‘પહેલા શરતો માનો, પછી જ વાત થશે’, પાકિસ્તાનમાં અમેરિકા સાથે બેઠક પહેલા ઈરાનની પૂર્વ શરતો | iran us talks islamabad mohammad baqer qhalibaf statement strait of hormuz

![]()
Iran US Peace Talks: અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાનારી નિર્ણાયક બેઠક પૂર્વે જ ઈરાને પોતાનું વલણ કડક દર્શાવ્યું છે. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકેર ગાલિબાફ ઈસ્લામાબાદ પહોંચ્યા છે અને ત્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે અમેરિકા પરના વિશ્વાસનો અભાવ સ્પષ્ટપણે વ્યક્ત કર્યો છે. ગાલિબાફે જણાવ્યું કે, ઈરાન વાતચીત માટે તો તૈયાર છે, પરંતુ તેને અમેરિકાની દાનત પર જરાય ભરોસો નથી.
અમેરિકાનો વિશ્વાસ બાબતે ખરડાયેલો ભુતકાળ
ગાલિબાફે ભૂતકાળના કડવા અનુભવોને યાદ કરતા કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં બે વાર એવું બન્યું છે કે જ્યારે શાંતિ વાટાઘાટો ચાલી રહી હોય ત્યારે જ અમેરિકાએ ઈરાન પર હુમલા કર્યા અને યુદ્ધ અપરાધો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે, જો અમેરિકા ઈરાનના લોકોના અધિકારોનો સ્વીકાર કરશે, તો જ આ બેઠક કોઈ નક્કર સમજૂતી તરફ આગળ વધી શકશે. જો આ મંત્રણા માત્ર દેખાડો કે છેતરપિંડી સાબિત થશે, તો ઈરાન પોતાના હિતોની રક્ષા કરવા સક્ષમ છે.
આ પણ વાંચો: ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
શા માટે મહત્વની છે આ બેઠક?
હાલમાં જ જાહેર થયેલા નાજુક યુદ્ધવિરામ બાદ બંને દેશો વચ્ચેની આ પ્રથમ મોટી સીધી વાતચીત છે. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. જેમાં મુખ્યત્વે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા, 28 ફેબ્રુઆરીથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવો, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે જેવા અનેક મામલે ચર્ચા થઇ શકે છે. વિશ્વભરની અર્થવ્યવસ્થાને અસર કરતા આ વિવાદમાં ઈસ્લામાબાદની બેઠક નિર્ણાયક સાબિત થઈ શકે છે, પરંતુ બંને દેશો વચ્ચે રહેલી વિશ્વાસની મોટી ખાઈ આ મંત્રણા માટે સૌથી મોટો પડકાર છે.



