અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાને તલવારો મ્યાન કરી | America Israel and Iran sheathe their swords

![]()
– બે સપ્તાહનો યુદ્ધવિરામઃ અમેરિકા-ઇરાન ‘આતંકવાદી દેશ’ પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા કરશે !
– અમેરિકા-ઇરાન ભેગા મળીને બોમ્બમારામાં નાશ પામેલી સાઇટ પરથી પરમાણુ સામગ્રી કાઢશે તેવો ટ્રમ્પનો દાવો, પણ ઇરાનનો નનૈયો
– યુદ્ધ પછી ઇરાનને હોર્મુઝની ખાડી પર નિયંત્રણ મળશે અને તેને ટોલ ટેક્સ વસૂલવાની પણ છૂટ મળવાની ખાતરી
– અમેરિકા યુદ્ધમાં અમને થયેલા નુકસાન બદલ જંગી વળતર ચૂકવશેઃ ઇરાનનો દાવો
વોશિંગ્ટન : અમેરિકા અને ઇરાન ૪૦ દિવસના યુદ્ધ પછી બે સપ્તાહનો યુદ્ધવિરામ થઈ ગયો છે. આ દરમિયાન બંને વચ્ચે શાંતિ મંત્રણા યોજાશે. આશ્ચર્યની વાત તો એ છે કે અમેરિકા અને ઇરાન વચ્ચેની શાંતિ મંત્રણા વિશ્વસ્તરે આતંકવાદી જાહેર થયેલા દેશ પાકિસ્તાનમાં શરૂ થશે. આ યુદ્ધવિરામ છતાં પણ અમેરિકા-ઇરાને ઇરાનની રીફાઇનરી પર હુમલો કર્યો છે અને ઇરાને પણ વળતો હુમલો કર્યો છે.
ઇરાને યુદ્ધવિરામ પછી પણ કુવૈત અને યુએઈમાં હુમલા કર્યા છે. તેના કારણે તેણે ગેસ ફેસિલિટી બંધ કરી દેવી પડી છે. આ બતાવે છે કે યુદ્ધવિરામ કેટલું ચાલશે. જ્યારે ઇઝરાયેલે તો સ્પષ્ટ જણાવી દીધું છે કે યુદ્ધવિરામમાં લેબનોનનો સમાવેશ થતો નથી, તેથી તેના પર અમારા હુમલા ચાલુ રહેશે. જ્યારે બીજી બાજુએ ઇરાને પણ જણાવ્યું છે કે લેબનોનનો જો યુદ્ધવિરામમાં સમાવેશ કરવામાં નહીં આવે તો હુમલા ચાલુ રહેશે. જો કે આ યુદ્ધવિરામનું હાલમાં બંને પક્ષોએ અને વિશ્વના લગભગ બધા દેશો અને તેમા પણ ખાસ કરીને યુરોપીયન દેશોએ સ્વાગત કર્યુ છે જેના પર હોર્મુઝની ખાડી બંધ થવાથી અસર પડી હતી.
ઇરાનની મહત્ત્વની શરતોમાં એક યુદ્ધમાં થયેલા નુકસાન બદલ અમેરિકા જંગી વળતર ચૂકવશે તે છે. હવે આ મુદ્દે ઇરાન અમેરિકન પ્રમુખ પર જો વિશ્વાસ કરતું હોય તો તે વિચારવા લાયક બાબત છે. કદાચ ઇરાન આ શરતનો ઉપયોગ બીજી રીતે પણ કરે તેવી સંભાવના સેવવામાં આવી રહી છે.
અમેરિકા-ઇરાન ભેગા મળીને પરમાણુ સામગ્રી કાઢશેઃ ટ્રમ્પ, ઇરાનનો ઇનકાર
ટ્રમ્પે દાવો કર્યો છે કે યુદ્ધવિરામ પછી અમેરિકા અને ઇરાન મળીને કામ કરશે. ઇરાનમાં સફળ સત્તા પરિવર્તન કરવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો કે હવે ઇરાનમાં યુરેનિયમ સંવર્ધન કરવામાં નહીં આવે. અમેરિકા ઇરાન સાથે મળીને ભૂમિગત પરમાણુ સામગ્રી બહાર કાઢવાનું કામ કરશે. તેમણે સંકેત આપ્યો છે કે બંને દેશ વચ્ચે ટેરિફના પ્રતિબંધોમાં રાહતની વાત ચાલી રહી છે. ૧૫માંથી ઘણા મુદ્દાઓ પર સંમતિ બની ચૂકી છે. જો કે પરમાણુ સંવર્ધન અંગે ટ્રમ્પની જાહેરાત સામે ઇરાને નન્નો ભણ્યો છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે હાલમાં જે થયો છે તે યુદ્ધવિરામ છે. શાંતિ મંત્રણા તો આગામી સપ્તાહે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ ખાતે ફરીથી શરૂ થશે. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેસી વાન્સની આગેવાની હેઠળની ટીમ ઇરાનના અધિકારીઓ સાથે વાતચીત કરશે.
મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપવા અમે સક્રિયઃ ચીન
ચીનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે ચીન મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે ચીન સતત સંઘર્ષવિરામ અને વાતચીતને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરી રહ્યું છે. આમ તે ખાડી સહિત આખા વિસ્તારમાં સ્થિરતા સ્થાપવા રચનાત્મક ભૂમિકા ભજવતું રહેશે. ચીનની આ પ્રતિક્રિયા ત્યારે આવી છે જ્યારે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ચીને ઇરાનને મેજ પર લાવવામાં મદદ કરી છે. ચીનનું વલણ દર્શાવે છે કે તે પોતાને એક મધ્યસ્થી અને સંતુલન બનાવતી તાકાત તરીકે રજૂ કરવા માંગે છે. નિષ્ણાતો માને છે કે ચીન વાસ્તવમાં આગળ વધારવા સફળ થાય છે તો આ વૈશ્વિક કૂટનીતિમાં તેની સ્થિતિ વધુ મજબૂત કરી શકે છે.
ઇરાનની વિનંતીઓના પગલે અમે યુદ્ધવિરામ કર્યોઃ પીટ હેગસેથ
અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે આ યુદ્ધવિરામને અમેરિકાનો વિજય ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ઇરાન યુદ્ધવિરામ માટે વિનંતીઓ કરી રહ્યું હતું. તેનું કારણ એ હતું કે તેઓ ખરાબ રીતે થાકી ચૂક્યા હતા. ટ્રમ્પે આ યુદ્ધવિરામ શક્ય બનાવ્યો છે. તેમણે અમેરિકાના ઓપરેશન એપિક ફ્યુરીને સફળ ગણાવ્યું હતું. તેમનું કહેવું છે કે ઇરાનની બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતાને સંપૂર્ણપણે ખતમ કરી દેવાઈ છે. આખા ખાડી વિસ્તાર માટે ભયજનક બનેલા ઇરાનના નૌકાદળને ખતમ કરી દેવાયું છે. આ ઉપરાંત ઇરાનના સંરક્ષણ ઉદ્યોગના માળખાને પણ ઘણી હદ સુધી ખતમ કરી દેવાયો છે.
અમને હોર્મુઝમાંથી ટોલ વસૂલવા છૂટ મળીઃ ઇરાન
ઇરાને જણાવ્યું હતું કે તેઓ આ શાંતિમંત્રણા માટે સંમત થયા છે. તેમની હોર્મુઝ પરની સંપૂર્ણ નિયંત્રણની અને તેના પરથી ટોલ વસૂલીને ઇરાનના નવસર્જનની વાત સ્વીકારી લેવામાં આવી છે. ઇરાને જણાવ્યું હતું કે તે પરમાણુ બોમ્બ ન બનાવવા માટે સંમત થયું છે, પરંતુ પરમાણુ ઉર્જા માટે પરમાણુ સંવર્ધન તો જારી જ રાખશે. આમ યુદ્ધવિરામની શરતોને લઈને વિરોધાભાસી અહેવાલ આવી રહ્યા છે. પાકિસ્તાને જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં કાયમી ધોરણે શાંતિ સ્થાપવા માટેની શાંતિ મંત્રણાનો શુક્રવારે પ્રારભ થશે.
ઇરાન અમેરિકા અને ઇઝરાયેલની વિસ્ફોટક શક્તિનો મુકાબલો કરી શકે તેમ ન હતુ, પરંતુ હોર્મુઝ બંધ કરીને તેણે આખા વિશ્વની સપ્લાય ચેઇનને અવરોધી હતી. તેના કારણે ટ્રમ્પ પર ઇરાન સાથે ડીલ કરવા સતત દબાણ વધતુ જતુ હતુ. આ ઉપરાંત તેણે અમેરિકાના સહયોગી આરબ દેશો પર પણ હુમલા કરીને ટ્રમ્પ પર દબાણ વધાર્યું હતું.
ઇરાનનો પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમ હજી અનિર્ણીત
અમેરિકાએ ઇરાન સાથે યુદ્ધવિરામ તો કર્યો છે, પરંતુ તેના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમને લઈને હજી સુધી કોઈ નિર્ણય થયો નથી. ઇરાન સતત કહેતું આવ્યું છે કે તે શાંતિમય હેતુઓ માટે પરમાણુ ઉર્જા કાર્યક્રમ જારી રાખવાનું છે. આમ ઇરાનના પરમાણુ કાર્યક્રમને બંધ કરી દેવાનો દાવો પોકળ નીવડે છે. જ્યારે ઇરાન આ સંધિમાં તેના મિસાઇલ કાર્યક્રમ પર કોઈપણ પ્રકારની મર્યાદા સ્વીકારતું નથી. તેથી તે હજી અનિર્ણીત છે. બીજી બાજુએ ઇઝરાયેલનું કહેવું છે કે અમેરિકા ઇરાનના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવાને લઈને પ્રતિબદ્ધ છે. આગામી મંત્રણામાં તેના પર ભાર મૂકવામાં આવશે.
