કાલાવડ તાલુકાના અરલા ગામમાં પૈસાની ઉઘરાણીના મુદ્દે બે જૂથ વચ્ચે તકરાર: બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ | Clash Between 2 Groups Over Money Dispute in Arala Village of Kalavad Cross Complaints Filed

![]()
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામમાં પૈસાની ઉઘરાણી ના મામલે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામે હુમલા કરાયા હતા. જે મામલે બંને પક્ષે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
પ્રથમ કેસ મુજબ ફરિયાદી ઇમ્તિયાઝભાઈ નુરમામદભાઈ આદમાણી (ઉ.વ. 42), રહે. અરલા ગામ દ્વારા નોંધાવવામાં આવ્યું છે કે તેમના મિત્ર ઇલિયાસ શેખને આપેલા વ્યાજના નાણાંની ઉઘરાણી મુદ્દે આરોપી ધર્મરાજસિંહ ઉર્ફે ધમભા જાડેજા તથા બે અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો. ફરિયાદ અનુસાર, આરોપીઓ ધારીયા, કુહાડી અને લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે આવી હુમલો કરતા ફરિયાદીને માથામાં ચાર ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે તેમના દીકરા આસીફભાઈને પણ માથામાં પાંચ ટાંકા આવ્યા હતા. બનાવ બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હોવાનું જણાવાયું છે.
બીજા કેસમાં આ જ બનાવ સંદર્ભે ધર્મરાજસિંહ ઉર્ફે ધમભા જાડેજા દ્વારા વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ ઇલિયાસ શેખને આપેલા રૂ. 5,000 પરત ન મળતા થયેલા વિવાદ દરમિયાન ઇમ્તિયાઝભાઈ તથા ઇમરાનભાઈએ લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બંને બનાવોને પગલે કાલાવડ ગ્રામ્ય પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને પક્ષોની સામસામે ફરિયાદોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવામાં આવી રહી છે.
વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.



