मनोरंजन

Explainer: હવે આખી ફિલ્મ જ AI થકી બની જશે, જાણો આગામી સિનેમા ક્રાંતિના સારા-નબળા પાસાં | AI Revolution in Indian Cinema: Cutting Costs Changing Climaxes and the Future of Filmmaking



AI in Indian Film Industry : દુનિયામાં સૌથી વધુ ફિલ્મોનું નિર્માણ કરતા ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના સહારે એક નવો દોર શરૂ થયો છે. દેશભરના સ્ટુડિયો AIનો ઉપયોગ કરીને ફિલ્મો બનાવવાનો ખર્ચ ઘટાડી રહ્યા છે, સમય બચાવી રહ્યા છે અને ફિલ્મોને અનેક ભાષામાં ડબ પણ કરી રહ્યા છે. હોલિવૂડમાં યુનિયનના કાયદાને કારણે AIનો ઉપયોગ ધીમો છે, પરંતુ ભારતમાં આવી રોકટોક ન હોવાથી નિર્માતાઓ AI ટેકનોલોજીને ઝડપથી અપનાવી રહ્યા છે. ચાલો જાણી કે AI કેવી રીતે ફિલ્મોના સર્જનની રીતને બદલી રહ્યું છે, અને તેના ઉપયોગ સામે કેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

સ્ટુડિયોમાં કોડિંગનો અવાજ ગૂંજી રહ્યો છે 

હાલ ઘણી એવી ફિલ્મો બની રહી છે, જેના સેટ પર કેમેરાની ક્લિક કે ડિરેક્ટરના બૂમબરાડાના અવાજને બદલે કોડિંગનો ગુંજારવ સંભળાય છે. બેંગલુરુ સ્થિત ‘કલેક્ટિવ આર્ટિસ્ટ્સ નેટવર્ક’ નામની ટોચની એજન્સી ડિજિટલ ફિલ્મો બનાવી રહી છે. તેઓ AI ટૂલ્સનો ઉપયોગ કરીને હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો બનાવે છે. તેમાં ના તો કલાકારોની જરૂર પડે છે, ના ડબિંગ આર્ટિસ્ટની. આ બધું AI દ્વારા સર્જાય છે. આ તો ફક્ત એક ઉદાહરણ થયું, AI દ્વારા આખેઆખી ફિલ્મો બનાવવા અનેક કંપનીઓ મેદાને પડી છે. 

ફિલ્મો બાબતે પ્રેક્ષકોની પસંદ પણ બદલાઈ રહી છે 

ભૂતકાળની સરખામણીમાં અત્યારે લોકો ફિલ્મો જોવા ઓછા જાય છે. એના ઘણાં કારણો છે. કોવિડ મહામારીએ સર્જેલી આર્થિક ભીંસ પછી લોકોએ થિયેટરમાં જઈને ફિલ્મો જોવાનું ઓછું કરી દીધું છે. કન્સલ્ટિંગ ફર્મ ઓરમેક્સ મીડિયાના જણાવ્યા મુજબ, 2019માં 1.03 અબજ ભારતીયોએ થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ હતી, 2025માં એ સંખ્યા ઘટીને 83.2 કરોડ થઈ ગઈ છે. વાર્ષિક સરવૈયું જોઈએ તો બોલિવૂડની કુલ આવકનો આંકડો મોટો છે, પણ એનું કારણ ટિકિટોના વધેલા ભાવ છે.  ઓટીટીને લીધે ઘેરબેઠા સારું કોન્ટેન્ટ જોવા મળી જાય છે.

