दुनिया

ઈરાન તાબે ના થતા હતાશ ટ્રમ્પ ગાળાગાળી પર ઉતર્યા | Trump frustrated by Iran’s failure to comply launches into a tirade



– ઈરાનને મંગળવારે નરક બનાવી દઈશું : અમેરિકન પ્રમુખનું ફરી 48 કલાકનું અલ્ટીમેટમ

– બુશેહર પરમાણુ મથક, તહેરાન પર અમેરિકાનો હુમલો, ઈરાનના અનેક સૈન્ય કમાન્ડરોને ખતમ કર્યાનો ટ્રમ્પનો દાવો

– ઈરાનના એક જ રાતમાં કુવૈત, બહરીન, યુએઈમાં ઓઈલ, ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલા

– ઈરાનના ઓઈલ, ગેસ અને પેટ્રોલકેમિકલ્સ સ્થળો, પુલો જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તોડી પાડવાની ટ્રમ્પની ધમકી

વોશિંગ્ટન/તહેરાન: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ છઠ્ઠા સપ્તાહમાં પ્રવેશી ગયું છે ત્યારે આ યુદ્ધના પગલે ઈરાને દુનિયાના સૌથી મહત્વના વ્યાપારિક માર્ગમાંના એક હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી દીધી છે. પ્રમુખ ટ્રમ્પે અનેક વખત ઈરાનને હોર્મુઝની ખાડી ખોલવા ધમકીઓ આપી છે. હવે ફરી એક વખત ટ્રમ્પે ઈરાનને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જોકે, અત્યાર સુધીમાં હોર્મુઝની ખાડી ખોલાવવામાં નિષ્ફળ ગયેલા પ્રમુખ ટ્રમ્પ હવે રીતસરની ગાળાગાળી પર ઉતરી આવ્યા છે. ટ્રમ્પે મંગળવારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરી ઈરાનને નરક બનાવી દેવાની અને તેનું ઓઈલ કબજે કરવાની ધમકી આપી છે. બીજીબાજુ ઈરાને અમેરિકાના સાથી દેશો પર હુમલા ચાલુ રાખ્યા છે.

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનનું યુદ્ધને ૩૭ દિવસ થઈ ગયા છે અને અમેરિકા હજુ સુધી હોર્મુઝની ખાડીમાં ઈરાનની નાકાબંધીનો કોઈ ઉકેલ લાવી શક્યું નથી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ઈરાનમાં ભારે વિનાશ વેરવાની ધમકીને ઈરાનના શાસકો ગણકારી નથી રહ્યા. આથી, હતાશ થઈ ગયેલા ટ્રમ્પ હવે ગાળાગાળી પર ઉતરી આવ્યા છે. ટ્રમ્પની અગાઉ આપેલી ૧૦ દિવસની ધમકીનો સમય પણ પૂરો થવા આવ્યો છે ત્યારે તેમણે ઈરાનને ફરી એક વખત ૪૮ કલાકમાં હોર્મુઝની ખાડી ખોલવા અલ્ટીમેટમ આપ્યું છે.

ટ્રમ્પે કહ્યું કે તેમની વાત માનવામાં નહીં આવે તો ઈરાનને નરક જેવી સ્થિતિનો સામનો કરવો પડશે. ઈરાનના ઓઈલ, ગેસ અને પેટ્રોલકેમિકલ્સ સ્થળો, પુલો જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે હોર્મુઝની ખાડીની આજુબાજુ ઈરાની સેના, રડાર સિસ્ટમ અને એન્ટી-શિપ મિસાઈલ સાઈટ્સને નિશાન બનાવાશે. આ સિવાય ઈરાનના ટોચના રાજકીય અને સૈન્ય નેતૃત્વને નિશાન બનાવાઈ શકે છે, જેમાં આઈઆરજીસીના કમાન્ડરો, સુરક્ષા પ્રમુખો અને સંભવિત નવા નેતાઓનો સમાવેશ થાય છે.

વધુમાં ટ્રમ્પે કહ્યું આ ડેડલાઈન પૂરી થયા પછી મંગળવારે ઈરાન માટે ‘પાવર પ્લાન્ટ’ અને ‘બ્રિજ ડે’ જાહેર કર્યો. સાથે જ ટ્રમ્પે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરવાની પણ જાહેરાત કરી હતી. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, ટૂંક સમયમાં જ ડીલ નહીં થાય તો તેઓ ઈરાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત બધાનો નાશ કરી નાંખશે અને તેના ઓઈલ પર કબજો કરી લેશે.

