અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર મોતના મુખમાં ધકેલાતા માંડ બચ્યો, RPF જવાનો બન્યા દેવદૂત | Ahmedabad Railway Heroics: RPF Rescues Man During Moving Train Incident

![]()
Ahmedabad Railway Station: અમદાવાદ રેલવે સ્ટેશન પર RPF જવાનોની સતર્કતાને કારણે એક મુસાફરનો આબાદ બચાવ થયો છે. ‘ઓપરેશન જીવન રક્ષા’ હેઠળ ફરજ બજાવતા જવાનોએ પોતાની જાનના જોખમે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયેલા મુસાફરને બહાર ખેંચી કાઢી નવું જીવનદાન આપ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, આ ઘટના આજે (છઠ્ઠી એપ્રિલ) રોજ સવારે અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પર બની હતી. ટ્રેન સંખ્યા 09009 સ્ટેશન પરથી રવાના થઈ રહી હતી, ત્યારે સુરતના રહેવાસી 42 વર્ષીય મહેન્દ્ર મહેતા ચાલુ ટ્રેનના જનરલ કોચમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમનો પગ લપસતા તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના જોખમી ગેપમાં સરકવા લાગ્યા હતા.
ત્યાં હાજર હેડ કોન્સ્ટેબલ કિશોરી લાલ બલાઈએ તુરંત મુસાફરને પકડવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ ટ્રેનની ગતિને કારણે સફળતા મળી ન હતી. આ દરમિયાન સાદા ડ્રેસમાં તહેનાત RPFની CPDS ટીમના સહાયક સબ-ઇન્સ્પેક્ટર રમણ કુમાર અને કોન્સ્ટેબલ છોટુ લાલ પળવારનો પણ વિલંબ કર્યા વગર દોડી આવ્યા હતા. અત્યંત જોખમી સ્થિતિ હોવા છતાં, આ જવાનોએ મુસાફરને બળપૂર્વક ખેંચીને પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર
મુસાફર સુરક્ષિત, તંત્ર દ્વારા પ્રશંસા
બચી ગયેલા મુસાફર મહેન્દ્રભાઈ સુરતથી ગાંધીધામની મુસાફરી કરી રહ્યા હતા અને સ્ટેશન પર ચા-નાસ્તો લેવા ઉતર્યા હતા. સદનસીબે, જવાનોની ત્વરિત કામગીરીને કારણે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. RPF જવાનોની આ નિષ્ઠા અને બહાદુરીની મુસાફરો સહિત ઉચ્ચ રેલવે અધિકારીઓ દ્વારા પણ ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.



