74 વર્ષના વયોવૃધ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. 78 લાખ પડાવાયા | 74 year old man digitally arrested Rs 78 lakh seized

![]()
રાજકોટમાં ડિજિટલ અરેસ્ટમાં વધુ એક સિનિયર સીટીઝન ભોગ બન્યા : વીડિયો કોલમાં પોલીસ સ્ટેશન અને કોર્ટનો સેટ ઉભો કરી વૃધ્ધાને ડરાવ્યા : કમ્બોડિયાની ગેંગની સંડોવણી
રાજકોટ, : રાજકોટમાં ડિજીટલ અરેસ્ટનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. 74 વર્ષના વયોવૃધ્ધાને ડિજીટલ અરેસ્ટ કરી રૂ. 78 લાખ પડાવાયા હતા. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસમાં પણ કમ્બોડિયાની ગેંગની સંડોવણીની શકયતા દર્શાવાઈ છે. શહેરમાં આ અગાઉ જે રીતથી ડિજીટલ અરેસ્ટ કરાયા હતા તે જ રીતનો આ કેસમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભોગ બનનાર મહિલાએ પોલીસને જણાવ્યું કે ગઈ તા. 30-9-2025નાં રોજ સાંજે તેમને અજાણ્યા શખ્સે કોલ કરી પોતે ટેલિકોમ કંપનીમાંથી વાત કરતો હોવાનું કહી કહ્યું કે તમારા આધારકાર્ડ પરથી નવું સીમકાર્ડ લેવામાં આવ્યું છે. જેનો ઉપયોગ ન્યૂડ ફોટા અને વીડિયો અપલોડ કરી પૈસા કમાવવામાં થયો છે. જેથી તમારા વિરૂધ્ધ મુંબઈમાં ફરિયાદ નોંધાઈ છે. આ પછી તેમનું આધારકાર્ડ માંગતાં વોટસએપ પર મોકલી આપ્યું હતું.
ત્યાર પછી કોલ કરનારે કહ્યું કે તમારુ નામ મની લોન્ડરીંગ કેસમાં નરેશ ગોયલ સાથે જોડાયેલું છે. આ પછી બીજા એક નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી હતી. એટલું જ નહીં તે પોલીસ યુનિફોર્મમાં હતો. આ પછી સીબીઆઈ અધિકારી તરીકે પણ ઓળખ આપી હતી. સાથો-સાથ પોતાનું નામ પીએસઆઈ વિજય પાટીલ જણાવી કહ્યું કે તમારુ નામ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલું છે. હાલ તમે ડિજીટલ અરેસ્ટમાં છો તેમ કહી અરેસ્ટ મેમો મોકલ્યો હતો.
સાથો-સાથ કહ્યું કે તમારા આધારકાર્ડનો સાયબર ક્રાઈમ અને સાયબર આતંકવાદમાં ઉપયોગ થયો છે. તમને 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. જેથી તમારે સહકાર આપવો પડશે. આ પછી વારંવાર વીડિયો કોલ કરવાનું જારી રાખ્યું હતું. એક વખત વીડિયો કોલમાં કોર્ટ જેવો સેટ દેખાયો હતો. જેમાં એક વ્યક્તિ જજના યુનિર્ફોમમાં જોવા મળ્યો હતો.
તેણે પણ કોલ કરનારાઓને (ગઠીયાઓને) સહયોગ આપવા જણાવ્યું હતું. એટલું જ નહીં જો તમે અમારી વાત નહીં માનશો તો તાત્કાલિક ધરપકડ કરશું તેવી ચિમકી પણ આપી હતી. તમામ એફડી તોડી બેન્ક સ્ટેટમેન્ટ મોકલવા અને નાણા વેરીફિકેશન માટે ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જે નાણા તપાસ પૂર્ણ થયા બાદ પરત આપવાની વાત કરી હતી.
આ સમગ્ર ઘટનાક્રમથી ડરી ગયેલા ભોગ બનનાર વૃધ્ધાએ આરોપીએ જણાવેલા બેન્ક ખાતાઓમાં કટકે-કટકે રૂ. 78 લાખ ટ્રાન્સફર કર્યા બાદ છેતરાઈ ગયાનો અહેસાસ થતાં સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કર્યો હતો. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આજે ગુનો દાખલ કર્યો હતો



