહારના કટીહાર જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં મુસાફરો ભરેલી બસ અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ 10 લોકોના કરુણ મોત નિપજ્યાં છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચીસાચીસથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
આ અકસ્માતમાં અન્ય 25 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા સેવાઈ રહી છે, જ્યારે આ ઘટનાને પગલે પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધી ઘટનાના કારણોની તપાસ આદરી છે.’
બસ ડ્રાઈવર નશામાં હોવાનો દાવો
પ્રાથમિક માહિતી મુજબ, હરદાથી પૂર્ણિયા જઈ રહેલી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને રસ્તામાં અગાઉ પણ એક-બે જગ્યાએ અકસ્માત સર્જી ચૂક્યો હતો. જેવી આ બસ દાતપુર મુસહરી ચોક પાસે પહોંચી, સામેથી આવી રહેલી પિકઅપ વાન સાથે તેની સીધી ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે નજીકથી પસાર થઈ રહેલી બે બાઈક પણ તેની અડફેટે આવી ગઈ હતી.


