’48 કલાક સુધી કોઈપણ સંજોગોમાં..’, ટ્રમ્પની ‘વોર્નિંગ’ બાદ ઈરાનમાં ભારતીય દૂતાવાસે ‘ઈમરજન્સી’ એડવાઈઝરી જાહેર કરી | middle east war iran indian embassy emergency advisory stay indoors 48 hours

Iran Indian Embassy Advisory: ઈરાનમાં તબાહી મચાવવાની ટ્રમ્પની ધમકીઓ વચ્ચે તેહરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકો માટે ‘ઈમરજન્સી’ એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે ઈરાનમાં હાજર તમામ ભારતીયોને કડક સૂચના આપી છે કે તેઓ આગામી 48 કલાક સુધી કોઈપણ સંજોગોમાં ઘરની બહાર ન નીકળે, તેમજ વીજળી અને સૈન્ય મથકોથી દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે ઈરાનમાં સ્થિતિ વધુને વધુ વણસી રહી છે.
જ્યાં છો, ત્યાં જ રહો
ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે જે ભારતીય નાગરિકો ઈરાનમાં જ્યાં પણ હાજર છે, તેઓ આગામી 48 કલાક સુધી તે જ સ્થાને રોકાઈ રહે. બિનજરૂરી મુસાફરી અથવા મૂવમેન્ટ ટાળવાનું સૂચન કરવામાં આવ્યું છે.
વીજળી અને સૈન્ય મથકોથી દૂર રહો
એડવાઈઝરીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો કોઈપણ ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, પાવર પ્લાન્ટ, સૈન્ય મથકો અથવા સરકારી ઈમારતોની નજીક ન જાય. આ સૂચના ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કોઈપણ હુમલાની સ્થિતિમાં આ સ્થળો ‘પ્રાઈમ ટાર્ગેટ’ હોઈ શકે છે.

ઉપરના માળ પર ન રોકાવું
સુરક્ષાના કારણોસર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ એટલે કે બહુમાળી ઈમારતોના ઉપરના માળ ખાલી કરવા અને નીચેના ભાગમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. હવાઈ હુમલાની આશંકા હોય ત્યારે ઘણીવાર આવું સુરક્ષાત્મક પગલું લેવામાં આવે છે.
હાઈવે મૂવમેન્ટ પર પ્રતિબંધ
જો કોઈને મજબૂરીમાં હાઈવે પર નીકળવું પડે, તો તેણે અનિવાર્યપણે ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક અને તાલમેલ સાધવો પડશે. જાણ કર્યા વગર રોડ માર્ગે મુસાફરી કરવી જોખમી સાબિત થઈ શકે છે.
એમ્બેસી હોટેલ્સમાં સુરક્ષા
જે લોકો દૂતાવાસ દ્વારા હાયર કરવામાં આવેલી હોટલોમાં રોકાયા છે, તેમને હોટલની અંદર જ રહેવા અને ઓન-સાઇટ દૂતાવાસની ટીમ સાથે સતત સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.
શા માટે જાહેર કરવામાં આવી આ એડવાઈઝરી?
ઈરાનમાં અત્યારે સ્થિતિ અત્યંત ગંભીર અને ખતરનાક બની છે. એક તરફ ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ પઝેશ્કિયાન અને શક્તિશાળી સેના IRGC વચ્ચે આંતરિક વિખવાદના સમાચાર આવી રહ્યા છે, તો બીજી તરફ ઈઝરાયલ અને અમેરિકાની મિસાઈલો ઈરાનના પરમાણુ અને વીજ મથકોને નિશાન બનાવી શકે છે. જેની શરૂઆત થઈ ગઈ છે. ઈરાને તેના નાગરિકોને ‘હ્યુમન ચેઈન’ બનાવવા માટે ઉશ્કેર્યા હોવાથી ભારત સરકાર નથી ઈચ્છતી કે કોઈ પણ ભારતીય નાગરિક અજાણતા આ સંઘર્ષનો હિસ્સો બને કે કોઈ હુમલાની ઝપેટમાં આવે.
મદદ માટે આ નંબર પર સંપર્ક કરો
ભારતીય દૂતાવાસે નાગરિકોની મદદ માટે કેટલાક મોબાઈલ નંબર જાહેર કર્યા છે, જે 24 કલાક કાર્યરત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હેલ્પલાઈન મોબાઈલ નંબર્સ
+989128109115
+989128109109
+989128109102
+989932179359



