Explainer: ઘાસ-કીડીઓ ખાઈને 6 દિવસ સુધી આપી મોતને મ્હાત, જાણો અમેરિકન પાઇલટને બચાવવાનું દિલધડક મિશન | Bosnia Basher Five Two Heartbreaking mission to rescue American pilot F 16 SERE training

![]()
Bosnia Basher Five-Two: ઈરાને 3 એપ્રિલના રોજ અમેરિકાનું F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ તોડી પાડ્યું. એ ટુ-સીટર એરક્રાફ્ટમાં એક પાઇલટ અને એક વેપન સિસ્ટમ ઓફિસર હતા. જેટ નાશ પામતાં જ ઈજેક્શન સીટનો ઉપયોગ કરીને બંને સુરક્ષિત બહાર નીકળી ગયા. અમેરિકા અને ઈઝરાયલે તરત જ સંયુક્ત CSAR (કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યુ) ઓપરેશન શરૂ કર્યું. HC-130 અને HH-60 બ્લેક હોક હેલિકોપ્ટરે ઈરાનના ખતરનાક પર્વતોમાં ખૂબ નીચી ઊંચાઈએ ઉડાન ભરી. ઈરાનના સૈનિકોએ હેલિકોપ્ટર પર ગોળીબાર કર્યો અને છતાં અમેરિકાએ પહેલા એક ક્રૂ મેમ્બરને અને પછી 5 એપ્રિલના રોજ બીજા પાઇલટને સુરક્ષિત બચાવી લીધા.
1995નું યાદગાર ઓપરેશન, બોસ્નિયામાં NATOની સૈન્ય કાર્યવાહી
2026નું આ મિશન 1995ના અમેરિકા અને બોસ્નિયાના યુદ્ધની એક ઘટનાની યાદ અપાવે છે. ત્યારે નાટોએ બોસ્નિયા સામે ‘ઓપરેશન ડેની ફ્લાઈટ’ ચલાવ્યું હતું. બોસ્નિયન સર્બિયન (સર્બ) સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રાષ્ટ્રના નો-ફ્લાય ઝોનના વારંવાર ઉલ્લંઘન અને નાગરિકો પર બોમ્બ હુમલા રોકવા માટે નાટોએ ‘ઓપરેશન ડેની ફ્લાઈટ’ શરૂ કર્યું હતું. અમેરિકન એર ફોર્સના કેપ્ટન સ્કોટ ઓ’ગ્રેડી (કોલ સાઈન: બાશર ફાઇવ-ટુ) આ ઓપરેશનમાં સામેલ હતા. 2 જૂન 1995ના રોજ બપોરે 3:03 વાગ્યે, તેઓ પોતાના વિંગમેન કેપ્ટન રોબર્ટ ગોર્ડન સાથે F-16C વિમાનમાં બોસ્નિયાના ‘નો-ફ્લાય ઝોન’માં, બે જુદા જુદા પ્લેનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
શત્રુની મિસાઈલથી અજાણ હતું F-16
સ્કોટના જણાવ્યા મુજબ, તેઓ બોસ્નિયન સર્બ્સની SAM મિસાઈલોથી અંતર જાળવતા હતા, પરંતુ સર્બ સુરક્ષા દળોએ એક મિસાઈલ સિસ્ટમ એવા રસ્તા પર ગોઠવી દીધી, જેના વિશે અમેરિકન ગુપ્તચર વિભાગને જાણ નહોતી. સર્બ સુરક્ષા દળોએ આ વિમાનો પર બે મિસાઈલ છોડી, જેમાંની બંને મિસાઈલ સ્કોટના વિમાન સાથે ટકરાઈ, જેમાં તેમના વિમાનની ફ્યૂલ ટેન્કને પણ ભારે નુકસાન થયું. F-16ના બે ટુકડા થઈ ગયા અને કોકપિટમાં પણ આગ લાગી. સ્કોટે ઈજેક્શન હેન્ડલ ખેંચ્યું, ત્યારે તેમની ગરદન અને ખભા પણ દાઝી ગયા હતા.
