गुजरात

ભાજપના નેતા વિપુલ પટેલની રાજકારણમાં રૂપિયા બનાવ્યા હોવાની જાહેરમાં કબૂલાત | BJP leader Vipul Patel publicly admits to making money in politics



– સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે રાજકીય ગરમાવો

– નિવેદનના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ : વિપુલ પટેલે અમુલ, કે.ડી.સી.સી.ના ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખનો હોદ્દો ભોગવ્યો છે

નડિયાદ : ખેડા જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભાજપના કદાવર નેતા વિપુલ પટેલે રાજકારણમાં રહીને નાણાં કમાયા હોવાનો સરેઆમ સ્વીકાર કર્યો છે. નડિયાદ ખાતે યોજાયેલા એક જાહેર સમારંભમાં તેમણે કરેલા આ નિવેદનના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વકર્યો છે.

નડિયાદ એરીયા કોલેજીસ રીટાયર્ડ સ્ટાફ એસોસિએશનના રજત જયંતિ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા વિપુલ પટેલે મંચ પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, તેઓ છાતી ઠોકીને કહે છે કે, તેમણે રાજકારણમાં રહીને રૂપિયા બનાવ્યા છે. ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને મહામંત્રી જેવા જવાબદાર પદો પર રહી ચૂકેલા નેતાના મોઢેથી આવી વાત સાંભળીને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. લાંબા સમયથી સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોવાની સાથે તેઓ સહકારી ક્ષેત્રમાં પણ મોટું નામ ધરાવે છે. વિપુલ પટેલ અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને હાલમાં પણ તેઓ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. જિલ્લાના રાજકારણમાં તેમનું પ્રભુત્વ હોવા છતાં, સાર્ર્વજનિક મંચ પરથી ભ્રષ્ટાચાર કે આર્થિક લાભ મેળવ્યાનો આડકતરો નિર્દેશ આપતું નિવેદન આપતા અનેક તર્ક વિતર્ર્ક વહેતા થયા છે. ખાસ કરીને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે, ત્યારે પક્ષના પૂર્વ જિલ્લા પ્રમુખનું આવું વલણ વિરોધ પક્ષો માટે નવો મુદ્દો બની શકે તેમ છે. આ નિવેદનને કારણે ભાજપ સંગઠનમાં પણ આંતરિક રીતે ચર્ચાઓ શરૂ થઈ છે.

રાજકીય વર્તુળોમાં આ નિવેદનને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો આ નિવેદનને તેમની સ્પષ્ટવક્તા અને નિર્ભય સ્વીકાર તરીકે જોઈ રહ્યાં છે, જ્યારે સામાન્ય જનતા અને વિરોધીઓ રાજકારણમાં નૈતિકતા અને પારદર્શકતા સામે સવાલો ઉઠાવી રહ્યાં છે. સત્તામાં રહીને આર્થિક સમૃદ્ધિ મેળવવાની વાત જાહેરમાં સ્વીકારવી તે નૈતિક દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે તે બાબતે નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં લોકચર્ચાએ જોર પકડયું છે. આગામી દિવસોમાં આ મામલે પક્ષ સ્તરે કોઈ ખુલાસો કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.



Source link

Related Articles

Back to top button