હંસિકાએ એક્સ ભાભી મુસ્કાન સામે બદનક્ષીનો કેસ કર્યો | Hansika files defamation case against ex sister in law Muskaan

![]()
– બે કરોડનું વળતર તથા જાહેર માફીની માંગ
– એકટ્રેસ મુસ્કાને હંસિકા તથા તેના ભાઈ પર બેફામ ખોટા આક્ષેપો કર્યા હોવાનો આરોપ
મુંબઇ : એકટ્રેસ હંસિકા મોટવાણીએ તેની એક્સ ભાભી તથા ટીવી કલાકાર મુસ્કાન નેન્સી જેમ્સ પર બદનક્ષીનો દાવો કર્યો છે. હંસિકાના ભાઈ પ્રશાંત તથા મુસ્કાને ૨૦૨૦માં લગ્ન કર્યાં હતાં.
જોકે, ૨૦૨૨માં તેઓ છૂટાં પડી ગયાં હતાં. તે પછી મુસ્કાને પ્રશાંત, હંસિકા તથા તેના પરિવારજનો સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો.
હંસિકાએ મુંબઈની એક અદાલતમાં આ દાવો દાખલ કરતાં જણાવ્યું છે કે મુસ્કાનનાં વિધાનોને કારણે તેની બદનામી થઈ છે. તેણે મુસ્કાન પાસેથી બે કરોડનાં વળતર તથા જાહેર માફીની માગણી કરી છે. આ ઉપરાંત મુસ્કાનને તેની વિરુદ્ધ કોઈપણ નિવેદન કે સોશિયલ મીડિયા પોસ્ટ નહિ કરવાના આદેશની પણ માગણી કરી છે.
હંસિકાના દાવા મુજબ મુસ્કાને તેની તથા તેના ભાઈ પ્રશાંત વિરુદ્ધ બદનક્ષીકારક વિધાનો કર્યાં છે. હંસિકાના જણાવ્યા અનુસાર પ્રશાંત અને મુસ્કાનનાં દામ્પત્ય જીવનમાં તેની કોઈ દખલ ન હતી અને તે બંનેની સાથે રહેતી ન હતી. આમ છતાં પણ મુસ્કાન દ્વારા તેની સામે ખોટી રીતે ઘરેલુ હિંસાનો કેસ કરાયો હતો.