26,000 ફૂટ ઊંચેથી ઉતરાણ કરીને ભાગ્યા
સ્કોટ લગભગ 26,000 ફૂટની ઊંચાઈએથી પેરાશૂટ વડે ઉતર્યા. આ ઉતરાણ 25 મિનિટ સુધી ચાલ્યું. તેમનું પેરાશૂટ સફેદ-ભૂરા-લીલા-નારંગી જેવા દૂરથી દેખાતા રંગો ધરાવતું હોવાથી દુશ્મન સૈનિકોને સ્પષ્ટ દેખાતું હતું. જમીન પર ઉતરતાની સાથે જ સ્કોટે પેરાશૂટ કાઢી નાખ્યું, 29 પાઉન્ડની સર્વાઇવલ બેગ અને 9mm બેરેટા પિસ્તોલ લીધી અને રીતસરની દોટ મૂકી. દુશ્મન સૈનિકો તેની તરફ દોડી રહ્યા હતા, પરંતુ તેઓ જંગલમાં ગાયબ થઈ ગયા.
સર્વાઇવલ માટે SERE ટ્રેનિંગને શરણે
અમેરિકન ફાઈટર પાઇલટ્સ SERE (સર્વાઇવલ, એવેઝન, રેઝિસ્ટન્સ, એસ્કેપ)ની 17 દિવસની કઠોર તાલીમ લે છે. સ્કોટે આ તાલીમનો સંપૂર્ણ ઉપયોગ કર્યો. તેઓ દિવસે ગીચ ઝાડીમાં છુપાઈ રહેતા, રાત્રે ચાલતા અને રેડિયો બંધ રાખતા. દુશ્મન જાણતા હતા કે અમેરિકન પાઇલટ તેમના પ્રદેશમાં છે, પણ તેઓ તેને શોધી શકતા ન હતા. CSAR ટીમો બચાવ માટે આવે ત્યાં સુધી સ્કોટે લપાતા-છુપાતા રહેવાનું હતું.
ઘાસ, પાંદડા, કીડીઓ ખાઈને 6 દિવસ કાઢ્યા
દુશ્મન હેલિકોપ્ટરો નીચા લેવલે ઊડીને સ્કોટને શોધતા હતા. એક હેલિકોપ્ટર તો એટલું નજીક આવ્યું કે સ્કોટે હેલિકોપ્ટરમાં બેઠેલા સર્બિયન પાઇલટ્સના ચહેરા પણ જોઈ લીધા હતા. સ્કોટ કાદવથી ચહેરો ખરડીને ઘાસમાં પડ્યા રહેતા, જેથી દુશ્મનની નજરે ન ચઢી જવાય. ભૂખ લાગે ત્યારે તેઓ પાંદડા, નાના છોડ અને ક્યારેક કીડીઓ પણ ખાઈ લેતા. તેમની પાસે હતું એ પાણી ચોથા દિવસે ખતમ થઈ ગયું, પણ સદ્ભાગ્યે એ જ દિવસે વરસાદ પડ્યો અને સ્કોટ વરસાદનું પાણી પીને ટકી ગયા. વરસાદને લીધે હવા ભેજવાળી થઈ ગઈ, જેણે સ્કોટની મુશ્કેલી વધારી. તેમને થયેલી ઈજાની વેદના પણ વધી ગઈ.
