ટ્રમ્પની ડેડલાઈન પહેલા પાકિસ્તાને પલ્ટી મારી : ઈરાન વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું | Pakistan Shifts Stance: Backs Saudi Arabia After Iran Attacks Energy Plants Amid US Threats

![]()
Pakistan On US-Israel-Iran War : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખતમ કરવાની ધમકી આપ્યા બાદ પાકિસ્તાને કાંચિડાની જેમ રંગ બદલી નાખ્યો છે. યુદ્ધ શરૂ થયા બાદ માહોલ શાંત કરાવવા મેદાને ઉતરેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી, જોકે હવે આ જ પાકિસ્તાને પલ્ટી મારીને ઈરાનનું ટેન્શન વધારી દીધું છે.
…તો પાકિસ્તાન સાઉદી અરેબિયાને સાથ આપશે
આતંકવાદના અડ્ડા ધરાવતો… બીજા દેશો સાથે ડીલ કરીને પ્રોજેક્ટમાં વિલંબ કરતો… પોતાના દેશમાં આર્થિક અને મોંઘવારીનું સંકટ અને બીજા દેશમાં શાંતિ સ્થાપવાની વાતો કરતા પાકિસ્તાને વિશ્વ સમક્ષ પોતાનો અસલી ચહેરો બતાવી દીધો છે. અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર થઈ રહેલા હુમલા ભયાનક સ્થિતિ પર પહોંચ્યા બાદ પાકિસ્તાને કહ્યું છે કે, જો યુદ્ધ વધશે તો ડિફેન્સ ડીલ હેઠળ તે સાઉદી અરેબિયાને સાથ આપશે.
પાકિસ્તાને પહેલા ખાતરી આપી, પછી ઈરાન સાથે દગો કર્યો
સૌથી ચોંકાનારી વાત એ છે કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર અને ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી મધ્યસ્થી મામલે પાંચમી એપ્રિલે ફોન પર વાતચીત થઈ હતી. અરાઘચીએ પાકિસ્તાનની મધ્યસ્થી કરવાની ઓફર મુદ્દે આભાર પણ માન્યો હતો. અરાઘચીએ કહ્યું હતું કે, ઈરાને મધ્યસ્થી કરવા માટે પાકિસ્તાનમાં જવાનો ક્યારેય ઈન્કાર કર્યો નથી. ડારે પણ ઈરાનને વિશ્વાસ આપતા કહ્યું હતું કે, સમસ્યાનું સમાધાન માત્ર વાતચીત અને રાજદ્વારીથી જ થઈ શકે. તો અરાઘચીએ પાકિસ્તાનના શાંતિ પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી. જોકે હવે પાકિસ્તાને ઈરાનની જ કડક શબ્દોમાં ટીકા કરી છે. પાકિસ્તાને સાઉદી અરેબિયા પર હુમલા કરવા મામલે ઈરાનની નિંદા કરી છે.
ઈરાને સાઉદી પર હુમલો કરતા પાકિસ્તાન નારાજ !
ઈરાને મંગળવારે સાઉદી અરેબિયાના ઊર્જા પ્લાન્ટો પર મિસાઈલો અને ડ્રોનથી હુમલા કરતા પાકિસ્તાન નારાજ થયું છે. પાકિસ્તાને આ હુમલાને ખતરનાક તણાવ ગણાવ્યો છે. પાકિસ્તાને એવું પણ કહ્યું છે કે, આવા હુમલાના કારણે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જોખમમાં મુકાઈ છે. પાકિસ્તાના વિદેશ કાર્યાલયે કહ્યું કે, ‘ઈરાને ગઈકાલે રાત્રે સાઉદી અરેબિયાના પૂર્વમાં ઊર્જા સેન્ટરો પર મિસાઈલો-ડ્રોથી હુમલા કરતા પાકિસ્તાને ચિંતા વ્યક્ત કરી છે અને ઈરાન દ્વારા આ હુમલા સ્પષ્ટ નિંદનીય છે.’
પાકિસ્તાનની સાઉદી અરેબિયાને અતૂટ સમર્થન
પાકિસ્તાનના મંત્રાલયે એવું પણ કહ્યું કે, ‘ઈરાને હુમલો કરીને સાઉદી અરેબિયાના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન આ હુમલાને ખતરનાક તણાવ માને છે અને આવા હુમલા પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને નબળો પાડે છે. પાકિસ્તાન સાઉદી અરેબિયાને અતૂટ સમર્થન આપવાની ફરી પુષ્ટી કરે છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન-ઈરાનના વિદેશ મંત્રીઓ વચ્ચે થોડા દિવસો પહેલા વાતચીત થઈ હતી. આ દરમિયાન ઈરાને પાકિસ્તાનની મધ્યસ્થી કરવાની ઓફરનો આભાર માન્યો હતો. એટલું જ નહીં બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. યુદ્ધની વાત કરીએ તો, પાકિસ્તાન, ઈજિપ્ત અને તૂર્કેઈ ઘણા સમયથી મધ્યસ્થતા કરી રહ્યા છે. આ દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે ઈસ્લામાબાદમાં બેઠક યોજાઈ હતી. ઈસ્લામાબાદ સ્થિત ઈરાનના રાજદૂતે મંગળવારે કહ્યું કે, પાકિસ્તાનના નેતૃત્વ હેઠળ યુદ્ધ ખતમ કરવાના શાંતિના પ્રયાસો એક મહત્ત્વના તબક્કા પર પહોંચી રહ્યા છે. રાજદૂત રજા અમીરી મોઘદમે એવા સમયે આ ટિપ્પણી કરી છે, જ્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખે ઈરાનને ખતમ કરવાની ધમકી આપી છે. એટલું જ નહીં હવે પાકિસ્તાને પણ ઈરાન વિરુદ્ધ જઈને સાઉદી અરેબિયાને અતૂટ સમર્થન આપવાની જાહેરાત કરી છે.