ઈરાનને ધમકી આપવાની સાથે અમેરિકાએ ઈરાનના બુશેહર પરમાણુ કેન્દ્ર પર ચોથી વખત હુમલો કર્યો હતો. યુદ્ધ વચ્ચે પણ આ પરમાણુ કેન્દ્ર સક્રિય હતું અને અહીંથી દેશને વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવતો હતો. વધુમાં ઈરાનના દક્ષિણ-પશ્ચિમમાં મહશહર પેટ્રોલકેમિકલ ઝોન પર પણ અમેરિકા અને ઈઝરાયેલે હુમલા કર્યા હતા. વધુમાં ટ્રમ્પે તહેરાન પર ભયાનક મિસાઈલ અને ડ્રોન હુમલાથી વિસ્ફોટોનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. સાથે તેમણે લખ્યું કે, ઈરાનના અનેક સૈન્ય નેતાઓને ખતમ કરી દેવાયા છે. જોકે, તેમણે આ હુમલા અંગે વધુ કોઈ વિગત આપવાનું કે તેના લક્ષ્યો અંગે કશું કહેવાનું ટાળ્યું હતું. બીજીબાજુ ટ્રમ્પની ધમકીઓથી વિપરિત ઈરાને મધ્ય-પૂર્વમાં અમેરિકાના સાથી દેશો પર હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાને એક જ રાતમાં કુવૈત, બહરીન અને સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) પર મિસાઈલ હુમલા કરી ભારે વિનાશ વેર્યો હતો. ઈરાનના હુમલાના કારણે યુએઈની રાજધાની અબુ ધાબી સ્થિત બોરુજ પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં આગ લાગી હતી. યુએઈએ જણાવ્યું કે, તેમની ડિફેન્સ ફોર્સે ઈરાનના મિસાઈલ હુમલાનો સફળતાથી બચાવ કર્યો હતો, પરંતુ મિસાઈલનો કાટમાળ પડવાથી પ્લાન્ટના કેટલાક ભાગોમાં આગ લાગી હતી.

બહરીનમાં પણ ઈરાની ડ્રોને ગલ્ફ પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝના અનેક ઓપરેશનલ યુનિટ્સ પર હુમલો કર્યો હતો, જેને પગલે ત્યાં આગ લાગી હતી, પરંતુ પાછળથી તેના પર કાબુ મેળવી લેવાયો હતો. જોકે, આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી. ઈરાને બહરીનની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી બાપકો એનર્જીસ પર પણ હુમલો કર્યો હતો. આ એકમના સ્ટોરેજ પ્લાન્ટમાં આગ લાગી ગઈ હતી.

ઈરાનના હુમલાથી સૌથી વધુ નુકસાન કુવૈતને થયું હતું. ઈરાને કુવૈતમાં વીજળી અને પાણીના પ્લાન્ટ તથા ઓઈલ પરિસરને ભારે નુકસાન પહોંચાડયું છે. ઈરાનના ડ્રોન હુમલામાં કુવૈતમાં બે વીજળી અને પાણીના ડિસેલિનેશન પ્લાન્ટને નિશાન બનાવાયા હતા. આ સિવાય શુવૈખ ઓઈલ સેક્ટર કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. કુવૈતમાં ઓઈલ એકમોની સાથે મંત્રાલયની ઈમારત પર પણ ઈરાને ડ્રોનથી હુમલો કર્યો હતો.

– ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે ઇરાનને દીધેલી ગાળો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ઈરાન સામે રીતસરની ગાળાગાળી કરતાં ટ્રમ્પે લખ્યું, મંગળવારનો દિવસ ઈરાનમાં પાવર પ્લાન્ટ ડે અને બ્રિજ ડે હશે. આ બંને એક જ દિવસે હશે. આવું પહેલા ક્યારેય નહીં થયું હોય. ”ઓપન ફકીંગ સ્ટ્રેટ… યુ  ક્રેઝી બાસ્ટર્ડ…” તમે નરકમાં રહેશો… બસ જોતા રહો… અલ્લાહનો જય હો… પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ.

