રાજકોટના હાઇબ્રિડ ગાંજાના કેસમાં જામજોધપુરના બે યુવાનોની ધરપકડ | Two youths from Jamjodhpur arrested in Rajkot hybrid ganja case

![]()
કમિશનથી બંને ગ્રાહકોને હાઇબ્રિડ ગાંજો આપવા જતા હતા
સુરતનો સપ્લાયર હજુ ફરાર, પકડાયા બાદ દેશવ્યાપી હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા
રાજકોટ: રાજકોટમાંથી થોડા સમય પહેલાં એસઓજીએ અંદાજે રૂા.૧૩ લાખનો હાઇબ્રિડ ગાંજો કબજે કરી મુખ્ય સુત્રધાર ધુ્રવ જોશી અને રૂષિ પટેલની ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ ૨ આરોપીઓ મિત ભાવેશભાઇ ગુંજારીયા (ઉ.વ.૨૫, રહે. વિજયનગર-૧, જામજોધપુર) અને યશ જીતેન્દ્રભાઇ ભુવા (ઉ.વ.૨૫, રહે. ઉમા પાર્ક-૨, જામજોધપુર)ની ધરપકડ કરવામાં આવી છે.
એસઓજીએ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત આ હાઇબ્રિડ ગાંજાનો કેસ કર્યો હતો. જેમાં શરૂઆતમાં ૬૯ ગ્રામ અને પછીથી ૨૯૬ ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કરી ધુ્રવ જોશી અને રૂષિ પટેલની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં મિત અને યશના નામ ખુલતાં પીએસઆઇ એમ.વી.જાડેજાએ આ બંનેને પણ ઝડપી લીધા હતા.
મુખ્ય સુત્રધાર ધુ્રવ શિતલ પાર્કમાં રહેતો હતો. બીજુ મકાન તેણે બીગ બજાર પાછળ જગન્નાથ ચોકમાં ભાડે રાખ્યું હતું. જ્યાંથી પણ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ મકાનનો ભાડા કરાર ધુ્રવ અને મિત તથા યશના નામનો હતો. આ બંને આરોપીઓ સુત્રધાર ધુ્રવ અને રૂષી કહે તે ગ્રાહકને હાઇબ્રિડ ગાંજો પહોંચાડતા હતા. બદલામાં તેમને કમિશન મળતું હતું. બંને આરોપીઓ અને ધુ્રવ જગન્નાથ ચોકનાં મકાનમાં સાથે રહેતા હતા.
આરોપી મિત સિક્યુરીટીનું કામ કરતો હતો. જ્યારે બીજો આરોપી યશ ગ્રાફીક ડીઝાઇનર તરીકે કામ કરતો હતો. આ ટોળકી શરૂઆતમાં મુંબઇથી ડ્રગ્સ લઇ આવતી હતી. છેલ્લા છ માસથી સુરતનાં વેસુ રોડ પર રહેતાં ધૈર્ય ધમીજા પાસેથી ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું.
જોકે ધૈર્ય હાલ ફરાર છે. હાઇબ્રિડ ગાંજો મુખ્યત્વે થાઇલેન્ડથી આવે છે. ધૈર્ય મોટો પેડલર હોવાની માહિતી એસઓજીને મળી છે. તે પકડાયા બાદ હાઇબ્રિડ ગાંજાના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થાય તેવી સંભાવના એસઓજી જોઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે હાઇબ્રિડ ગાંજાનો રાજકોટ બાદ બીજો કેસ પોરબંદરમાં નોંધાયો છે.



