राष्ट्रीय

‘પવન ખેડાને પાતાળમાંથી પણ શોધી લાવશે આસામ પોલીસ’, હિમંત બિસ્વા સરમાનું આક્રમક નિવેદન | Assam Election pawan khera cm himanta biswa sarma assam police



Pawan Khera: આસામમાં ચૂંટણી ટાણે રાજકીય ગરમાવો વધી ગયો છે. પોતાની પત્નીના પાસપોર્ટ મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા મંગળવારે કોંગ્રેસ નેતા પવન ખેડા પર જોરદાર રીતે ભડક્યા હતા. હિમંતાએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘જો ખેડા પાતાળમાં પણ છુપાઈને બેઠા હશે, તો આસામ પોલીસ તેમને ત્યાંથી પણ બહાર કાઢી લાવશે.’ તેમને શંકા છે કે ખેડાને આ નકલી દસ્તાવેજો રાહુલ ગાંધીએ આપ્યા છે. આ અગાઉ તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે તેઓ પવન ખેડાને ‘પેડા’ બનાવી દેશે. ઉલ્લેખનીય છે કે, આસામ પોલીસ આજે મંગળવારે સવારે દિલ્હી સ્થિત પવન ખેડાના નિવાસસ્થાને પહોંચી હતી, પરંતુ તેઓ ત્યાં મળ્યા ન હતા. સૂત્રો મુજબ કોંગ્રેસ નેતા હૈદરાબાદ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલો રાહુલ ગાંધી સુધી પણ જશે: સરમા

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કડક શબ્દોમાં કહ્યું કે, ‘આરોપ લગાવતા પહેલા તેમણે વિદેશ મંત્રીને પૂછી લેવું જોઈતું હતું. ખડગેજી વયસ્ક થઈ ગયા છે, છતાં પાગલો જેવી વાતો કરે છે. આસામ પોલીસ ‘પાતાળ’ માંથી પણ લોકોને શોધી લાવવાની ક્ષમતા ધરાવે છે. મને શંકા છે કે રાહુલ ગાંધીએ જ તેમને આ દસ્તાવેજો આપ્યા છે, તેથી આ કેસની તપાસનો રેલો રાહુલ ગાંધી સુધી પણ જશે. અમને ડરાવવાનો પ્રયાસ ન કરો. આ આસામ છે, અને અમે ઇસ્લામિક આક્રમણો સામે 17 વખત લડાઈ લડી છે.’

પવન ખેડાના આવાસ પર આસામ પોલીસના ધામા

આસામ પોલીસની એક ટીમ મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને તેમના પરિવાર વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ ટીમે દિલ્હી પહોંચતા જ ઔપચારિક રીતે દિલ્હી પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ સ્થાનિક પોલીસ પણ આ તપાસ પ્રક્રિયામાં જોડાઈ હતી.

પાસપોર્ટ અને વિદેશી મિલકતોને લઈને ખેડાના આરોપો

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સરમાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે પાકિસ્તાની સોશિયલ મીડિયા જૂથ પાસેથી મેળવેલી ‘ખોટી માહિતી’ના આધારે તેમની પત્નીના કથિત પાસપોર્ટ અને વિદેશી મિલકતો અંગે આક્ષેપો કર્યા છે. તેમણે આ બાબતને આસામની ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ અને દંડનીય ગુનો ગણાવ્યો હતો. હાલમાં જ પવન ખેડાએ સરમાની પત્નીની કથિત વિદેશી મિલકતો અંગે સ્પષ્ટતા માંગી હતી, જેના પગલે ફરિયાદ નોંધાઈ અને પોલીસ એક્શનમાં આવી છે.

હિમંતાની ઉમેદવારી રદ કરવાની કોંગ્રેસની માંગ

બીજી તરફ, કોંગ્રેસે સોમવારે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરીને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે તેમણે ચૂંટણી એફિડેવિટમાં પોતાની પત્નીની કથિત વિદેશી મિલકતોનો ઉલ્લેખ કર્યો નથી. કોંગ્રેસે મુખ્યમંત્રીને ત્રણ સવાલો પૂછ્યા હતા કે શું તેમની પત્ની કે પરિવાર પાસે દુબઈમાં મિલકત છે? શું અમેરિકામાં તેમની કંપનીઓ છે? શું તેમણે નકલી કંપનીઓમાં પોતાની મિલકતોનું રોકાણ કર્યું છે? જો કે હિમંતા બિસ્વા સરમાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.



Source link

Related Articles

Back to top button