ટ્રમ્પ પર લગામની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, US સંસદમાં આવશે પ્રસ્તાવ | us iran war us senate to vote on resolution to curb donald trump war powers

US Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવની વચ્ચે હવે અમેરિકાના પોતાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની મરજીથી યુદ્ધ કે સૈન્ય હુમલા ન કરી શકે તે માટે ત્યાંના સાંસદો તેમની સત્તા પર અંકુશ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. આવતા અઠવાડિયે સંસદમાં એક ખાસ પ્રસ્તાવ લાવવામાં આવશે, જે મુજબ ઈરાન પર કોઈપણ હુમલો કરતા પહેલા પ્રમુખે સંસદની મંજૂરી લેવી ફરજિયાત બનશે. વિરોધ પક્ષના નેતા ચક શૂમરનું કહેવું છે કે, દેશ અત્યારે એક ખતરનાક વળાંક પર છે, તેથી યુદ્ધ જેવા મોટા નિર્ણયો લેવાની સત્તા માત્ર એક વ્યક્તિ પાસે હોવાને બદલે સંસદ પાસે હોવી જોઈએ.
ટ્રમ્પના આક્રમક વલણથી વિવાદ વકર્યો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણને કારણે આ વિવાદ વધુ વકર્યો છે. ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી હતી કે જો તેઓ સમુદ્રી માર્ગ નહીં ખોલે, તો અમેરિકા ઈરાનનો સંપૂર્ણ વિનાશ કરી દેશે. ટ્રમ્પના આવા ઉશ્કેરણીજનક નિવેદનોથી વિશ્વભરમાં ગભરાટ ફેલાયો હતો અને વિરોધ પક્ષોએ તેમની ભારે ટીકા કરી હતી. જોકે, ટ્રમ્પે અંતિમ સમયે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત તો કરી, પરંતુ વિપક્ષી સાંસદો હવે એવું ઈચ્છે છે કે ટ્રમ્પ ભવિષ્યમાં પોતાની મરજીથી આવી કોઈ ખતરનાક નીતિ કે યુદ્ધના નિર્ણયો ન લઈ શકે તે માટે કાયમી પ્રતિબંધ મૂકવો જોઈએ.
અમેરિકન બંધારણ અને યુદ્ધની સત્તા
અમેરિકન બંધારણ મુજબ, યુદ્ધ જાહેર કરવાનો અધિકાર સંસદ પાસે છે, પરંતુ પ્રમુખ ઘણીવાર તાત્કાલિક જોખમ અથવા ટૂંકા ગાળાની કાર્યવાહીના બહાને આ નિયમનો ભંગ કરીને પોતાની રીતે સૈન્ય નિર્ણયો લેતા હોય છે. ટ્રમ્પ આ જ છટકબારીનો ઉપયોગ કરીને લાંબા સમયથી જંગ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીઝે પણ ટ્રમ્પના આ વલણને ‘બેજવાબદાર’ ગણાવીને યુદ્ધની સત્તા મર્યાદિત કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે રિપબ્લિકન પાર્ટીનું સામાન્ય બહુમતી ધરાવતું ગૃહ આ પ્રસ્તાવને પસાર થવા દે છે કે નહીં.




