ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન | discussed ways to build strong future of india us ties us envoy gor on meeting with trump

Sergio Gor Meets Trump: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે હાલમાં મોટા સ્તરે પ્રયાસો તેજ થયા છે. અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી અને ભારત-અમેરિકાના સંબંધોના ઉજ્જવળ ભવિષ્ય અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સર્જિયો ગોરે ‘X’ પર આ મુલાકાતને યાદગાર ગણાવતા કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ વૈશ્વિક સ્થિરતા લાવવા માટે મક્કમ છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા અને ઈરાન 6 સપ્તાહના સંઘર્ષ બાદ 2 સપ્તાહના યુદ્ધવિરામ પર સહમત થયા છે.
વિદેશ સચિવનો અમેરિકા પ્રવાસ
બીજી તરફ, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે, જ્યાં તેઓ દ્વિપક્ષીય વેપાર, સંરક્ષણ સંબંધો અને પશ્ચિમ એશિયાના સંકટ પર ચર્ચા કરશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ટેરિફ અને અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડો તણાવ જોવા મળ્યો હતો, પરંતુ હવે બંને પક્ષો ફરીથી સંબંધોને સ્થિર અને મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે. આ દિશામાં આગળ વધતા સર્જિયો ગોરે અમેરિકાના વાણિજ્ય મંત્રી હાવર્ડ લુટનિક સાથે પણ મહત્ત્વની બેઠક કરી હતી.
આ પણ વાંચો: દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત
બંને દેશો વચ્ચે ટૅક્નોલૉજી અને બિઝનેસ માટે એમઓયુ પર ચર્ચા
આ બેઠકમાં ખાસ કરીને 1.4 અબજની વસ્તી ધરાવતા ભારતીય બજારને અમેરિકન ઉત્પાદનો માટે વધુ સરળ બનાવવા અને વેપારી રોડમેપ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બંને દેશો વચ્ચે એક નવા સમજૂતી કરાર પર પણ ચર્ચા થઈ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષમતાને અમેરિકાના એઆઈ ઇકોસિસ્ટમ સાથે જોડવાનો છે. આ પ્રયાસોથી આવનારા સમયમાં ટૅક્નોલૉજી અને બિઝનેસ ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી વધુ ગાઢ બને તેવી શક્યતા છે.




