‘મિશન હજુ અધૂરું છે’, યુદ્ધ વિરામ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાને બળતામાં ઘી હોમ્યું, સ્થિતિ ફરી ગંભીર | US Iran ceasefire Lebanon attack israel pm netanyahu says still some goals to achieve

![]()
US Israel War: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ સ્થિતિ ફરી એકવાર ગંભીર બની ગઈ છે. બંને પક્ષો તરફથી હુમલાના અહેવાલો સામે આવ્યા બાદ યુદ્ધ વિરામનો ભંગ થયો છે. આ ઉલ્લંઘન બાદ ઈરાને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર અટકાવી દીધી છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર મોટી અસર પડવાની આશંકા સેવાઈ રહી છે. તેવામાં ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુના નિવેદન બળતામાં ઘી હોમ્યું છે.
નેતન્યાહુએ કહ્યું- ‘મિશન હજુ અધૂરું છે’
આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈઝરાયલનું ‘મિશન હજુ અધૂરું’ છે અને જો જરૂર પડશે તો યુદ્ધ ફરી શરૂ કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે યુદ્ધ વિરામ અંગે તેમની અને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સહમતી હતી, પરંતુ હજુ કેટલાક લક્ષ્યો બાકી છે જે કાં તો કરાર દ્વારા અથવા યુદ્ધ દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે.
યુરેનિયમ પર અટકી વાત
નેતન્યાહુએ દાવો કર્યો હતો કે ઈઝરાયલે ઈરાનની મિસાઈલ ઉત્પાદન ક્ષમતાને મોટાભાગે નષ્ટ કરી દીધી છે અને હાલમાં જે હુમલા થઈ રહ્યા છે તે જૂના સ્ટોકમાંથી કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાનમાં સંવર્ધિત યુરેનિયમને કાં તો કરાર દ્વારા અથવા બળપૂર્વક હટાવવું જોઈએ.
લેબનાન પર હુમલા ચાલુ રહેશે
ઈઝરાયલના PMએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા સતત કરવામાં આવશે, કારણ કે આ કાર્યવાહી તેહરાન સાથે થયેલા કોઈપણ કરારનો ભાગ નથી. નેતન્યાહુના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભલે ઈરાન સાથે યુદ્ધ વિરામ લાગુ હોય, પરંતુ ઈઝરાયલ પોતાની સુરક્ષા રણનીતિમાં કોઈ ઢીલ આપવાના મૂડમાં નથી.
ઈરાનનો આકરો મિજાજ: ‘જડબાતોડ જવાબ મળશે’
બીજી તરફ, ઈરાને કડક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે જો લેબનાન પર ઈઝરાયલના હુમલા તાત્કાલિક રોકવામાં નહીં આવે, તો સમગ્ર ક્ષેત્રમાં જોરદાર વળતો પ્રહાર કરવામાં આવશે. ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયને આ મુદ્દે શાહબાઝ શરીફ સાથે વાતચીત કરી અને યુદ્ધ વિરામના ઉલ્લંઘનની આકરી ટીકા કરી હતી. જાપાનના વડાપ્રધાન સાથે ફોન પર વાત કરતા તેમણે અમેરિકા પર અવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, અમેરિકાનો ‘છેતરપિંડીનો જૂનો ઈતિહાસ’ રહ્યો છે, તેથી તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
આ પણ વાંચો: VIDEO : ઈઝરાયલી હુમલામાં લેબેનોનમાં તબાહી, 254 લોકોના મોત, અમેરિકાએ હાથ અધ્ધર કર્યા
અસ્થિર સ્થિતિ થતાં ફરી તેલ સંકટ ઘેરાયું
બુધવારે સવારે અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી, જેથી મધ્ય પૂર્વમાં શાંતિની આશા જન્મી હતી. પરંતુ ગણતરીના કલાકોમાં જ તે આશા પર પાણી ફરી વળ્યું છે. સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઈલ ટેન્કરને રોકી દીધું. ઈરાને ચેતવણી આપી છે કે જો ઈઝરાયલના લેબનોન પર હુમલા ચાલુ રહેશે તો તેહરાન પણ યુદ્ધ વિરામ તોડી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ સૂચવે છે કે શાંતિનો માર્ગ સરળ નથી અને મધ્ય પૂર્વ ફરી એકવાર મોટા સંઘર્ષના ઉંબરે આવીને ઊભું છે.



