Explainer : યુદ્ધ કામગીરીને ચમત્કાર કહેતા ટ્રમ્પ ટીકાપાત્ર બન્યા, ‘અલ્લાહની પ્રશંસા’ અને ‘નરકમાં જીવો’ જેવા વિવાદાસ્પદ બોલ | Trump Faces Backlash Over ‘Easter Miracle’ Remark and Controversial ‘Praise be to Allah’ Post

![]()
Donald Trump Post Controversy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વરિષ્ઠ અધિકારીઓએ ઈરાનમાં તાજેતરમાં હાથ ધરાયેલા એક અમેરિકન એરમેનના બચાવ અભિયાનને ‘ઈસ્ટર ચમત્કાર’ (Easter Miracle) ગણાવ્યો હતો. આ બચાવ કાર્યવાહીને તેમણે ઈશ્વરીય આશીર્વાદ અને ન્યાયી કારણ સાથે જોડીને રજૂ કરી. ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘આ બચાવ એક ઈસ્ટર ચમત્કાર હતો. આટલા હિંસક દુશ્મન પ્રદેશમાં આવું બચાવ અભિયાન અગાઉ ક્યારેય હાથ નથી ધરાયું.’ યુદ્ધની કામગીરીને ધર્મ સાથે જોડતાં તેમના પર ચારેતરફથી ટીકાબાણોની વર્ષા થઈ રહી છે.
કેબિનેટ સભ્યોની પ્રતિક્રિયા: ‘ઈતિહાસનો સૌથી મોટો વિજય’
ટ્રમ્પના આ નિવેદન બાદ તેમના કેટલાક મંત્રીઓએ પણ આવી જ ધાર્મિક ભાષાનો ઉપયોગ કર્યો. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ઈસ્ટર ચમત્કારને ઈતિહાસનો સૌથી મોટો વિજય માનવામાં આવે છે. આ પવિત્ર ખ્રિસ્તી દિવસે એક બહાદુર અમેરિકન યોદ્ધાને દુશ્મન પ્રદેશમાંથી બચાવવામાં આવ્યો’. સંરક્ષણ સચિવ પીટ હેગસેથે માત્ર એટલું જ લખ્યું, ‘ભગવાન સારા છે.’ (God is good).
એક તરફ ‘ચમત્કાર’, બીજી તરફ ‘નરકની ધમકી’
ટ્રમ્પ માત્ર આટલેથી નથી અટક્યા. એક અલગ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે ઈરાનને ચેતવણી આપી હતી. તેમણે હોર્મુઝની સ્ટ્રેટ ખોલવા માટે ઈરાની નેતાઓને ‘ક્રેઝી બાસ્ટર્ડ્સ’ તરીકે સંબોધીને કહ્યું કે, ‘તમે નરકમાં જીવશો’ (you’ll be living in Hell). આ પોસ્ટના અંતે તેમણે લખ્યું, ‘બધી પ્રશંસા અલ્લાહ માટે છે’ (Praise be to Allah). આ ધાર્મિક વાક્યને હિંસક ધમકી સાથે જોડતા વિવાદ ઊભો થયો છે.
‘ખ્રિસ્તી મૂલ્યો સાથે દગો’ કર્યો હોવાથી ટીકા થઈ
ટ્રમ્પના ધાર્મિક અને આક્રમક વલણની સૌથી તીખી ટીકા તેમની જ પાર્ટીનાં ભૂતપૂર્વ સાંસદ માર્જોરી ટેલર ગ્રીન તરફથી થઈ. તેમણે X પર ટ્રમ્પ પર ખ્રિસ્તી મૂલ્યો સાથે દગો કરવાનો આરોપ મૂકતાં લખ્યું હતું કે ઈસુના ઉપદેશો ક્ષમા અને દુશ્મનો માટે પણ પ્રેમ દર્શાવવા પર ભાર મૂકે છે, જ્યારે ટ્રમ્પ તો યુદ્ધ વકરાવી રહ્યા છે.
આ પણ વાંચો : ચીનમાં મોત બાદ પણ સંકટ ! કબ્રસ્તાન ખૂટ્યા, લોકો સસ્તા ફ્લેટ ખરીદીને અસ્થિઓ મૂકવા મજબૂર
મુસ્લિમ સંગઠનની પ્રતિક્રિયા: ‘ધર્મનું અપમાન’
કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ (CAIR) એ પણ ટ્રમ્પની ટીકા કરી. સંસ્થાએ કહ્યું કે ધમકી ભર્યા સંદર્ભમાં ‘બધી પ્રશંસા અલ્લાહ માટે છે’ જેવા શબ્દોનો ઉપયોગ મુસ્લિમો પ્રત્યે તિરસ્કાર દર્શાવે છે. તેમણે આ ભાષાને ‘અવિચારી અને ખતરનાક’ ગણાવી છે.
કાયદાનો સવાલ: શું યુદ્ધ ધાર્મિક ગ્રંથોથી ન્યાયી ઠરે?
ગયા મહિને 30 ડેમોક્રેટિક કાયદાકારોએ અમેરિકાના સંરક્ષણ વિભાગને તપાસ માટે પત્ર લખ્યો હતો. તેમના મતે અમેરિકી સૈન્યમાં કેટલાક લોકોએ ઈરાન સાથેના યુદ્ધને ‘બાઇબલની અંતિમ સમયની ભવિષ્યવાણીઓ’ વડે ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, ‘લશ્કરી કામગીરી હકીકતો અને કાયદા દ્વારા ચાલવી જોઈએ, ધાર્મિક માન્યતાઓ દ્વારા નહીં.’
ઈરાનનો દાખલો: ‘મહાન શેતાન’ની ભાષા
યુદ્ધને ધર્મ સાથે જોડનાર ટ્રમ્પ એકલા નથી. ઈરાન પણ તેની રાજકીય વ્યવસ્થામાં નિયમિતપણે અમેરિકાને ‘મહાન શેતાન’ (Great Satan) ગણાવતું રહ્યું છે. ઈરાની લશ્કરી પ્રચારમાં પણ માર્યા ગયેલા સૈનિકોને શહીદ તરીકે વર્ણવીને ધાર્મિક ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ટીકાકારોનું કહેવું છે કે, હવે ટ્રમ્પ પણ ધાર્મિક શબ્દોનો ઉપયોગ કરીને ઈરાન જેવી જ ‘ધાર્મિક યુદ્ધ ભાષા’ અપનાવી રહ્યા છે.



