દુશ્મનને માફ નહીં કરીએ અધિકાર નહીં છોડીએ : ઈરાનના સુપ્રીમ લીડરનો હુંકાર | We will not forgive the enemy we will not give up our rights: Iran’s Supreme Leader’s roar

![]()
– ‘સીઝ-ફાયર’ પછી ખામેનેઈનું પહેલું નિવેદન
– ઈરાન યુદ્ધ ઈચ્છતું નથી પરંતુ પોતાના અધિકારો પણ છોડશે નહીં : ઈરાન યુદ્ધમાં વિજયી થયું છે : ફરી હુમલો થશે તો પરિણામ ભોગવવું પડશે
તહેરાન : આવતીકાલથી ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે શરૂ થનારી મંત્રણા પૂર્વે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈએ ઈસ્લામાબાદ જતા પૂર્વે ધગધગતું નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહી દીધું છે કે ઈરાન દુશ્મનને માફ નહીં કરે, અધિકાર પણ નહીં છોડે. ઈરાન યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ તે પોતાના અધિકારો પણ નહીં છોડે. ઈરાન પર હુમલો કરનારને તે છોડશે નહીં કોઈ પણ હાલતમાં તેને માફ નહીં કરે. હકીકતમાં અમે અમારી શર્તો સ્વીકારવા અમેરિકાને મજબૂર કર્યું છે. ફરી હુમલા થશે તો તેના ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
પાકિસ્તાનમાં અમેરિકા સાથે યોજાનારી શાંતિ મંત્રણા પહેલાં ઈરાનનાં સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ અમેરિકા અને ઈઝરાયલને ચેતવણી આપી છે કે ઈરાન પર હુમલા કરતાં પહેલા સોવાર વિચારજો. એક મહાસત્તા બનવા તરફ ઈરાન પગલાં ભરી રહ્યું છે તે હવે હોર્મુઝ સ્ટ્રેઈટસનો ઉપયોગ પોતાના લાભ માટે કરશે. ઘણી ભલાઈ કરી હવે હોર્મુઝ દ્વારા પૈસા કમાશું. દુશ્મને ઈરાનનાં દરેક નુકસાન ભરપાઈ કરવા પડશે. દેશ માટે જાન ગુમાવનારા શહીદોનાં ખૂનની કિંમત વસુલ કરવામાં આવશે.
ખામેનેઈ ઉપરાંત ઈરાનના પ્રમુખ મસૂદ પેજેશ્કીયાને કહ્યું કે, લેબેનોન ઉપર ઈઝરાયલના હુમલા બંધ થવા જોઈએ. લેબેનોન ઉપર હુમલા કરીને ઈઝરાયેલે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જો ઈઝરાયલ પાછું નહીં હઠે તો પાકિસ્તાનમાં યોજાનારી મંત્રણા નિરર્થક સાબિત થશે. ઈરાને પણ હુમલાનો જવાબ આપવો પડશે. અમેરિકા-ઈઝરાયેલે યાદ રાખવું જોઈએ કે, સીઝ-ફાયર થયો છે પરંતુ અમારી આંગળી ટ્રિગર ઉપર જ છે. સીઝ ફાયર ઉલ્લંઘન અને દગાખોરી ઈરાન કોઈપણ ભોગે ચલાવી નહીં લે.
પેઝેશ્કીયાને વધુમાં કહ્યું કે, ઈઝરાયલી હુમલામાં લેબેનોનમાં ૨૦૦થી વધુના મોત થયા હતા, ૧૦૦૦થી વધુ ઘાયલ થયા. લાખો લોકો ઘર છોડી નાસી જવા મજબૂર થયા. એક તરફ અમેરિકા સીઝ ફાયરની વાત કરે છે, તો બીજી તરફ ઈઝરાયલ હુમલા કરી રહ્યું છે. જો ઈઝરાયલે ઈરાન વિરૂદ્ધ અમેરિકાને સાથ આપ્યો તો તેણે અમેરિકાના નિર્ણયોમાં પણ સહકાર આપવો જોઈએ. પરંતુ ઈઝરાયલના વડાપ્રધાન જુદું જ બીન બજાવે છે, જે અમેરિકાને જ ભારે પડશે.



