અમદાવાદ : SVP હૉસ્પિટલનાં ‘કોરોના વોરિયર્સ’નો પગાર કપાતા રસ્તા પર ઉતરી કર્યું પ્રદર્શન
અમદાવાદ : કોવિડ 19ની સારવાર માટે ડૉક્ટર્સ, નર્સ સહિત કોરોના વોરિયર્સ દિવસ રાત જોયા વગર જીવનાં જોખમે કામ કરી રહ્યા છે. આવી મહામારૂવૂ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હૉસ્પિટલનો એક વિવાદ સામે આવ્યો છે. જેમાં હૉસ્પિટલ તંત્ર દ્વારા કોરોના વોરિયર્સના પગાર પર કાપ મૂકવામાં આવ્યો છે. જ્યારે તેમણે તંત્રને આ અંગે રજૂઆત કરી ત્યારે તેમને ચીમકી આપવામાં આવે છે કે, તમારે કામ ન કરવું હોય તો નોકરી છોડી દો, પરંતુ કંપની નુકસાનમાં જાય છે એટલે કોરોના વૉરિયરનો પગાર કાપવામાં આવી રહ્યો છે.
‘મોટાભાગનો સ્ટાફ કોરોના પોઝિટિવ થઇ ગયો છે’
કોરોના વૉરિયર્સનું કહેવું છે કે, અમે અહીં પોતાનું ઘર છોડીને કામ કરી રહ્યાં છીએ. અમારા પગારમા 10થી 15 હજાર રૂપિયાનો કાપ મુકવામાં આવ્યો છે. મોટાભાગનો સ્ટાફ પોઝિટિવ થઇ ગયો છે. અમે ઘરે પણ જઇ નથી શકતા અને બીજી તરફ અમને રહેવા માટે હોટલનાં રૂમ આપવામાં આવ્યાં હતાં. ત્યાંથી પણ અમને જવાનું કહી રહ્યાં છે. તો અમારે હવે જવું ક્યાં. અમે અમારા જીવના જોખમે અહીં કામ કર્યું છે તેના બદલામાં અમને કોઇ સુવિધા મળીનથી રહી.
‘સરકારે કહ્યું હતું કે 250 રૂ. મળશે પણ એ પણ નથી મળતા’
અન્ય કોરોના વોરિયરે જણાવ્યું કે, ગુજરાત સરકારે કોરોના દર્દીની સારવાર કરવા માટે એક દિવસનાં 250 રૂપિયા આપવાનું કહ્યું હતું. પરંતુ અમને કોઇ જ વધારાનું ભથ્થુ તો નથી જ મળતું અને અમારો છે એટલો પણ પગાર કાપવામાં આવે છે. અમારો પચાસ ટકા પગાર કપાય છે. જે બચે છે તેમાંથી પીએફ પણ કાપે છે તો અમારે ઘરે કેટલા મોકલાવા અને અમારા માટે શું રહે. અમારૂં શોષણ થઇ રહ્યું છે.‘અમારો એકપણ વાર ટેસ્ટ નથી થયો’
અન્ય એક નર્સે વાત કરતા જણાવ્યું કે, અહીં અમે મહિનાઓથી કામ કરીએ છીએ. અમારામાંથી કોઇનો એકપણવાર ટેસ્ટ કરવામા નથી આવ્યો. અમને ખબર જ છે કે અમે મરવાના છે તો પણ અમે કામ કરીએ છીએ.
અંતે પગાર ન કાપવાનો નિર્ણય લીધો
જોકે, કોરોના વોરિયર્સના પ્રદર્શન બાદ તંત્રએ નિર્ણય બદલવો પડ્યો છે. હવે તંત્ર કર્મચારીઓનો પગાર કપાશે નહીં. તેમને તેમનો આખો પગાર આપવામાં આવશે.