સી-130 અને બ્લેક હોક હેલિકોપ્ટર્સ તોડી પાડયા, પાંચ સૈનિકો ઠાર : ઈરાન | C 130 and Black Hawk helicopters shot down five soldiers killed: Iran

![]()
રેસ્ક્યુ અભિયાનમાં ઈરાન-અમેરિકાના દાવા-પ્રતિદાવા
ઈરાનમાં અંતરિયાળ બેઝ પર ફસાયેલા વિમાન દુશ્મનોના હાથમાં ના આવે એટલે જાતે જ નાશ કર્યો : અમેરિકા
તહેરાન/વોશિંગ્ટન: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે અમેરિકન એફ-૧૫ ફાઈટર જેટના એરમેનને બચાવવા માટેના રેસ્ક્યુ અભિયાનને પ્રમુખ ટ્રમ્પે સૌથી સફળ મિશન ગણાવ્યું છે ત્યારે ઈરાને અમેરિકન પાયલટને બચાવવા આવેલા અમેરિકાના સી-૧૩૦ વિમાન અને બ્લેક હોક હેલિકોપ્ટર્સને તોડી પાડવાનો અને પાંચ અમેરિકન સૈનિકોને મારી નાંખવાનો પણ દાવો કર્યો હતો.
અમેરિકન એરમેનને બચાવવાના અભિયાન વચ્ચે ઈરાને દાવો કર્યો કે તેણે ઈસ્ફહાન વિસ્તારમાં અમેરિકન સૈન્ય મિશન દરમિયાન બે બ્લેક હોક હેલિકોપ્ટર અને એક સી-૧૩૦ ટ્રાન્સપોર્ટ વિમાનને તોડી પાડયા છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે કહ્યું કે, તેમણે તોડી પાડેલા હેલિકોપ્ટર અને વિમાન અમેરિકાના રેસ્ક્યુ મિશનનો ભાગ હતા. ઈરાનના સરકારી મીડિયાએ આ ઘટનાના કેટલાક વીડિયો અને તસવીરો પણ જાહેર કરી છે, જેમાં વિમાનનો સળગેલો કાટમાળ અને રણમાંથી ઉઠતો ધૂમાડો જોવા મળે છે. આઈઆરજીસીનું કહેવું છે કે સંયુક્ત ઓપેરશન દરમિયાન દુશ્મનની અનેક ઉડતી વસ્તુઓનો નાશ કરાયો છે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફે એક્સ પર એક તસવીર પોસ્ટ કરી, જેમાં અમેરિકન એરક્રાફ્ટનો કાટમાળ જોવા મળે છે.
બીજીબાજુ અમેરિકન મીડિયાએ દાવો કર્યો કે, આ વિમાનો ઈરાને ગોળીબાર કરી તોડી પાડયા નથી, પરંતુ અમેરિકાએ પોતે જ તેનો નાશ કર્યો છે. અમેરિકન કમાન્ડો ટીમ પોતાના લાપતા એરમેનને બચાવવા માટે ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે બે ટ્રાન્સપોર્ટ વિમાન એક અંતરિયાળ બેઝ પર ફસાઈ ગયા હતા. એવામાં કમાન્ડરોએ નિર્ણય કર્યો કે તેને દુશ્મનના હાથમાં આવવા દેવાના બદલે જાતે જ તેનો નાશ કરવામાં આવે. ત્યાર પછી ત્રણ નવા વિમાન મોકલવામાં આવ્યા અને બધા જ અમેરિકન સૈનિકો તથા એરમેનને સુરક્ષિત બચાવી લેવાયા.



