અમદાવાદ: નોબલ નગરમાં એરપોર્ટની દીવાલ નજીક જામી દારૂની મહેફિલ, વીડિયો વાઈરલ થતા બેની ધરપકડ | Ahmedabad Police Arrest Two Over Public Drinking Near Airport After Video Surfaces

![]()
Ahmedabad News: અમદાવાદ શહેરના નોબલ નગરથી ભદ્રેશ્વર રોડ પર એરપોર્ટની દીવાલ નજીક જાહેરમાં દારૂની પાર્ટી કરી રહેલા શખસોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ એરપોર્ટ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં બે શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંધારાનો ફાયદો ઉઠાવી રસ્તા પર જ માંડી મહેફિલ
મળતી માહિતી અનુસાર, નોબલ નગરથી ભદ્રેશ્વર રોડ પર એરપોર્ટની દીવાલ નજીક ત્રણથી ચાર શખસોએ પોતાની કાર રસ્તા પર ઊભી રાખી હતી. અંધારાનો લાભ લઈને આ યુવકો કાર પાસે જ ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે આ નજારો જોઈને પોતાના મોબાઈલમાં શૂટિંગ શરૂ કર્યું હતું. જ્યારે જાગૃત નાગરિકે દારૂ પી રહેલા શખસોની પૂછપરછ કરી અને વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે શખસોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવકો પોતાના ચહેરા છુપાવીને હાથમાં દારૂના ગ્લાસ સાથે જ અંધારામાં ભાગી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં વ્યાજખોરનો કહેર! 30 હજાર સામે રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો
એરપોર્ટ પોલીસે કરી બેની ધરપકડ
સોશિયલ મીડિયા પર પુરાવા મળતા જ એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વીડિયો ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી હતી. પોલીસે મહેફિલ માણતા બે યુવકોને ઝડપી પાડ્યા છે. વીડિયોમાં દેખાતા અન્ય ફરાર શખસોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા શખસો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