આ પણ વાંચો : સાઇ પલ્લવી અને વિજય સેતુપતિની જોડી આગામી ફિલ્મમાં જોવા મળશે

 AIથી ફિલ્મ નિર્માણનો ખર્ચ અને સમય ઘટ્યો

‘કલેક્ટિવ આર્ટિસ્ટ્સ નેટવર્ક’ના AI સ્ટુડિયોના વડા રાહુલ રેગુલાપતિના કહેવા મુજબ, પૌરાણિક કથાઓ અને ફેન્ટસી શૈલીની ફિલ્મો બનાવવાનો ખર્ચ AIના કારણે પાંચમા ભાગ (1/5) સુધી ઘટી ગયો છે. તો નિર્માણનો સમય ચોથા ભાગ જેટલો ઘટી ગયો છે. AI દ્વારા ફિલ્મ બનાવવાથી ભારતીય કંપનીઓની આવકમાં 10% વધારો અને ખર્ચમાં 15% ઘટાડો થવાની શક્યતા છે. એક મોટા પ્રોડક્શન હાઉસ ‘એબન્ડેન્ટિયા એન્ટરટેઈનમેન્ટે’ તો $11 મિલિયનના AI સ્ટુડિયોમાં રોકાણ કરીને, આગામી ત્રણ વર્ષમાં ત્રીજા ભાગની આવક AIથી બનાવેલા કન્ટેન્ટમાંથી, કમાવાની યોજના બનાવી છે.

AI વડે બદલાયો ‘રાંઝણા’નો અંત

2013ની હિટ ફિલ્મ ‘રાંઝણા’ને ગયા વર્ષે ફરીથી રજૂ કરાઈ હતી. મૂળ ફિલ્મમાં નાયક (ધનુષ) મૃત્યુ પામતો હતો, પરંતુ નવી રિલીઝ કરાયેલી ફિલ્મમાં AI વડે એનો અંત બદલીને સુખદ કરી દેવામાં આવ્યો, જેમાં નાયક જીવતો રહે છે. આ ફેરફારનો અભિનેતા ધનુષે વિરોધ કરતાં કહ્યું કે આમ કરવાથી ફિલ્મનો ‘આત્મા’ છીનવાઈ ગયો. આમ છતાં આ નવા અંતને દર્શકોએ વધાવી લીધો એટલે ‘રાંઝણા’ના વિતરક ઇરોસ મીડિયા વર્લ્ડનો ઉત્સાહ વધ્યો છે. હવે ઇરોસ કંપની પોતાની પાસે રહેલી 3,000 ફિલ્મની લાઇબ્રેરીમાંથી એવી ફિલ્મો શોધી રહી છે, જેમાં AIની મદદથી ફેરફાર કરીને એને નવા સ્વરૂપે ફરીથી રજૂ કરી શકાય.

હોલિવૂડથી વિપરીત ભારતમાં AI પર રોકટોક નથી

અમેરિકામાં સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ  (SAG) અને અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ્સ (AFTRA) જેવા કલાકારોના સંઘના નિયમો અનુસાર કલાકારની મંજૂરી વિના તેમના ડિજિટલ રૂપાંતર અથવા પ્રદર્શનમાં ફેરફાર કરી શકાતો નથી. ડિરેક્ટર્સ ગિલ્ડ પણ AIને નિર્દેશકની સલાહ વિના સર્જનાત્મક નિર્ણયો લેતા અટકાવે છે, પરંતુ ભારતમાં સ્ટુડિયો આક્રમક રીતે AIનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે, અહીં કોઈ રોકટોક નથી. ‘કલેક્ટિવ આર્ટિસ્ટ્સ નેટવર્ક’ હનુમાન, કૃષ્ણ, દુર્ગા અને કાલી જેવા દેવો પર આધારિત આઠ AI જનરેટેડ ફિલ્મો બનાવવાની યોજના ધરાવે છે. તો જિયોસ્ટાર (રિલાયન્સ-ડિઝનીનું સંયુક્ત સાહસ) ‘મહાભારત’નું AI રૂપાંતરણ પ્રસારિત કરી રહ્યું છે, જેને ઓક્ટોબરમાં રિલીઝ થયા બાદ ઓછામાં ઓછા 2.65 કરોડ વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : અર્જુન રામપાલ હંસલ મહેતાની બિલિયોનેરમાં મહત્ત્વની ભૂમિકામાં

પ્રેક્ષકોની મિશ્ર પ્રતિક્રિયા: પ્રશંસા અને ટીકા બંને

‘મહાભારત’ના AI વર્ઝનને IMDb પર 10માંથી માત્ર 1.4 રેટિંગ મળ્યું છે. કેટલાક દર્શકોએ લિપ-સિંક (બોલતી વખતે હોઠની હલચલ)ની સમસ્યાઓ અને કેટલાક દૃશ્યોને અસ્વાભાવિક, અકુદરતી ગણાવ્યા છે. જિયોસ્ટારના સીનિયર એક્ઝિક્યુટિવ આલોક જૈને આ પ્રતિસાદને ‘પ્રશંસા અને સ્વસ્થ ચર્ચાનું મિશ્રણ’ ગણાવ્યું છે. અમેરિકન લેખક જોનાથન ટેપ્લિન AI વડે આખી ફિલ્મ બનાવવાને ‘સિનેમાના સમગ્ર ઇતિહાસનું અપમાન’ ઠેરવે છે અને ચેતવણી આપે છે કે આવું કરવાથી સિનેમાઘરો ફોર્મ્યુલા આધારિત નીચા સ્તરની સામગ્રીથી ભરાઈ જશે.

