ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી | unseasonal rain gujarat sabarkantha visnagar bhavnagar weather update 7 april 2026


Gujarat Rain Update: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. આજે (સાતમી એપ્રિલ) બપોર બાદ સાબરકાંઠા, મહેસાણા અને ભાવનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અચાનક આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેતરમાં ઉભેલા પાકને લઈને ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
આ જિલ્લામાં કસમોસમી વરસાદ
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. પવન સાથે આવેલા આ વરસાદે જનજીવનને અસર કરી છે. મહેસાણાના વિસનગરમાં પણ અચાનક પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. અહીં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
ઉત્તર ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જ્યારે અમદાવાદમાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

ખેડા જિલ્લાના માતરના ગ્રામીણ વિસ્તારો અને ભલાડા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા સાથે થયેલા આ માવઠાથી જનજીવન પ્રભાવિત થયું છે.જ્યારે આણંદના ખંભાત પંથકમાં વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલા ઘઉંના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે.
નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું. જોરદાર પવન સાથે વંટોળ ફૂંકાતા રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. વંટોળ બાદ અમી છાંટા શરૂ થતા ગરમીમાં આંશિક રાહત મળી હતી, જોકે થોડો સમય અંધકારમય માહોલ છવાઈ ગયો હતો. જ્યારે પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો આવ્યો હતો. જેમાં ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની ગંભીર આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં કરંટ જોવા મળી શકે હોવાથી માછીમારોને બે દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા હોવાથી લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.
ચૈત્ર માસમાં વરસી રહેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ઘઉં, બાજરી અને કેરી જેવા પાકોને આ માવઠાથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરમાં તૈયાર થયેલો પાક પલળી જવાની બીકે ખેડૂતો તેને સુરક્ષિત કરવાના પ્રયાસોમાં લાગી ગયા છે.



