સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad crime branch threten to social media influencers before election

અમદાવાદ,શુક્રવાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા જ આઇબીએ સોશિયલ મિડીયા પર મુકવામાં આવતી સરકાર વિરૂદ્ધની પોસ્ટ અને તરફેણની પોસ્ટની વિગતો એકઠી કરીને પોલીસને આપી હતી. ત્યારે ક્રાઇમબ્રાંચ પણ ચૂંટણીમાં સરકારની ભૂમિકા હોય તેમ શહેરના કેટલાંક સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને બોલાવ્યા હતા અને તેમને સરકારની યોજનાઓ અંગે કામગીરી અનુસંધાનની પોસ્ટ મુકવા તેમજ વિપક્ષ કે સ્થાનિક લોકો દ્વારા દર્શાવવામાં આવતો વિરોધ ન બતાવવા માટે સમજાવટ કરીને આડકતરી રીતે દબાણ ઉભુ કરવામાં આવ્યું હતું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇન્સ્ટાગ્રામ, યુ ટયુબ અને ફેસબુક જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર પ્રજાના સ્થાનિક પ્રશ્નો અને શાસક પક્ષ દ્વારા કરવામાં ન આવેલી કામગીરી અનુસંધાનમાં મુકવામાં આવતી પોસ્ટના કારણે નકારાત્મક પ્રચાર થઇ શકે તેમ હોવાનો તેમજ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાંક મુદ્દાઓને સ્થાનિક લોકો સમર્થન આપી શકે તેમ હોવાનો રિપોર્ટ ઇન્ટેલીજન્સ બ્યુરોએ આપ્યો હતો.
જે અનુસંધાનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ક્રાઇમબ્રાંચને ચૂંટણી અંગે બિન સત્તાવાર કામગીરી સોંપી છે. જેમાં અમદાવાદમાં કામ કરતા સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચ દ્વારા તેડુ આવ્યું હતું. જેમાં ક્રાઇમબ્રાંચના કેટલાંક પોલીસ ઇન્સ્પેક્ટરોએ તમામના વ્યક્તગત બોલાવીને તેમના દ્વારા મુકવામાં આવતી પોસ્ટ અંગે રિવ્યુ કરીને સરકારને નુકશાન કરતી પોસ્ટ ન મુકવા માટે દબાણ કરીને આડકતરી રીતે ધમકાવવામાં આવ્યા હતા.
એટલું જ તેમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમને સરકારની યોજનાઓ અને અમદાવાદમાં કરેલી કામગીરીની પોસ્ટ તેમના સોશિયલ મિડીયા મુકવા માટે દબાણ કરાયું હતુ. જેમાં વિરોધ કરનાર સોશિયલ મિડીયા ઇન્ફ્લુઅન્સરને ત્યાં સુધી ધમકી અપાઇ હતી કે પોલીસ તેમના સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ અને યુ ટયુબને સ્ટ્રાઇક આપીને બંધ પણ કરાવી શકે છે. જેથી મોટાભાગના લોકોએ ડરીને પોલીસને વાતને માની હતી.



