10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘વિલન’ બન્યું ઈઝરાયલ | Israel Attacks Lebanon Despite US Iran Ceasefire 254 Dead as Tensions Rise in Middle East

Israel Attacks Lebanon Despite US-Iran Ceasefire: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાને બદલે વધી રહ્યો હોય તેમ જણાય છે. સીઝફાયરની જાહેરાત થઈ તે જ દિવસે ઈઝરાયલે લેબેનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. ઈઝરાયલી સેનાએ માત્ર 10 મિનિટમાં 100થી વધુ સ્થળોએ બોમ્બમારો કર્યો હતો, જેમાં 50થી વધુ લડાયક વિમાનો જોડાયા હતા. આ ભીષણ હુમલામાં લેબેનોનની રાજધાની બેરૂત, બેકા ઘાટી અને દક્ષિણ લેબેનોનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેને લેબેનોનના રાષ્ટ્રપતિએ ‘નરસંહાર’ ગણાવ્યો છે.
લેબેનોનમાં લોહિયાળ દિવસ: 254ના મોત
લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે શરૂ થયેલા સંઘર્ષમાં આ સૌથી લોહિયાળ દિવસ સાબિત થયો છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 254થી વધુ લોકોના મોત થયા છે અને 1100થી વધુ લોકો ઘાયલ થયા છે. મલબા નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ આક્રમકતા બાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું અમેરિકા-ઈરાન યુદ્ધવિરામમાં ઈઝરાયલ સૌથી મોટો અવરોધ બની રહ્યું છે. લેબેનોનના રાષ્ટ્રપતિએ રોષે ભરાતા કહ્યું હતું કે, ઈઝરાયલ તમામ માનવીય મૂલ્યોની નેવે મૂકીને શાંતિના પ્રયાસોને નજરઅંદાજ કરી રહ્યું છે.
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ બંધ કર્યો
આ ગંભીર સ્થિતિ વચ્ચે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે લેબેનોન આ યુદ્ધવિરામનો ભાગ નથી અને હિઝબુલ્લાહ સામેની કાર્યવાહી ચાલુ રહેશે. બીજી તરફ, ઈરાને આક્રમક વલણ અપનાવતા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે અને ચેતવણી આપી છે કે જો લેબેનોન પર હુમલા નહીં અટકે તો તેઓ યુદ્ધવિરામ કરારમાંથી પાછળ હટી જશે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને પ્રમુખ મસૂદ પેજેશ્કિયાનનું કહેવું છે કે લેબેનોનમાં યુદ્ધવિરામ એ કરારની મુખ્ય શરત હતી અને જો અમેરિકા તેની પ્રતિબદ્ધતાઓ પાળવામાં નિષ્ફળ રહેશે તો શાંતિના પ્રયાસો ખોરવાઈ જશે.
શાંતિ માટે પાકિસ્તાનની વૈશ્વિક અપીલ
વૈશ્વિક સ્તરે પણ આ હુમલાની આકરી ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા દ્વારા શાંતિની અપીલ કરતા જણાવ્યું હતું કે, યુદ્ધવિરામના ઉલ્લંઘનના સમાચારો શાંતિ પ્રક્રિયાને નબળી પાડી રહ્યા છે. તેમણે તમામ પક્ષોને સંયમ જાળવવા અને આગામી બે સપ્તાહ સુધી સમજૂતીનું સન્માન કરવા વિનંતી કરી છે, જેથી રાજદ્વારી રીતે આ સંઘર્ષનો કાયમી ઉકેલ લાવી શકાય. હાલમાં બેરૂતમાં થયેલા પ્રચંડ વિસ્ફોટો અને ઈઝરાયલની હઠના કારણે સમગ્ર વિસ્તારમાં ફરીથી મોટા યુદ્ધના વાદળો છવાયા છે.