અમેરિકાની 10 ટકા ક્ષમતામાં જ ઇરાન ઘૂંટણિયે આવી ગયુંઃ પેન્ટાગોન
અમદાવાદ : અમેરિકન સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે દાવો કર્યો છે કે ઓપરેશન એપિક ફ્યુરીમાં અમેરિકાનો વિજય થયો છે. તેમણે જણાવ્યું હતું કે અમારા ઓપરેશનના લીધે ઇરાને યુદ્ધવિરામ માટે સંમત થવું પડયું. હેગસેથનો દાવો છે કે અમેરિકાએ તેની લશ્કરી ક્ષમતાના માંડ ૧૦ ટકાનો ઉપયોગ કરીને વિજય મેળવ્યો છે. આમ છતાં પણ અમેરિકા ઇરાનને ભારે નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે મંગળવારે રાત્રે અમેરિકાએ ૮૦૦થી વધુ હવાઈ હુમલા કર્યા. તેમા ઇરાનના મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રકચરને સંપૂર્ણપણે ખતમ કરી નાખવામાં આવ્યું. ઇરાનની કેટલીય ફેક્ટરીઓ જમીનદોસ્ત કરી દેવામાં આવી. તેનો મિસાઇલ પ્રોગ્રામ સંપૂર્ણપણે ઠપ કરી દેવાયો. ઇરાનના નવા સુપ્રીમ લીડર સંપૂર્ણપણે ઇજાગ્રસ્ત છે. ઓપરેશનનમાં ઇરાનના એર ડિફેન્સનો ૮૦ ટકા હિસ્સો ખતમ કરી દેવાયો છે. આ ઉપરાંત ઇરાનની ૯૦ ટકા જેટલી હથિયાર ફેક્ટરી ખતમ કરી દેવામાં આવી છે. આ હુમલા પછી ઇરાનનો પોતાની લશ્કરી ક્ષમતા નવેસરથી બનાવવામાં ઘણો સમય લાગી શકે છે. તેમા પણ ખાસ કરીને નૌકાદળની ક્ષમતાની ક્ષમતાને યથાવત્ સ્થિતિમાં લાવતા ઘણો સમય લાગી શકે છે.
આગામી દિવસોમાં વેન્સનું ‘કદ’ વધી શકે
વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સની યુદ્ધવિરામમાં મહત્ત્વની ભૂમિકા
– ટ્રમ્પ-વેન્સે ઇરાનને મંત્રણાના ટેબલ પર લાવવા ગુડકોપ-બેડકોપની વ્યૂહરચના અપનાવી
વોશિંગ્ટન : અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા બે સપ્તાહના યુદ્ધવિરામમાં જ્યાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આકરું વલણ અપનાવ્યું તો બીજી બાજુએ પડદા પાછળ કૂટનીતિ ચાલતી રહી. અહેવાલ મુજબ આખી પ્રક્રિયામાં જેડી વેન્સની ભૂમિકા ઘણી મહત્ત્વની રહી છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના આકરા નિવેદનો અને ધમકીઓની વચ્ચે તેમના સહયોગી જેડી વેન્સે પડદા પાછળ વાતચીતની જવાબદારી સંભાળી. બંનેએ મળીને ગુડ કોપ-બેડ કોપની રણનીતિ અપનાવી. તેનાથી ઇરાન પર દબાણ પણ બન્યું અને વાતચીતનો રસ્તો પણ ખૂલ્યો.
અહેવાલ મુજબ જેડી વેન્સે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની સાથે મળીને ઇરાનના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરી અને તેમને યુદ્ધવિરામ માટે તૈયાર કર્યા. આ પહેલા એવું સામે આવ્યું હતું કે વેન્સ વાતચીતની પ્રક્રિયાનો હિસ્સો હતા, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તેમની ભૂમિકા વધુ મહત્ત્વની હતી.
ઇરાન આ પહેલાં જ કેટલાક અમેરિકન પ્રતિનિધિઓથી નિરાશ થઈ ચૂક્યુ હતુ. તેમા પણ ખાસ કરીને સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથે થયેલી વાતચીત પછી તો ઇરાને અમેરિકા સાધે વાતચીત કરવાની પણ ના પાડી દીધી હતી. તેના પછી જેડી વેન્સ વિશ્વાસપાત્ર વિકલ્પ બનીને બહાર આવ્યા. તે યુદ્ધ પ્રત્યે સખ્ત નહીં પણ સંતુલિત અભિગમ ધરાવતા હતા. તેમનો સીધો સંપર્ક ટ્રમ્પ સાથે હતો. અમેરિકન અધિકારીઓ પણ માનતા હતા કે જો વેન્સ ડીલ ન કરી શક્યા તો પછી કોઈ ડીલ શક્ય ન હતી.
વેન્સે પાક. પ્રમુખ મુનીર સાથે મળીને ઇરાનના અધિકારી સાથે મળી વાતચીતની શરતો તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ટ્રમ્પે વેન્સના કામને જાહેર સમર્થન આપતા તેમની ભૂમિકા વધુ મજબૂત થઈ.



