અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસના 15 કમિટમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ 5 ટકા, મહિલા-વિદ્યાર્થીઓને AMTSમાં ફ્રી મુસાફરી | Ahmedabad Municipal Corporation elections Congress party election manifesto

![]()
Ahmedabad Municipal Corporation elections: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે પોતાનો ચૂંટણી ઢંઢેરો (Manifesto) સત્તાવાર રીતે જાહેર કર્યો છે. ‘કમિટમેન્ટ’ સાથે જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શિક્ષણ, આરોગ્ય, અને ટેક્સના માળખામાં મોટા ફેરફારો કરવાનું વચન અપાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું સાશન આવ્યા બાદ 15થી વધુ વાયદા પૂરા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આર્થિક રાહત: પ્રોપર્ટી ટેક્સમાં ધરખમ ઘટાડો
• મેનિફેસ્ટોમાં સૌથી મોટું આકર્ષણ ટેક્સમાં ઘટાડો છે. કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તેઓ સત્તા પર આવશે, તો પ્રોપર્ટી ટેક્સનો દર 18 ટકાથી ઘટાડીને સીધો 5 ટકા કરી દેવામાં આવશે. આ નિર્ણયથી સામાન્ય પરિવારો પરથી આર્થિક બોજ ઓછો થશે.
• ટેક્સમાં રાહત: આ કમાણીનો ઉપયોગ નાગરિકો પ્રોપર્ટી ટેક્સ કે કોર્પોરેશનની અન્ય સુવિધાઓની ફી ભરવા માટે કરી શકશે.
આરોગ્ય અને શિક્ષણમાં ‘હાઈટેક’ સુધારો
• હેલ્થ સેન્ટર: અમદાવાદના દરેક વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરની સુવિધા સુદ્રઢ કરવામાં આવશે. વધુમાં, સામાન્ય જનતા માટે વિવિધ મેડિકલ ટેસ્ટ નિઃશુલ્ક (ફ્રી) કરી આપવાનું વચન અપાયું છે.
• સરકારી શાળાઓ: ખાનગી શાળાઓની ટક્કર લે તેવી હાઈટેક સરકારી શાળાઓ બનાવવામાં આવશે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી શકે.
• સરદાર પટેલ પ્રાથમિક શાળા: ધોરણ 12 સુધીના દરેક બોર્ડ (GSEB/CBSE) માં કોર્પોરેશન સંચાલિત શાળાઓ શરૂ કરાશે.
• તિરંગા અર્બન હેલ્થ સેન્ટર: દરેક વોર્ડમાં જરૂરિયાત મુજબ એકથી વધુ ‘તિરંગા હેલ્થ સેન્ટર’ બનશે, જ્યાં નિદાન અને સારવારની પાયાની સુવિધા મળશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તાઓની ગુણવત્તા
• મજબૂત રસ્તા: દર વર્ષે ચોમાસામાં તૂટી જતા રસ્તાઓની સમસ્યાનો અંત લાવવા માટે ‘ના ઘસાય ના તૂટે’ તેવા મજબૂત રસ્તા બનાવવાની ખાતરી આપી છે.
• જનતા ઓડિટ કમિટી: રસ્તાના કામમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે એક નવી ‘જનતા ઓડિટ કમિટી’ બનાવવામાં આવશે, જે રસ્તાની ગુણવત્તાની સીધી ચકાસણી કરશે.
રોજગાર અને રમતગમત
• કાયમી ભરતી: કોર્પોરેશનમાં લાંબા સમયથી ખાલી પડેલી 11,687 જેટલી જગ્યાઓ પર કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
• સ્પોર્ટ્સ: રમતગમતના પ્રોત્સાહન માટે શહેરમાં ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’નું નિર્માણ કરવામાં આવશે.
પર્યાવરણ અને આવાસ
• સાબરમતી શુદ્ધિકરણ: પ્રદૂષિત થયેલી સાબરમતી નદીને સંપૂર્ણપણે શુદ્ધ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
• કાર્બન ક્રેડિટ દ્વારા કમાણી: જે રહેણાંક સોસાયટીઓ અને શહેરીજનો સફાઈ જાળવશે, તેમને ‘કાર્બન ક્રેડિટ’ આપવામાં આવશે.
• પીવાનું પાણી: વિદેશની જેમ દરેક નાગરિકને નળ વાટે શુદ્ધ પીવાનું જળ પૂરું પાડવાની કટિબદ્ધતા દર્શાવી છે.
• AQI લક્ષ્યાંક: અમદાવાદને માત્ર એક જ વર્ષમાં દેશના ટોપ-5 સૌથી સ્વચ્છ હવા (AQI) ધરાવતા શહેરોની યાદીમાં લાવવાનું લક્ષ્ય છે.
• આવાસ નીતિ: મકાનો તોડવાની (ડીમોલેશન) પ્રક્રિયા પહેલાં અસરગ્રસ્તોને ‘પહેલા ઘરનું ઘર’ આપીને પુનઃવસન કરવાની નીતિ અપનાવાશે.
ડિજિટલ સુરક્ષા: દેશનું પ્રથમ ‘ફાયરવોલ’ શહેર
• અમદાવાદને હેકર્સ, સ્કેમર્સ અને સ્પામર્સથી સુરક્ષિત રાખવા માટે કોંગ્રેસે ‘ડિજિટલ ફાયરવોલ’ બનાવવાનું વચન આપ્યું છે. આ સાથે જ:
• કોર્પોરેશનની લાઇબ્રેરીઓમાં વિદ્યાર્થીઓ માટે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સાથેના કમ્પ્યુટર્સની સુવિધા અપાશે.
પરિવહન અને ટ્રાફિક વ્યવસ્થા
• AMTS માં મફત મુસાફરી: મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે AMTS બસમાં ફ્રી પાસ આપવામાં આવશે.
• AC બસ સેવા: અમદાવાદની તમામ AMTS બસોને AC (એર કન્ડિશન્ડ) બનાવવાનું વચન છે.
• ટ્રાફિક ઉકેલ: લોજિકલ સર્વેના આધારે નવા ફ્લાય ઓવર બનશે અને જૂના રસ્તાઓને જનતાની સહમતિથી પહોળા કરવામાં આવશે.
સ્ટ્રીટ વેન્ડર્સ અને નાના વેપારીઓનું રક્ષણ
• સ્માર્ટ કાર્ડ: તમામ લારી-ગલ્લા અને ફેરિયાઓનો સર્વે કરી તેમને ‘સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014’ મુજબ સ્માર્ટ કાર્ડ અપાશે, જેથી તેમને કાયદેસરનું રક્ષણ મળે અને હેરાનગતિ બંધ થાય.
જન સુનાવણી અને વહીવટી પારદર્શિતા
• નાગરિકોના રોજિંદા પ્રશ્નોના નિકાલ માટે દર અઠવાડિયે ‘વોર્ડ સુનાવણી’ કાર્યક્રમ યોજાશે, જ્યાં સ્થળ પર જ સમસ્યાઓનું સમાધાન લાવવાનો પ્રયાસ કરાશે.


