પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી | panchmahal shehra storm rain update deaths crop damage news

![]()
Panchmahal News: મંગળવારે બપોર બાદ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અચાનક હવામાન પલટાયું હતું અને વાવાઝોડા સાથે ત્રાટકેલા તોફાની વરસાદે ભારે તબાહી મચાવી છે. આ આકાશી આફતે કુદરતનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, જેમાં અત્યાર સુધીના અહેવાલો મુજબ બે નિર્દોષ લોકોના મોત થયા છે. કુદરતી પ્રકોપને કારણે સમગ્ર તાલુકામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મકાનો તેમજ ખેતીવાડીને મોટું નુકસાન પહોંચ્યું છે.
ખેતીવાડીમાં ભારે નુકસાન
ભારે પવન અને ગાજવીજ સાથે આવેલા વરસાદને કારણે કાચા અને પાકા મકાનોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેનાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. મકાઈ, ઘઉં અને બાજરી જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં સંગ્રહિત ઘાસચારો પલળી જતાં પશુપાલકો પણ પોતાના પશુધનને લઈને ચિંતાતુર બન્યા છે.
ધાંધલપુર, છોગાળા અને અન્ય ગામોમાં ભારે પાયમાલી
તાલુકાના ધાંધલપુર, છોગાળા, સગરાડા, ખોજલવાસા, મંગલપુર અને સુરેલી જેવા ગામોમાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી છે. ભારે પવનને કારણે ડઝનબંધ વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે. ધાંધલપુર ગામમાં પતરાના શેડ ઉડી જતાં મોટું નુકસાન થયું છે. અનેક મકાનો અને દુકાનોના પતરાં હવામાં ફંગોળાઈ જતાં લોકોએ પોતાની છત્રછાયા ગુમાવી છે.
વીજ પુરવઠો ખોરવાયો, રસ્તાઓ બંધ થતાં લોકો પરેશાન
વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ધાંધલપુર, સુરેલી, છોગાળા અને પાનમ ડેમ વિસ્તાર સહિતના ગામોમાં છેલ્લા 12 કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો બંધ છે, જેના કારણે હજારો લોકો અંધકારમાં રહેવા મજબૂર બન્યા છે. ધાંધલપુર ગામમાં જુની પંચાયતથી ચોપડાખુર્દ તરફ જવાનો માર્ગ ઝાડ અને વીજ થાંભલો પડવાના કારણે બંધ થઈ ગયો છે. ટીંબા ફળિયા પાસે અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેનાથી બાઈક અને ફોરવીલ ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે.
તંત્ર પાસે તાત્કાલિક કામગીરીની માંગ
સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક ધોરણે રસ્તાઓ ખુલ્લા કરવા અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માંગ કરી રહ્યા છે. આ અણધારી આફતે શહેરા તાલુકાને પાયમાલ કરી દીધો છે, અને હવે લોકો સરકાર તરફ મદદની મીટ માંડીને બેઠા છે.



