ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી | important information regarding supply of fuel and LPG gas in Gujarat

Gujarat Fuel and LPG Supply: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલિયમ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર સતત નજર રાખી રહી છે અને તેને સામાન્ય લોકો સુધી પહોંચતી કરવા જરૂરી પગલાં લઈ રહી છે. ત્યારે ઇંધણ અને LPG સહિતના પુરવઠા અંગે ગુજરાત સરકારે મહત્ત્વની માહિતી આપી છે. આથી નાગરિકોને ગભરાટમાં ન આવવા અપીલ કરવામાં આવી છે. આ બાબતે આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદ ખાતે પ્રેસ બ્રિફિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇંધણ અને LPG સહિતના પુરવઠા અંગે ગુજરાત સરકારે આપી માહિતી
જેમાં આઇઓસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોડલ અધિકારી સંજીબ બેહરા, ગુજરાત રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધી અને કૃષિ વિભાગમાંથી જમીન સંરક્ષણ એડિશનલ ડાયરેક્ટર નીતિન શુક્લ અને પીઆઇબીના ડાયરેક્ટર જનરલ પ્રશાંત પાઠરાબે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિભાગોના અધિકારીઓએ રાજ્યમાં પેટ્રોલિયમ, એલપીજી અને ખાતરની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવ્યું હતું. તેમજ લોકોને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અને ગભરાટમાં ખરીદી ન કરવાની અપીલ કરી હતી.

ગુજરાતમાં ઇંધણ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે?
રાજ્યમાં ઇંધણ પુરવઠાની સ્થિતિની માહિતી આપતા આઈઓસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોડલ અધિકારી સંજીબ બેહરાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG) નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ પ્રકારની અછત નથી, તેથી ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં 6688 પેટ્રોલ પંપો કાર્યરત છે, જ્યારે LPG ક્ષેત્રે માર્ચ મહિનામાં થયેલા અસાધારણ બુકિંગને કારણે સર્જાયેલ થોડો વિલંબ હવે ઝડપથી સુધારી લેવામાં આવ્યો છે. ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પ્રાથમિકતા આપી 100% ગેસ પુરવઠો સુનિશ્ચિત કરાયો છે, જ્યારે બિન-જરૂરી ઉદ્યોગોને વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત તરીકે PNG અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. મજબૂત ડિજિટલ ઈકોસિસ્ટમને કારણે ગુજરાતમાં 88% ગેસ બુકિંગ ઓનલાઇન થઈ રહ્યા છે, જે વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવી રહ્યા છે.
1. ઇંધણની ઉપલબ્ધતા (પેટ્રોલ અને ડીઝલ)
સમગ્ર ગુજરાતમાં ઇંધણનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ક્યાંય પણ વિક્ષેપના સમાચાર નથી. ત્રણ જાહેર ક્ષેત્રની (PSU) ઓઇલ કંપનીઓના કુલ 5,133 આઉટલેટ્સ હાલમાં કાર્યરત છે. જ્યારે 1555 ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ કાર્યરત છે. રાજ્યના 17 સપ્લાય પોઇન્ટ્સ પર ઇન્વેન્ટરીનું સ્તર જળવાઈ રહ્યું છે. અધિકારીઓએ પુનરોચ્ચાર કર્યો છે કે જનતાએ ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
2. LPG સપ્લાય અને ડિલિવરીનો ટ્રેન્ડ
માર્ચ 2026 દરમિયાન રાજ્યમાં LPGના વપરાશ અને વિતરણમાં વધારો જોવા મળ્યો છે:
• ગઈકાલે: 4 એપ્રિલના રોજ 1,76,983 બુકિંગ સામે 2,43,088 સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે જૂનો સ્ટોક ઝડપથી ક્લિયર થઈ રહ્યો છે.
• ગત મહિને: માર્ચમાં 75.68 લાખ રિફિલ બુકિંગ થયા હતા, જેમાંથી 68.03 લાખની ડિલિવરી પૂર્ણ થઈ છે. (સામાન્ય રીતે આ આંકડો 65-70 લાખ હોય છે).
• ડિલિવરી સમય: અગાઉ ડિલિવરી એક દિવસમાં થતી હતી, જે હાલમાં અંદાજે 4 દિવસ જેટલી છે. જોકે, બેકલોગ (બાકી ડિલિવરી) ઘટાડવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે.
• ડિજિટલ ટ્રેન્ડ: ગુજરાતમાં 88% બુકિંગ ડિજિટલ માધ્યમથી થાય છે (રાષ્ટ્રીય સરેરાશ 80-85% છે). 85% ડિલિવરી OTP (DAC) આધારિત વેરિફિકેશનથી સુરક્ષિત કરવામાં આવે છે.
• ઉજ્જવલા (PMUY): માર્ચ 2026માં 16,11,771 રીફિલ્સ આપવામાં આવ્યા.
• ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર: રાજ્યમાં 16 ડેપો/ટર્મિનલ, 11 એલપીજી બોટલિંગ પ્લાન્ટ અને 1042 એલપીજી વિતરકો કાર્યરત છે.
3. નાના સિલિન્ડર (5 કિગ્રા) ની માંગ
5 કિગ્રા એફટીએલ (FTL) સિલિન્ડરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. ગુજરાતમાં સરેરાશ 2,00,000 આવા સિલિન્ડર વેચાય છે, જે દેશમાં સૌથી વધુ છે. 23 માર્ચથી 4 એપ્રિલ વચ્ચે 13 દિવસમાં 74,622 નંગનું વેચાણ થયું છે, જે માંગ સ્થિર હોવાનું સૂચવે છે.
4. કોમર્શિયલ LPG પુરવઠાનું વર્ગીકરણ
વર્તમાન સ્થિતિને જોતાં કોમર્શિયલ LPGના પુરવઠામાં 70% સુધીનો કેપ (મર્યાદા) મૂકવામાં આવ્યો છે. વિવિધ ક્ષેત્રો માટે પુરવઠાની પ્રાથમિકતા નીચે મુજબ નક્કી કરાઈ છે:
નાગરિકો માટે એડવાઇઝરી
- ગભરાટમાં આવીને ઇંધણની ખરીદી (Panic Buying) કરશો નહીં.
- માત્ર સત્તાવાર સ્ત્રોતો અને સરકારી યાદીઓ પર જ વિશ્વાસ કરો.
- એલપીજી બુકિંગ માટે ડિજિટલ મોડનો ઉપયોગ કરો.
- શક્ય હોય ત્યાં વૈકલ્પિક ઇંધણ (PNG/ઈલેક્ટ્રિક રસોઈ)નો ઉપયોગ કરો.
- બિનજરૂરી ભીડ ટાળો અને ઊર્જાની બચત કરો.


