ઝુંડાલમાં પૌત્રને બચાવવા વચ્ચે પડેલા દાદા ઉપર હુમલો થયો | Grandfather attacked while trying to save grandson in Jhundal

![]()
ગરબાના જૂના ઝઘડાની અદાવતમાં તકરાર
ઘાયલ અવસ્થામાં વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હુમલો કરનાર કૌટુંબિક ભત્રીજા સામે ગુનો દાખલ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ઝુંડાલ ગામમાં ગરબામાં જુના
ઝઘડાની અદાવતમાં પૌત્રને માર મારતા વચ્ચે પડેલા દાદાને પણ લાકડી વડે માર મારી
હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. ઘાયલ વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં
આવ્યા હતા તો આ ઘટના અંગે અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઝુંડાલ
ગામમાં રહેતા ધીરાજી મોહનજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત શનિવારના રોજ
તેઓ માતાજીના મંદિર પાસે ઓટલા ઉપર બેઠા હતા તે દરમિયાન તેમનો પૌત્ર હિતેન નોકરીએથી
પરત કર્યો હતો. આ જ સમયે તેમના કૌટુંબિક ભત્રીજા સુરેશ શંકરજી ઠાકોર ચોકમાં હાજર
હતા અને તેણે હીતેનને આંતરીને ગત ૨૬ માર્ચના રોજ બ્રહ્માણી માતાજીના ગરબામાં થયેલા
ઝઘડા બાબતે ગાળાગાળી શરૃ કરી હતી. ઝઘડો ઉગ્ર બનતા સુરેશભાઈએ હિતેનને ગડદાપાટુનો
માર મારવાનું શરૃ કર્યું હતું. પોતાના પૌત્રને બચાવવા માટે ૫૫ વર્ષીય દાદા ધીરાજી
વચ્ચે પડતા, ઉશ્કેરાયેલા
સુરેશભાઈએ દોડીને પોતાના ઘરેથી લાકડી લાવી ધીરાજી પર હુમલો કર્યોે હતો. આ હુમલામાં
ધીરાજીને ડાબા હાથે કલાઈના ભાગે ગંભીર ફેક્ચર થયું હતું. વચ્ચે છોડાવવા પડેલા
સુરેશના ભાઈ રાહુલજીને પણ લાકડીનો ઘા વાગ્યો હતો. ત્યારબાદ તેમનો પુત્ર ઈજાગ્રસ્ત
ધીરાજીને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે ઘટના
અંગે હાલ અડાલજ પોલીસ દ્વારા સુરેશ શંકરજી ઠાકોર સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ
કરવામાં આવી છે.


