આણંદ જિલ્લામાં 4 યુવતીઓ રહસ્યમય રીતે લાપત્તા | 4 girls mysteriously go missing in Anand district

![]()
– પોલીસે જાણવાજોગ નોંધીને તપાસ આદરી
– આણંદની યુવતી, ખંભાત શહેરની પરિણીતા, દહેડા ગામ અને બદલપુરની યુવતી ગુમ થતાં શોધખોળ
આણંદ : આણંદના પરીખ ભુવન વિસ્તારની ૧૯ વર્ષીય યુવતી,ખંભાત શહેરની ૩૦ વર્ષીય, પરણીતા, ખંભાત તાલુકાના દહેડા ગામની ૩૨ વર્ષીય યુવતી અને બોરસદ તાલુકાના નવા બદલપુરની ૧૮ વર્ષીય યુવતી રહસ્યમય રીતે લાપતા થઈ હોવાના ચાર અલગ અલગ બનાવો અનુક્રમે આણંદ શહેર,ખંભાત શહેર, ખંભાત ગ્રામ્ય અને વિરસદ પોલીસ મથકે નોંધાયા છે.
આણંદ શહેરના પરીખ ભુવન પાછળ આવેલા નવાપુરા ખાતે રહેતી ૧૯ વર્ષીય ઉપાસના બહેન લક્ષ્મણભાઈ પરમાર ગત તા. ૧૪મી માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર ક્યાંક ચાલી જઈ લાપતા થઈ હતી. જે અંગે આણંદ શહેર પોલીસે જાણવાજોગ નોંધ નોંધી હતી. બીજા બનાવમાં ખંભાત શહેરની શાંતિ નગર સોસાયટી ખાતે રહેતા જીગ્નેશભાઈ ઠાકોરની પત્ની સુનીતાબેન ગત તારીખ ત્રીજી એપ્રિલના રોજ પોતાની બહેનના ઘરે સાડી આપવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ના ફરી લાપતા થઈ હતી જે અંગે જીગ્નેશ ભાઈએ ખંભાત શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં ખંભાતના દહેડા ગામના રાવળ વાસ ખાતે રહેતી હેતલબેન કનુભાઈ અંજારિયા ગત તારીખ બીજી એપ્રિલના રોજ કોઈ અગમ્ય કારણોસર ક્યાંક ચાલી જઈ લાપતા થઈ હતી. પરિવારજનોએ તેણીની શોધખોળ કરતાં કરાવતા કોઈ પત્તો ન લાગતાં આખરે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી. અન્ય એક બનાવમાં બોરસદ તાલુકાના નવા બદલપુરના અક્ષર બાગ ખાતે રહેતી હિરલ કપિલભાઈ પરમાર ગત તારીખ બીજી એપ્રિલના રોજ કોઈને કંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપતા થતા સંતોકબેન પરમારે વીરસદ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ નોધી વધુ તપાસ હાથ ધરી છે.



