ઐતિહાસિક પરમાણુ ડીલને મંજૂરી! ભારતને યુરેનિયમનો ભંડાર આપશે રશિયાનો પડોશી દેશ, ચીન સ્તબ્ધ | india kazakhstan uranium supply deal nuclear energy security

![]()
India Kazakhstan Uranium Supply Deal: ભઆરતના પરમાણુ ઉર્જા પ્લાન્ટ્સ માટે ઇંધણની ચિંતા હવે દૂર થવા જઈ રહી છે. વિશ્વની સૌથી મોટી યુરેનિયમ સપ્લાય કરતી કંપની Kazatomprom (કઝાકિસ્તાન) એ ભારતને આગામી અનેક વર્ષો સુધી યુરેનિયમ સપ્લાય કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સોદો એટલો વિશાળ છે કે, તેને મંજૂર કરવા માટે કંપનીના શેરધારકોની ખાસ બેઠક બોલાવવી પડી હતી.
શું છે આ ઐતિહાસિક ડીલ?
કઝાકિસ્તાનની નેશનલ એટોમિક કંપની Kazatomprom ના શેરધારકોની મળેલી બેઠકમાં 92.9% મતો સાથે ભારતને યુરેનિયમ વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સોદાનું મૂલ્ય એટલું વધારે છે કે તે Kazatomprom કંપનીની કુલ સંપત્તિના 50% થી પણ વધુ છે. આ કરાર ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગ (DAE) હેઠળના ડિરેક્ટોરેટ ઓફ પર્ચેઝ એન્ડ સ્ટોર્સ (DPS) સાથે કરવામાં આવ્યો છે. સુરક્ષા અને વ્યાપારિક કારણોસર યુરેનિયમની ચોક્કસ માત્રા અને કિંમત ગુપ્ત રાખવામાં આવી છે.
ભારત માટે કેમ મહત્વનું છે?
ભારત પોતાના પરમાણુ રિએક્ટરો ચલાવવા માટે મોટાભાગે આયાતી યુરેનિયમ પર નિર્ભર છે. કઝાકિસ્તાન વિશ્વના કુલ ઉત્પાદનમાં 40% હિસ્સો ધરાવે છે. આ ડીલથી ભારતના પરમાણુ પ્લાન્ટ્સને અવિરત ઇંધણ મળતું રહેશે. વધતી જતી વીજળીની માંગને પહોંચી વળવા પરમાણુ ઉર્જા પર ભારતનો ભરોસો વધ્યો છે, જેમાં આ યુરેનિયમ મહત્વની ભૂમિકા ભજવશે. ભારત અને કઝાકિસ્તાન વચ્ચે 2015-2019 દરમિયાન પણ 5,000 ટન યુરેનિયમનો સોદો થયો હતો, જે હવે નવા સ્તરે પહોંચ્યો છે.
ચીન માટે કેમ મોટો ફટકો?
નિષ્ણાતોનું માનવું છે કે, કઝાકિસ્તાનના ઉત્પાદનનો એક મોટો હિસ્સો સીધો ભારતને ફાળવવામાં આવતા વૈશ્વિક બજારમાં યુરેનિયમની ઉપલબ્ધતા ઘટી શકે છે. આના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં યુરેનિયમના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ચીન પણ પોતાની ઉર્જા જરૂરિયાતો માટે યુરેનિયમ પર નિર્ભર છે, પરંતુ ભારતે વહેલી તકે આ મોટો કરાર કરીને ચીન માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે.
કઝાકિસ્તાન યુરેનિયમનો ખજાનો
કઝાકિસ્તાન પાસે દુનિયાનો બીજો સૌથી મોટો યુરેનિયમ ભંડાર છે (લગભગ 14% હિસ્સો). વર્ષ 2009 થી તે વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ રહ્યો છે. કઝાકિસ્તાનમાં ઇન-સીટુ રિકવરી (ISR) ટેકનીકથી અત્યંત સસ્તા દરે યુરેનિયમનું ખનન કરવામાં આવે છે, જે ભારત માટે આર્થિક રીતે પણ ફાયદાકારક રહેશે.



