દેવભૂમિ દ્વારકા: સલાયામાં ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા યુવકનું પ્રાણપંખેરૂ ઊડી ગયું, CCTVમાં ઘટના કેદ | Devbhoomi Dwarka News salyana youth heart attack on bike death viral cctv

![]()
Devbhoomi Dwarka News: હાલના સમયમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ એક અત્યંત કરુણ અને હૃદય હચમચાવી દે તેવી ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પંથકમાંથી સામે આવી છે. અહીં એક યુવકનું ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે જોઈને કોઈ પણનું કાળજું કંપી ઉઠે તેમ છે.
બાઈક હંકારતા આવ્યો હાર્ટ એટેક
મળતી માહિતી મુજબ સલાયાનો રહેવાસી યુવક ગુરુવારે બપોરના સમયે પોતાના કામ અર્થે બાઈક લઈને નીકળ્યો હતો. તે સમયે તેની પાછળ તેનો એક મિત્ર પણ સવાર હતો. યુવકે શહેરના જૂના કબ્રસ્તાન પાસે બાઈક થોભાવ્યું હતું અને પાછળ બેઠેલા મિત્રને ઉતાર્યો હતો. મિત્રના ઉતર્યા બાદ સલીમે જેવું બાઈક આગળ વધાર્યું, તેના ગણતરીની સેકન્ડોમાં જ કાળ તેને આંબી ગયો હતો. ચાલુ બાઈકે સલીમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો અને તે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી સીધો જમીન પર ઢળી પડ્યો હતો.
ડોકટરોએ તપાસીને યુવકને મૃત જાહેર કર્યો
ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક તેની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા યુવાનને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર માટે પીકઅપ સાધન દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોકટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ડૉક્ટરના પ્રાથમિક અંદાજ મુજબ યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું.
આ પણ વાંચો: દાદરા નગર હવેલીના સેલવાસમાં ગેસ ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ: 4 લોકોના મોત, 5ની હાલત ગંભીર
યુવકના અચાનક મોતથી તેના પરિવાર અને સમગ્ર સલાયા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારના મોભ સમાન યુવકનું આ રીતે રસ્તા વચ્ચે જ મોત થતા ઘટનાએ ફરી એકવાર સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને બદલાતી જીવનશૈલી સામે આંગળી ચીંધી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઈરલ થતા લોકો મૃતક આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.



