અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશ મળ્યા | ahmedabad chandkheda girls death case sleeping pills found in parents blood report

Ahmedabad News: શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના કેસમાં એક એવો ચોંકાવનારો વળાંક આવ્યો છે, જેણે સમગ્ર તપાસની દિશા બદલી નાખી છે. અત્યાર સુધી જેને ફૂડ પોઈઝનિંગનો કિસ્સો માનવામાં આવતો હતો, તેમાં હવે ઊંઘની દવાના કન્ટેન્ટ મળી આવતા રહસ્ય વધુ ગૂંચવાયું છે.
બ્લડ રિપોર્ટમાં શું મળ્યું?
ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા મુજબ, ખાનગી હોસ્પિટલમાં દાખલ બાળકીઓના માતા-પિતા, વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આ રિપોર્ટમાં બંનેના લોહીમાં ઊંઘની દવાના અંશો અથવા તે પ્રકારનું કન્ટેન્ટ મળી આવ્યું છે. જોકે, પોલીસ હજુ સત્તાવાર રીતે એફએસએલ (FSL) ના ફાઈનલ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જે આગામી બે થી ત્રણ દિવસમાં આવી શકે છે.
હત્યા કે આત્મહત્યા? પોલીસની નવી થિયરી
શરૂઆતમાં પરિવારનો આક્ષેપ હતો કે, ડેરીમાંથી લાવેલા ઢોંસાના ખીરાને કારણે આ દુર્ઘટના ઘટી છે. પરંતુ પોલીસ અને નિષ્ણાતોના મતે માત્ર ખીરું ખાવાથી બે બાળકીઓના મોત થાય અને માતા-પિતા ગંભીર હાલતમાં પહોંચી જાય તે વાત ગળે ઉતરે તેવી નથી. બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવા મળતા હવે પોલીસ નીચે મુજબની દિશાઓમાં તપાસ કરી રહી છે.
વાસણો જપ્ત કરવાની વાતમાં સત્ય કેટલું?
સોશિયલ મીડિયા અને કેટલીક જગ્યાએ એવી ચર્ચાઓ હતી કે, પોલીસે ઘરમાંથી વાસણો જપ્ત કર્યા છે, પરંતુ પીઆઈએ આ વાતોને નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ ઘટના 3 તારીખની છે, તેથી વાસણો તો ક્યારનાય ધોવાઈ ગયા હોય. અત્યારે તેમાંથી કોઈ પુરાવા મળવા શક્ય નથી. સીસીટીવી ફૂટેજમાં માત્ર એટલું જ જોવા મળ્યું છે કે દંપતી ખીરું લેવા જાય છે અને પરત ફરે છે.
તપાસનો ધમધમાટ
પોલીસ હવે વિમલ પ્રજાપતિ અને તેમના પત્નીના નિવેદનો ફરીથી લેશે. ઊંઘની દવા તેમના શરીરમાં કઈ રીતે પહોંચી અને શું તે જ બાળકીઓના મોતનું મુખ્ય કારણ છે, તે સવાલ હવે કેન્દ્રસ્થાને છે. એફએસએલનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ આ ગૂંચવાયેલા કેસમાં મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે. માસૂમ મિષ્ટિ અને રાહાના મોત પાછળ ખરેખર કોણ જવાબદાર છે? તે જાણવા આખો દેશ અત્યારે એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે.




