મિડલ ઈસ્ટમાં શાંતિના સંકેત, ઈરાનના પ્રતિનિધિ પાકિસ્તાન પહોંચ્યા, ઈસ્લામાબાદમાં આજે બેઠક | US Iran Peace Talks in Islamabad: JD Vance and Abbas Araghchi Lead Delegations

US-Iran Peace Talks 2026 : મધ્ય-પૂર્વ (મિડલ-ઈસ્ટ)માં ચાલી રહેલા યુદ્ધ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે આજે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ઈસ્લામાબાદ ખાતે આજથી મહત્વપૂર્ણ શાંતિ વાર્તા શરૂ થઈ રહી છે. આ બેઠક માટે બંને દેશોના ટોચના પ્રતિનિધિઓ પાકિસ્તાન પહોંચી ગયા છે.
પાકિસ્તાનની મોટી ભૂમિકા અને યુદ્ધવિરામ
તાજેતરમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ યુદ્ધવિરામ પાછળ પાકિસ્તાનની મોટી ભૂમિકા હોવાનું ખુદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું હતું. હવે આ કામચલાઉ શાંતિને કાયમી બનાવવા માટે ઈસ્લામાબાદમાં ટેબલ ટોક શરૂ થઈ છે. આ મંત્રણામાં ઈરાન તરફથી 6, અમેરિકા તરફથી 4 અને યજમાન પાકિસ્તાન તરફથી 4 પ્રતિનિધિઓ સામેલ થશે.

ઈરાનને ચોખ્ખા શબ્દોમાં કહ્યું – શરતો માનશો તો જ વાતચીત થશે..
ઈરાનના પ્રતિનિધિમંડળે સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને કહી દીધું છે કે જો તમે અમારી શરતો માનશો તો જ અમે શાંતિ પ્રસ્તાવ પર સહમત થઇશું. બીજી બાજુ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાની મેજબાની કરવી એ પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર મુસ્લિમ જગત માટે ગર્વની વાત છે.
શું અમેરિકાએ ઈરાનની શરતો માની લીધી?
ઈરાન અને અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાનારી નિર્ણાયક શાંતિ મંત્રણા પૂર્વે ઈરાની પ્રતિનિધિમંડળ પાકિસ્તાન જવા રવાના થયું હતું, જેમાં ઈરાને વાટાઘાટો શરૂ કરવા માટે મૂકેલી પ્રમુખ શરતો સ્વીકારી લેવામાં આવી હોવાના અહેવાલ છે. આ કરારના ભાગરૂપે કતાર અને દક્ષિણ કોરિયાની બેંકોમાં ફ્રીઝ કરાયેલા અંદાજે 7 બિલિયન ડોલરના ઈરાની ફંડને રિલીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે નાણાં મુક્ત થયા બાદ જ ઈરાન મંત્રણામાં જોડાશે તેવી શરત રાખવામાં આવી હતી. આ ઉપરાંત, ઈરાનના દબાણને વશ થઈને લેબનોન પરના ઈઝરાયલી હુમલાઓ પણ આજે બંધ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે, જે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે પાકિસ્તાનની મધ્યસ્થતામાં લેવાયેલો એક મોટો રાજદ્વારી વિજય માનવામાં આવે છે.
ઈરાનનું પ્રતિનિધિમંડળ: ‘મીનાબ 168’
ઈરાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઈરાનના સંસદમંત્રી ગલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે. આ સાથે ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગલિબાફ પણ હાજર છે. રસપ્રદ વાત એ છે કે, ઈરાને પોતાના ડેલિગેશનનું નામ ‘મીનાબ 168’ રાખ્યું છે. આ નામ મીનાબ શહેરમાં એક સ્કૂલ પર થયેલા હુમલામાં માર્યા ગયેલા 168 બાળકોની યાદમાં આપવામાં આવ્યું છે, જેના દ્વારા ઈરાન આંતરરાષ્ટ્રીય મંચ પર તે ઘટનાની ગંભીરતા દર્શાવવા માંગે છે.



