गुजरात

જૂનાગઢ ભાજપના ગઢમાં ગાબડું : આંતરિક અસંતોષ વિસ્ફોટક બન્યો | Junagadh BJP stronghold has a gap: Internal discontent has become explosive



જિલ્લા પંચાયતની 2 બેઠક પર બળવાખોરોનો સામનો કરવો પડશે  : ટિકિટ વિતરણમાં અન્યાયના આક્ષેપ સાથે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ‘આપ’માં, સાસણ બેઠકના પૂર્વ સભ્ય કોંગ્રેસમાં જોડાયા 

 જૂનાગઢ, : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. પક્ષ દ્વારા શિસ્ત અને સંગઠનની વાતો વચ્ચે ટિકિટ વિતરણમાં મળતીયાઓને પ્રાધાન્ય આપવામાં આવતું હોવાના આક્ષેપો સાથે ભાજપના બે આગેવાનોએ કેસરીયો ત્યાગી અન્ય પક્ષોનો હાથ પકડયો છે. કોંગ્રેસ અને આપમા જોડાયેલા બન્ને આગેવાનોને નવા પક્ષમાં તુરંત ઉમેદવાર પણ બનાવી દેવામાં આવ્યા છે.

માણાવદર વિધાનસભા હેઠળના મેંદરડા અને વંથલી તાલુકામાં ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. ગત ટર્મમાં જિલ્લા પંચાયતના મેંદરડા તાલુકાનાં સાસણ બેઠકના સભ્ય તરીકે સક્રિય રહેલા વિનુભાઈ બુસાએ ભાજપને રામ-રામ કર્યા છે. તેમના પુત્ર જોલીત બુસા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. સાસણ પંથકમાં તેમનું વર્ચસ્વ ભાજપ માટે મોટો ફટકો સાબિત થાય તેવી શક્યતા છે. વંથલી તાલુકાની ધંધુસર બેઠકના પૂર્વ સભ્ય અને જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સાકરબેન અરજણભાઈ દીવરાણીયાએ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. અરજણભાઈના જવાથી વંથલી પંથકમાં ભાજપનું સમીકરણ બગડયું છે.

પક્ષ છોડનારા નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના સ્થાનિક આગેવાનો પર આરોપ છે કે નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને માત્ર પોતાના મળતીયાઓને જ ટિકિટ આપવામાં આવી છે. વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો એક કરનારા નેતાઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે. પક્ષમાં લોકશાહીના બદલે વ્યક્તિગત હિતો સાધવામાં આવતા હોવાનો સૂર ઉઠયો છે.

ઈકો ઝોનનો વિરોધ કર્યો એટલે ધારાસભ્યને ન ગમ્યું 

કોંગ્રેસમાં જોડાનાર જોલીત બુસાએ જણાવ્યું છે કે અમારા વિસ્તારમાં ઈકો ઝોનનો ખૂબ મોટો સળગતો પ્રશ્ન હતો જેમાં ખેડૂત આગેવાન તરીકે મેં ભાજપમાં હોવા છતાં તેનો વિરોધ કરી ખેડૂતોને સમર્થન જાહેર કરી ઇકો ઝોનનો વિરોધ કર્યો હતો એ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને ગમ્યું નહીં તેથી તેણે મારી ટિકિટ કપાવી અન્યાય કરી પોતાના મળતીયાને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે સાકરબેનના પતિ અરજણભાઈએ જણાવ્યું કે ભાજપ અન્ય વ્યક્તિને ટિકિટ આપી પોતાને અન્યાય કરતો હોવાથી તેણે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.



Source link

Related Articles

Back to top button