‘લેબેનોનમાં કોઈ સીઝફાયર નહીં’, નેતન્યાહૂની જાહેરાતથી અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર સંકટ | No Ceasefire in Lebanon Says Netanyahu US Iran War Update

No Ceasefire in Lebanon Says Netanyahu : અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સંઘર્ષ વિરામ (Ceasefire) ની જાહેરાતથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ આશા પર પાણી ફેરવી દીધું છે. નેતન્યાહૂના કાર્યાલયે બુધવારે સવારે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલું સમજૂતી લેબેનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ચાલી રહેલી ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી પર લાગુ થશે નહીં.

ટ્રમ્પના નિર્ણયને ટેકો, પણ શરતો સાથે
ઈઝરાયલના PMO દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે ઈઝરાયલ ડોનાલ્ડ ટ્રમ્પના બે અઠવાડિયા સુધી હુમલા સ્થગિત કરવાના નિર્ણયનું સમર્થન કરે છે, પરંતુ તેની શરત એ જ છે કે ઈરાને તાત્કાલિક ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવી પડશે અને અમેરિકા તેમજ ઈઝરાયલ પરના તમામ હુમલા બંધ કરવા પડશે.
લેબેનોન મોરચે ભીષણ જંગ જારી રહેશે
નિવેદનમાં સૌથી મહત્વની વાત એ કહેવામાં આવી છે કે, “આ બે અઠવાડિયાનો સીઝફાયર લેબેનોન પર લાગુ પડતો નથી.” આનો અર્થ એ છે કે ઈરાન સાથે સીધી અથડામણ ભલે ટળી હોય, પરંતુ લેબેનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઈઝરાયેલના હુમલા ચાલુ રહેશે. ઈઝરાયેલનું માનવું છે કે જ્યાં સુધી ઈરાન પરમાણુ, મિસાઈલ અને આતંકવાદી ખતરો મટાડવા માટે કાયમી ખાતરી ન આપે ત્યાં સુધી પ્રાદેશિક સુરક્ષા જોખમમાં જ રહેશે.
અમેરિકાની પ્રતિબદ્ધતા પર નજર
નેતન્યાહૂ કાર્યાલયે ઉમેર્યું કે યુનાઈટેડ સ્ટેટ્સે ઈઝરાયલને ખાતરી આપી છે કે તે આગામી વાટાઘાટોમાં ઈઝરાયલ અને તેના પ્રાદેશિક સહયોગીઓના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. હવે જોવાનું એ રહેશે કે જો લેબેનોનમાં ઈઝરાયલના હુમલા ચાલુ રહે છે, તો શું ઈરાન આ યુદ્ધવિરામનું પાલન કરશે કે કેમ, કારણ કે ઈરાને તેના 10 મુદ્દાના પ્રસ્તાવમાં લેબેનોનમાં પણ સીઝફાયરની માંગ કરી હતી.



