અમદાવાદ: ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાનું રાજીનામું, ભાજપ સાથે સાઠગાંઠ ધરાવતા લોકોને ટિકિટ આપ્યાનો આક્ષેપ | Dholka Congress Chief Dinesh Makwana Resigns Over Ticket Row Alleges BJP Nexus

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે અમદાવાદ જિલ્લાના ધોળકામાં કોંગ્રેસ પક્ષમાં મોટું ભંગાણ સર્જાયું છે. ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે થયેલા વિવાદને પગલે ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પક્ષના જ ઉચ્ચ હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો કરતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
વફાદારોની અવગણના અને ‘સેટિંગ’ના આક્ષેપ
મળતી માહિતી અનુસાર, દિનેશ મકવાણાએ રાજીનામું આપતા પક્ષની કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેણે આક્ષેપ કર્યો છે કે, નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષના વર્ષો જૂના અને વફાદાર કાર્યકરોને ટિકિટ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમની દરકાર કરવામાં આવી નથી. પક્ષના જવાબદાર મોટા હોદ્દેદારોએ એવા ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે જેઓ આડકતરી રીતે ભાજપ સાથે સાઠગાંઠ ધરાવે છે.

‘સત્તાવાર લડાઈમાં ઘરના જ નડ્યા’
આક્ષેપ કરતા દિનેશ મકવાણાએ કહ્યું કે, ‘મેં પક્ષના વફાદાર ઉમેદવારોને મેન્ડેટ આપવાની વાત કરી હતી, પરંતુ પક્ષના મોટા હોદ્દેદારોએ ભાજપ સાથે મેળાપીપણું ધરાવતા શખસોને ટિકિટ આપી દીધી છે. આવા સંજોગોમાં પક્ષમાં રહીને કામ કરવું શક્ય ન હોવાથી મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.’
ધોળકા નગરપાલિકાના જંગમાં ઉતરતા પહેલા જ શહેર સંગઠનના મુખ્ય હોદ્દેદારે પક્ષ છોડતા કોંગ્રેસ માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. શહેર પ્રમુખના રાજીનામાથી પક્ષના અન્ય કાર્યકરોમાં પણ નારાજગી ફેલાઈ શકે છે, જેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે. બીજી તરફ, ભાજપ સાથે સાઠગાંઠના આક્ષેપોએ કોંગ્રેસની છબીને મોટું નુકસાન પહોંચાડ્યું છે.