AI ડબિંગ: ભાષાની અડચણો દૂર કરવાનો સરળ રસ્તો

ભારતમાં 22 સત્તાવાર ભાષા અને સેંકડો બોલીઓ છે. કોઈ પણ ફિલ્મને રાષ્ટ્રીય સ્તરે હિટ બનાવવા માટે ડબિંગ જરૂરી છે, પરંતુ અત્યાર સુધી AI વડે થતાં ડબિંગમાં પાત્રોના હોઠની અચોક્કસ હલચલ પ્રેક્ષકોને ખટકતી રહી છે. બેંગલુરુની AI સ્ટાર્ટઅપ ‘ન્યુરલગેરેજ’ આ સમસ્યાનો ઉકેલ આપ્યો છે. તેમની ટેકનોલોજી વ્યક્તિના પ્રદર્શન, ઓળખ અને બોલવાની શૈલીને જાળવી રાખીને, ચહેરામાં સૂક્ષ્મ ફેરફાર કરી દે છે, જેથી ડબિંગ સંપૂર્ણપણે કુદરતી લાગે. યશરાજ ફિલ્મ્સે તેમની ફિલ્મ ‘વૉર 2’ને તેલુગુમાં ડબ કરવા આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.

ગૂગલ, માઈક્રોસોફ્ટ અને Nvidia જેવી કંપનીઓને પણ રસ 

જાયન્ટ ટેક કંપનીઓ પણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં AIના ઉપયોગને ટેકો આપી રહી છે. ગૂગલે ડિરેક્ટર શકુન બત્રા સાથે ભાગીદારી કરીને AI ટૂલ્સ (Veo 3 અને ફ્લો)નો ઉપયોગ કરીને પાંચ ભાગની શ્રેણી ‘Imagine with Shakun Batra X Google Gemini’ બનાવી છે. ‘કલેક્ટિવ આર્ટિસ્ટ્સ નેટવર્ક’ માઈક્રોસોફ્ટ સાથે કામ કરી રહ્યું છે, જે AI કમ્પ્યુટિંગ પાવર પૂરો પાડે છે. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં યોજાયેલા AI ફિલ્મ ફેસ્ટિવલમાં Nvidia યુવા ફિલ્મ નિર્માતાઓ સાથે મંચ પર આવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે, તેઓ કમ્પ્યુટિંગ ખર્ચ એટલો ઘટાડવા માંગે છે કે કોઈપણ વ્યક્તિ ઓછા પૈસામાં મોટું કંઈક બનાવી શકે.

આ પણ વાંચો : યામી ગૌતમ 7 એપ્રિલથી હોરર-કોમેડી નઇ નવેલીનું શૂટિંગ શરૂ કરશે

વ્યવસાય માટે કળા સાથે કોમ્પ્રોમાઇઝનો સવાલ

બોલિવૂડના જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે કારણ કે, ભારતમાં AIના ઉપયોગ માટે કોઈ નિયમો નથી. પરંતુ તેઓ સ્વીકારે છે કે ભારતમાં સિનેમા એક વ્યવસાય છે, કળા નહીં. આ કારણસર ફિલ્મ નિર્માણ ક્ષેત્રે AI નો વ્યાપ તો વધશે જ. ભારતીય પ્રેક્ષકો પૌરાણિક કથાઓ આધારિત ફિલ્મો પસંદ કરતા હોવાથી ફિલ્મ સ્ટુડિયો AIનો ઉપયોગ એવી ફિલ્મો બનાવવા માટે જ વધારે કરી રહ્યા છે. ટૂંકમાં, AI ભારતીય સિનેમાનો ચહેરો બદલી રહ્યું છે. પછી ભલે ને તેની સામે સર્જનાત્મકતાના સવાલો ઊભા થતા રહે!



Source link

Related Articles

Back to top button