दुनिया

પાકિસ્તાનમાં આજ રાત્રે 8 વાગ્યાથી ‘સ્માર્ટ લોકડાઉન’! જાણો શું છે શાહબાઝ સરકારનો નવો આદેશ | us iran war lockdown like situation in pakistan from 8 pm tonight shahbaz sharif



US Iran War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પર રોક લગાવ્યા બાદ સર્જાયેલા વૈશ્વિક ઈંધણ સંકટથી ભીખમંગા પાકિસ્તાનની સ્થિતિ વધુ કથળી ચૂકી છે. પેટ્રોલ, ડીઝલ અને LPGની અછતને ધ્યાનમાં રાખીને સરકારે ઊર્જા સંરક્ષણ માટે કડક પગલાં ભરતા દેશભરમાં ‘સ્માર્ટ લોકડાઉન’ જેવા ઉપાયો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં સોમવારે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સિંધ પ્રાંત સિવાય દેશના બાકીના ભાગોમાં બજારો, શોપિંગ મોલ અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનો રાત્રે 8 વાગ્યા સુધીમાં બંધ કરી દેવામાં આવશે.

ઈંધણની કટોકટીને ધ્યાનમાં રાખીને નિર્ણય

વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ નિર્ણય મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝમાં ટ્રાફિક અવરોધને કારણે ઉભી થયેલી ઈંધણની કટોકટીને ધ્યાનમાં રાખીને ઊર્જા બચાવવા માટે લેવામાં આવ્યો છે. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે..

-ખૈબર પખ્તુનખ્વા, પંજાબ, બલૂચિસ્તાન, ઈસ્લામાબાદ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને જમ્મુ-કાશ્મીર (PoJK)માં બજારો અને શોપિંગ મોલ રાત્રે 8 વાગ્યા સુધી બંધ રહેશે.

-ખૈબર પખ્તુનખ્વાના ડિવિઝનલ હેડક્વાર્ટરમાં બજારો રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.

-બેકરી, રેસ્ટોરન્ટ, તંદૂર અને ખાદ્યપદાર્થો વેચતી દુકાનો રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

-લગ્ન સમારંભો માટે ઉપયોગમાં લેવાતા હોલ, ટેન્ટ અને અન્ય સ્થળો પણ રાત્રે 10 વાગ્યે બંધ થઈ જશે. 

-ખાનગી ઘરો કે મિલકતોમાં રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારંભ યોજવા પર પ્રતિબંધ રહેશે.

દવાની દુકાનો અને ફાર્મસીઓને છૂટ

આ સિવાય દવાની દુકાનો અને ફાર્મસીઓને આ સમયમર્યાદામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલયના નિવેદન અનુસાર, નવો નિયમ મંગળવાર (7 એપ્રિલ 2026) રાત્રે 8 વાગ્યાથી અમલમાં આવશે.

સિંધમાં પણ ટૂંક સમયમાં અમલીકરણ

વડાપ્રધાન શાહબાઝ શરીફે બેઠક બાદ પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલૂચિસ્તાન અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રીઓનો રાષ્ટ્રીય હિતમાં સર્વસંમતિથી નિર્ણય લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી હતી કે સિંધ સરકાર પણ અન્ય પ્રાંતોની જેમ ઊર્જા સંરક્ષણના ઉપાયો લાગુ કરશે. આ ઉપરાંત, ગિલગિટ અને મુઝફ્ફરાબાદમાં એક મહિના માટે આંતર-શહેર જાહેર પરિવહન મફત કરવામાં આવ્યું છે, જેનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. સરકારની ડિજિટલ વોલેટ સબસિડી યોજના હેઠળ પેટ્રોલિયમ પેદાશોની ખરીદી પર 1 લાખ રૂપિયા સુધીની રાહત પણ ચાલુ રાખવામાં આવી છે.

સિંધને લઈને બેઠકો ચાલુ

બીજી તરફ, સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે સોમવારે કરાચી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને કોરંગી એસોસિએશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં તેમણે કહ્યું કે દેશની વર્તમાન પરિસ્થિતિને જોતા આપણે સૌએ પોતાની ભૂમિકા ભજવવી પડશે. મુખ્યમંત્રીએ વેપારીઓને ખાતરી આપી હતી કે બજાર ખોલવાના સમયનો નિર્ણય તેમની સલાહ બાદ જ લેવામાં આવશે. વેપારી સંગઠનો દ્વારા આપવામાં આવેલી ભલામણોની સમીક્ષા કર્યા બાદ વડાપ્રધાનને રિપોર્ટ સોંપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સિંધ સરકાર ગરીબો પરનો બોજ ઘટાડવાની સાથે ઊર્જા સંરક્ષણના પગલાં સુનિશ્ચિત કરશે.

આ પણ વાંચો: ‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’, ‘કોલકાતા’ વાળી ધમકી પર રાજનાથ સિંહનો વળતો પ્રહાર

હોર્મુઝ સ્ટ્રેટ બંધ હતા દુનિયા પ્રભાવિત

ઉલ્લેખનીય છે કે ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા બાદ 28 ફેબ્રુઆરીથી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ખોરવાઈ જવાથી વૈશ્વિક તેલ પુરવઠો પ્રભાવિત થયો છે, જેના કારણે દક્ષિણ એશિયા સહિત અનેક દેશોમાં ઈંધણની અછત જોવા મળી રહી છે. પાકિસ્તાન સરકાર આ સંકટને પહોંચી વળવા કડક પગલાં લઈ રહી છે.



Source link

Related Articles

Back to top button