છઠ્ઠી રાત્રે આવ્યો ‘બાશર ફાઇવ-ટુ’નો અવાજ
આ દરમિયાન છઠ્ઠી રાત્રે એટલે કે 7-8 જૂન, 1995ના રોજ સ્કોટે હિંમત કરીને સર્વાઇવલ રેડિયો ચાલુ કર્યો. તેણે પોતાના સ્ક્વોડ્રન સાથી કેપ્ટન ટી.ઓ. હેનફોર્ડ સાથે સંપર્ક સાધ્યો અને કહ્યું: ‘હું જીવતો છું… બાશર ફાઇવ-ટુ.’ આ સંદેશ એડ્રિયાટિક સમુદ્રમાં તહેનાત યુદ્ધ જહાજ ‘યુએસએસ કિઅર્સર્જ’ સુધી પહોંચ્યો. ત્યાંથી તરત જ સ્કોટના બચાવ માટેના મિશનની મંજૂરી અપાઈ ગઈ. જંગલમાં પોતાનું સ્થાન બતાવવા સ્કોટે સ્મોક ફ્લેર સળગાવીને પીળો ધુમાડો છોડ્યો.
ફક્ત 7 મિનિટમાં ઓપરેશન ખતમ!
8 જૂનની સવારે 6:35 વાગ્યે, 24મી મરીન એક્સપિડિશનરી યુનિટના બે CH-53E સુપર સ્ટેલિયન હેલિકોપ્ટર, AH-1W કોબ્રા ગનશિપ અને હેરિયર્સ દુશ્મનના પ્રદેશમાં ઉતર્યા. સ્કોટ જંગલમાંથી બહાર દોડ્યા. ભૂખ્યા અને થાકેલા હોવા છતાં શરીરમાં હતું એટલું જોર લગાવીને એ ભાગ્યા. તેમનો ચહેરો કાદવથી ખરડાયેલો હતો, હાથમાં પિસ્તોલ હતી અને ત્યારે જ મરીન્સે તેમને હેલિકોપ્ટરમાં ખેંચી લીધા. આખું લેન્ડિંગ-ટેક ઓફ ઓપરેશન માત્ર 7 મિનિટમાં પૂરું થઈ ગયું. હેલિકોપ્ટર ઉડ્યું ત્યારે દુશ્મનોએ ગોળીઓ અને મિસાઈલોથી હુમલો કર્યો. બે ગોળી હેલિકોપ્ટરમાં ઘૂસી ગઈ પણ કોઈને ઈજા ન થઈ. 30 મિનિટમાં તેઓ સલામતીપૂર્વક દૂર નીકળી ગયા.
વ્હાઇટ હાઉસમાં હીરોનું સ્વાગત
કેપ્ટન સ્કોટ ઓ’ગ્રેડીને સુરક્ષિત બચાવી લેવાયા. તેઓ વ્હાઇટ હાઉસ ગયા, જ્યાં તત્કાલીન અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટને તેમને ‘હીરો’ કહીને સન્માન આપ્યું. સ્કોટે પોતાના અનુભવોનું પુસ્તક ‘બાશર ફાઇવ-ટુ’ લખ્યું, જે બેસ્ટ સેલર બન્યું. તેઓ ઘણી યુનિવર્સિટીઓમાં પ્રેરણાત્મક પ્રવચનો પણ આપે છે.
કપરા અનુભવે સ્કોટને શું શીખવ્યું?
કેપ્ટન સ્કોટ કહે છે કે, હું દુશ્મન દેશમાં છ દિવસ સુધી જીવતો રહી શક્યો, તેની પાછળ મુખ્ય ચાર કારણ જવાબદાર હતા.
1. ભગવાનમાં અટલ શ્રદ્ધા
2. પરિવારની યાદ અને તેમને ફરી જોવાની તીવ્ર ઇચ્છા
3. દેશની સેવા કર્યાનો ગર્વ
4. SERE તાલીમમાં જે કંઈ શીખ્યા હતા એનો ચોક્કસ અમલ
સ્કોટ સંદેશ આપે છે કે, ‘હાર માની લેવી, એ જ સૌથી મોટી હાર છે. જ્યાં સુધી શ્વાસ છે, ત્યાં સુધી આશા છે.’