ગાળાગાળી-પાયલટને બચાવવા મુદ્દે ઈરાનનો જવાબ

ટ્રમ્પ 1980માં ઓપરેશન ઈગલ ક્લોની નિષ્ફળતા યાદ કરે

તહેરાન: હોર્મુઝની ખાડી ખોલાવવામાં નિષ્ફળ જવા બદલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હતાશ થઈને ગાળાગાળી પર ઉતરી આવ્યા છે ત્યારે ઈરાને ટ્રમ્પની મજાક ઉડાવી હતી. આ સિવાય પાયલટને બચાવવાના અભિયાન મુદ્દે ઈરાને ટ્રમ્પને ૧૯૮૦માં અમેરિકાના ઓપરેશન ઈગલ ક્લોની નિષ્ફળતાની યાદ અપાવી હતી. સાથે ટ્રમ્પ કારમા પરાજયને વિજયમાં ખપાવી અમેરિકનોમાં ભ્રમ પેદા કરી રહ્યા હોવાનો પણ ઈરાને દાવો કર્યો હતો.હોર્મુઝની ખાડી ખોલાવવા મુદ્દે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ગાળાગાળી કરતી પોસ્ટ કરી હતી, જેના જવાબમાં થાઈલેન્ડમાં ઈરાનની એમ્બેસીએ એક્સ પર લખ્યું, ટ્રમ્પનું વર્તન જોતા એવું લાગે છે કે અમેરિકા અપેક્ષા કરતાં વહેલા પાષાણ યુગમાં પહોંચી ગયું. વધુમાં ટ્રમ્પની ધમકીના જવાબમાં ઈરાનના દૂતાવાસે એક્સ પર લખ્યું, ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ઓપરેશન ઈગલ ક્લો, ઈરાનના તાબાસ રણમાં એક ઐતિહાસિક અમેરિકન નિષ્ફળતા. ૨૪ એપ્રિલ, ૧૯૮૦. તે સમયે પણ અમેરિકન સૈન્યે ભારે નુકસાન સહન કરવું પડયું હતું. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એફ-૧૫ ફાઈટર જેટના એરમેનને બચાવવાના અભિયાનને અમેરિકન ઈતિહાસના સૌથી મહત્વનું રેસ્ક્યુ અભિયાન ગણાવતા ઈરાને દાવો કર્યો કે, ટ્રમ્પ દક્ષિણ ઈસ્ફહાનમાં મળેલા કારમા પરાજયને વિજયમાં ખપાવી અમેરિકનોમાં ભ્રમ પેદા કરવા માગે છે. ઈરાનના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ મુખ્યાલયના પ્રવક્તા ઈબ્રાહિમ જોલ્ફાઘરીએ કહ્યું કે, દક્ષિણ ઇસ્ફહાનમાં અમેરિકન હુમલાખોરો વિરુદ્ધ ઈરાની સેનાનું વીરતાપૂર્ણ અભિયાન અમેરિકન સૈન્યની ખોખલી હકીકત અને તેમની સેનાની શરમજનક નિષ્ફળતાની પોલ ખોલે છે. દક્ષિણ ઈસ્ફહાનમાં ઈરાની સેનાનો નિર્ણાયક વિજય આ સાહસિક કાર્યવાહીનું સ્પષ્ટ ઉદાહરણ છે.

– એરમેનને બચાવવા જતા કારમા પરાજયને વિજયમાં ખપાવી ભ્રમ પેદા કરવાનો ટ્રમ્પનો પ્રયાસ: ઈરાન

ટ્રમ્પની ધમકીઓની ટાઈમલાઈન

– ૨૧ માર્ચ : પ્રમુખ ટ્રમ્પે પહેલી વખત ઈરાનને ૪૮ કલાકની ચેતવણી આપતા કહ્યું હતું કે, ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉડાવી દઈશું. જોકે, પછી તેમણે વાતચીતમાં પ્રગતિ થતી હોવાનો દાવો કરી ડેડલાઈન પાંચ દિવસ માટે પાછી ઠેલી.

– ૨૬ માર્ચ : ટ્રમ્પે ફરી એક વખત ઈરાનને ૧૦ દિવસની ડેડલાઈન આપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની ધમકી ૬ એપ્રિલ સુધી લંબાવી હતી. તેમણે દાવો કર્યો કે ઈરાનની વિનંતીના પગલે આ સમય મર્યાદા લંબાવાઈ છે, પરંતુ ઈરાને ટ્રમ્પનો દાવો નકારી કાઢ્યો અને અમેરિકા સાથે કોઈ વાતચીત નહીં ચાલતી હોવાનો ઈનકાર  કર્યો હતો.

– ૨ એપ્રિલ: પ્રમુખ ટ્રમ્પે યુદ્ધ વચ્ચે તેમના પહેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું, સમજૂતી નહીં થાય તો અમેરિકા આગામી બેથી ત્રણ સપ્તાહમાં ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દેશે. આ સાથે ટ્રમ્પે હોર્મુઝની ખાડી પર વિનાશક હુમલાના સંકેત આપ્યા હતા.

– ૫ એપ્રિલ : ટ્રમ્પની ૬ એપ્રિલની ડેડલાઈન નજીક આવતા અમેરિકન પ્રમુખે ફરી એક વખત ઈરાનને ૪૮ કલાકનું ‘ફાઈનલ અલ્ટીમેટમ’ આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની ખાડી નહીં ખોલાય તો મંગળવારે ઈરાનના પાવર પ્લાન્ટ, ઓઈલ અને અન્ય મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પડાશે.



Source link

Related Articles

Back to top button