અમદાવાદ: ભાગીદારીમાં વિશ્વાસઘાત! શેરબજારમાં ઊંચું રિટર્ન અપાવવાના બહાને કરોડોનો ચૂનો | Ahmedabad news Loan on Mutual Fund Fraud of investment in stock market

![]()
Ahmedabad news: અમદાવાદમાં શેરબજારમાં ઇન્વેસ્ટ કરી ઊંચું રિટર્ન અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભેજાબાજ ગઠિયાઓએ એક કંપનીના માલિક અને તેમની પત્નીના મ્યુચ્યુઅલ ફંડ પર લોન લેવડાવીને તે રકમ શેરબજારમાં રોકાણ કરવાના નામે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. ત્યારબાદ રોકાણના નામે એક પ્રખ્યાત બ્રોકરેજ કંપનીના ખોટા લેટરપેડ અને લેજરો બનાવીને આશરે રૂ. 1.07 કરોડની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આરોપીઓએ ષડયંત્ર રચીને બોસના લાખો રૂપિયા પડાવી લીધા
આ અંગે મળતી માહિતી મુજબ, નારોલ ખાતે રહેતા 49 વર્ષીય નીતિન સત્યવીર સિંઘે ફરિયાદ નોંધાવી છે. તેઓ છેલ્લા 14 વર્ષથી સિંધુભવન રોડ પર આવેલી એક કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની કંપનીના માલિક અને તેમના પત્ની સાથે આ છેતરપિંડીની ઘટના બની છે. વિવેક અગ્રવાલે પોતાના વતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે નીતિનભાઈને પાવર ઓફ એટર્ની આપી હોવાથી, નીતિનભાઈએ એમ.પી. ફિનકોર્પ સર્વિસીસના ભાગીદારો સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ષડયંત્ર રચીને તેમના બોસના લાખો રૂપિયા પડાવી લીધા છે અને વિશ્વાસઘાત કર્યો છે.
માલિકનો અગાઉથી પરિચય હતો
આરોપી મિહિર જીતેન્દ્રભાઈ પરીખ (રહે. ઇસ્કોન સેટેલાઇટ) સાથે ફરિયાદીના માલિકનો અગાઉથી પરિચય હતો. જૂન 2025માં મિહિર પરીખે ફરિયાદીના માલિકને લાલચ આપી હતી કે જો તેઓ પોતાની મ્યુચ્યુઅલ ફંડની રકમ પર લોન લઈને તે નાણાં તેમની કંપની મારફતે શેરબજારમાં રોકાણ કરશે, તો વાર્ષિક 15 થી 20 ટકા જેટલું ઊંચું વળતર મળશે. આ વાતોમાં આવીને માલિક અને તેમની પત્નીએ મ્યુચ્યુઅલ ફંડ પર લોન લીધી અને કુલ રૂ. 1,34,00,000 આરોપીની કંપની એમ.પી. ફિનકોર્પ સર્વિસીસના બેંક ખાતામાં જમા કરાવ્યા.
શેરબજારની કંપનીમાં તપાસ કરતાં સત્ય સામે આવ્યું
થોડા સમય બાદ રૂપિયા પાછા માંગતા આરોપી મિહિર પરીખે બહાના કાઢ્યા અને શેરબજારના ખોટા લેટરહેડવાળા પીડીએફ સ્ટોક લેજરો પધરાવી દીધા. જ્યારે શેરબજારની કંપનીમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ત્યાં તેમનું કોઈ ખાતું જ નથી. આરોપીઓએ વિશ્વાસમાં લેવા માટે પેઢી અને અન્ય નામે આપેલા સિક્યુરિટી ચેકો પણ બેંકમાં બાઉન્સ થયા હતા. આરોપીઓએ રૂ. 26,49,273 પરત કરી બાકીના રૂ. 1,07,50,727 પોતાના અંગત વપરાશમાં લઈ છેતરપિંડી આચરી હતી. આ કેસમાં મિહિર પરીખ ઉપરાંત ગીતા પરીખ, ધારા પરીખ અને હેમરાજ રાણા નામના શખ્સો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.



