અપશબ્દો બોલનારા ટ્રમ્પની ઈરાને મજાક ઉડાવી, ફોટો દ્વારા પૂછ્યું – ‘આ ભૂલી ગયા કે શું?’ | iran strong reply to donald trump abusive post sends remember message

Trump vs Iran: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે સોશિયલ મીડિયા પર આક્રમક જંગ શરૂ થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘ટ્રુથ સોશિયલ’ પર ઈરાન વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતા ધમકી આપી હતી કે જો ઈરાન વહેલી તકે હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલે, તો મંગળવારનો દિવસ ઈરાન માટે ‘પાવર પ્લાન્ટ ડે’ અને ‘બ્રિજ ડે’ સાબિત થશે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે તેઓ ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલોને તબાહ કરી દેશે અને જો માર્ગ ન ખોલાયો તો ઈરાનને નર્ક જેવી સ્થિતિનો સામનો કરવો પડશે.
ઈરાને 1980ના નિષ્ફળ ‘ઓપરેશન ઈગલ ક્લો’ની યાદ અપાવી અમેરિકાને ઘેર્યું
ટ્રમ્પની આ ધમકી બાદ ઈરાને વળતો પ્રહાર કરતા અમેરિકાના જૂના જખમો તાજા કર્યા છે. ઈરાને સોશિયલ મીડિયા પર અમેરિકન વિમાનના કાટમાળની તસવીરો શેર કરીને પૂછ્યું છે કે, ‘શું તમે આ ભૂલી ગયા?’ ઈરાનનો દાવો છે કે તેણે અમેરિકાના વિમાનને તોડી પાડીને કાટમાળમાં ફેરવી દીધું છે, જ્યારે અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે ત્યાંથી પોતાના પાઈલોટને સુરક્ષિત બચાવી લીધો છે. ઈરાને આ ઘટનાને ‘ઇતિહાસનું પુનરાવર્તન’ ગણાવીને વર્ષ 1980ના ‘ઓપરેશન ઈગલ ક્લો’ની યાદ અપાવી છે, જેમાં અમેરિકાનું રેસ્ક્યૂ મિશન નિષ્ફળ ગયું હતું.
અમેરિકન મિશનને નિષ્ફળ બનાવ્યાનો ઈરાની સેનાનો દાવો
બીજી તરફ, ઈરાને ટ્રમ્પના સહયોગી કેરોલિન લેવિટને પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા જણાવ્યું કે અમેરિકાએ ગર્વ લેવા જેવી બાબતોમાં ગાઝામાં થઈ રહેલા નરસંહારનું સમર્થન, સ્કૂલના બાળકોના મોત અને હોસ્પિટલો પરના હુમલાઓનો પણ સમાવેશ કરવો જોઈએ. ઈરાને આક્ષેપ કર્યો હતો કે અમેરિકન સેનાનું પાયલટ બચાવવાનું મિશન માત્ર એક બહાનું હતું, જે ઈરાની સુરક્ષા દળોની સતર્કતાને કારણે નિષ્ફળ રહ્યું છે. હાલ આ બંને દેશો વચ્ચેના વાકયુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઘેરો બન્યો છે.




