જામનગરના બાડા ગામે મર્યાદાના લીરેલીરા : વાડીમાં નહાતી યુવતીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી | 2 men threaten young woman bathing in a garden in Bada village of Jamnagar

![]()
Jamnagar : જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીઓની સુરક્ષા અને તેમની અંગત મર્યાદા પર તરાપ મારતી એક ચોંકાવનારી ઘટના જામનગરના બાડા ગામેથી સામે આવી છે. ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતી એક 22 વર્ષીય પરપ્રાંતિય યુવતી જ્યારે પોતાની મર્યાદા જાળવવા મથતી હતી, ત્યારે સ્થાનિક વાડી માલિક સહિત બે શખ્સોએ તેને ન્યાય આપવાને બદલે મોતની ધમકી આપી હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પંચકોશી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, બાડા ગામની સીમમાં આવેલી અશોકભાઈ જેન્તીભાઈ કણજારીયાની વાડીમાં ફરિયાદી યુવતી ભાગીદારીમાં ખેતીકામ કરે છે. વાડી વિસ્તારમાં રહેતી આ યુવતી ગત તા.07/04/2026ના રોજ બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે વાડીમાં ન્હાવા-ધોવાની ક્રિયા કરી રહી હતી. વાડીમાં યોગ્ય શૌચાલય કે બાથરૂમની સુવિધા ન હોવાથી મહિલા ખુલ્લામાં પોતાની મર્યાદા સાચવવા મથતી હતી.
તે સમયે અચાનક વાડી માલિક અશોક કણજારીયા અને હેમંત પટેલ ત્યાં આવી ચઢ્યા હતા. જ્યાં મર્યાદા ભંગ સામે અવાજ ઉઠાવતા જ આરોપીઓ લાલઘૂમ થયા પોતાની અંગત પળોમાં અચાનક પુરુષોને આવી ચઢેલા જોઈ યુવતી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. તેણે હિંમત બતાવીને બંને આરોપીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “અહીં બાથરૂમની વ્યવસ્થા નથી, માટે તમે જાણ કર્યા વગર કે બોલાવ્યા વગર વાડીમાં આવશો નહીં.” સ્ત્રીની ગરિમાના રક્ષણ માટે કરાયેલી આ વાત સાંભળતા જ બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. નૈતિકતા દાખવવાને બદલે આરોપીઓએ યુવતી પર રોફ જમાવવાનું શરૂ કર્યું હતું.આરોપીઓએ યુવતીને ગંદી ગાળો આપી અને ઉગ્ર બોલાચાલી કરીને ડર પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. મામલો એટલો બિચક્યો હતો કે બંને શખ્સોએ 22 વર્ષીય યુવતીને “જો ફરી આવું બોલશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી હતી. આ બનાવ બાદ અત્યંત ફફડી ગયેલી યુવતીએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને બીજા દિવસે રાત્રે પંચકોશી એ-ડિવિઝન પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી.


