ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ | DCP Zone 3 staff nabbed two members of mobile theivery gang from kalupur area

અમદાવાદ,બુધવાર
ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાં ભીડનો લાભ લઇને મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સાગરિતોને ડીસીપી ઝોન-૩ સ્ક્વોડ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તે મોબાઇલ ચોરી કરીને સિલ્વર ફોઇલમાં કવર કરતા હોવાથી ટ્રેસ કરી શકાતા નહોતા. ચોરી કરવા માટે અનેક ગુજરાતમાં ફ્લાઇટમાં પણ આવતા હતા.
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન અને આસપાસમાં મોબાઇલ ચોરીના બનાવોમાં વધારો થતા ડીસીપી ઝોન-૩ સ્ક્વોડના સ્ટાફને તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ઝારખંડની ગેંગ દ્વારા અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં ચોરી કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે રઘુ મહતો અને વિક્રમ મહતો (રહે. ઝારખંડ)ને ૨૧ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધા હતા.
પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ તેમજ તેમની ગેંગના અન્ય સાગરિતો ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં મોબાઇલ ચોરીનું નેટવર્ક ધરાવે છે. જેમાં ક્રિકેટ સ્ટેડિયમ, ભીડ વાળી જગ્યા પર આવીને મોબાઇલ ચોરી કરીને તરત જ તેને સિલ્વર ફોઇલમાં વાળીને મુકી દેતા હતા. જેથી રીંગ વાગતી નહોતી અને ટ્રેસ પણ કરી ન શકાય તેવી સ્થિતિ ઉભી થતી હતી.
બાદમાં અન્ય રાજ્યોમાં મોબાઇલ મોકલીને વેચાણ કરતા હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં ખુબ મોટા પ્રમાણમાં મોબાઇલ ફોન ચોરી કર્યા હતા. તે મોબાઇલ ચોરી કરવા માટે અનેકવાર ફ્લાઇટમાં આવતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.



