બોર્ડની પરીક્ષા બાદ સીડી પરિક્ષણ દરમિયાન ધો.૧૨ સા.પ્ર.માં ત્રણ કેસ | Three cases in Std 12th C P during CD examination after board exam

![]()
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૩૧૦૦ સીડીનું પરિક્ષણ કર્યું હતું
પેપરની આપ-લે અને ચિઠ્ઠી સાથે ચોરી કરનારા ત્રણ વિદ્યાર્થી ઝડપાયા ઃ કુલ કોપીકેસ
ભાવનગર – શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા પૂર્ણ થયા બાદ ગેરરીતિ અટકાવવા અને તેને પકડવા પરીક્ષા દરમિયાન થયેલ સીસીટીવી ફુટેજનું બ્યુઇંગની પ્રક્રિયા કરાય છે જેમાં જિલ્લા કક્ષાએ બ્યુઇંગ દરમિયાન ધો.૧૨ સા.પ્ર.માં ત્રણ ગેરરીતિ સામે આવી હોવાનું જણાયું છે. જ્યારે ધો.૧૦માં નિલ રિપોર્ટ આવેલ છે. આમ અગાઉ ડમી બાદ આ ત્રણ કેસ સામે આવતા કુલ ચાર કેસ નોંધાયા છે.
સામાન્ય રીતે ગેરરીતિ ડામવા શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષા સમયે જ પુરતી તકેદારી રાખવાના પ્રયત્નો કરે છે તેમ છતાં અજાણતા પણ ગેરરીતિ ન થાય તે હેતુ સાથે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયેલ દ્રશ્યોની સીડીનું પણ પાછળથી વેરીફીકેશન કરે છે. એક જિલ્લામાં અને બીજુ પરિક્ષણ ગાંધીનગર બોર્ડ દ્વારા કરાય છે. ભાવનગર જિલ્લામાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૬૯ કેન્દ્રો અને ૧૮૭૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો કે, પરીક્ષા દરમિયાન કોઇ કેસ મળી આવ્યો ન હતો. જ્યારે પછીના દિવસોમાં તપાસના અંતે મહુવામાંથી એક ડમી ઉમેદવારનો કેસ મળી આવતા કાયદેસર કાર્યવાહી થવા પામી હતી. જ્યારે અન્ય કોઇ ગેરરીતિ થઇ છે કે કેમ તે જોવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ દ્વારા વિવિધ સેન્ટર પર સીડી બ્યુઇંગની કામગીરી હાથ ધરી હતી અને તે પૂર્ણ કરી છે ત્યારે ધો.૧૨ની ૩૧૦૦ જેટલી રેકોર્ડ સીડીનું પરિક્ષણ કરવામાં આવતા સિહોરમાંથી એક અને તળાજામાંથી બે વિદ્યાર્થી ગેરરીતિ કરતા દ્રશ્યમાન થયા હતાં જેનું તંત્ર દ્વારા હિયરીંગ પણ કરાયું હતું. જેમાં રેકોર્ડીંગમાં પેપરની અદલા બદલી અને ચિઠ્ઠીમાંથી લખાણ લખવા જેવી બાબતો સ્પષ્ટ દેખાતા ત્રણે સામે કોપીકેસ કરવામાં આવ્યો હતો. જ્યારે ધો.૧૦ના સીડી બ્યુઇંગમાં કોઇ ગેરરીતિ મળી આવી ન હતી. આમ ધો.૧૨ સા.પ્ર.માં કુલ ચાર ગેરરીતિ સામે આવી હોવાનું જણાયું છે.



