ઈરાનની કેદમાં અમેરિકાનો પાઈલોટ? આધુનિક ફાઈટર જેટ તૂટ્યા બાદ રેસ્ક્યૂ ઓપરેશન પણ નિષ્ફળ: રિપોર્ટ | Iran Claims to Shoot Down US Fighter Jet Pilot Captured Amid Escalating Middle East War

Iran Claims to Shoot Down US Fighter Jet | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ દિવસે ને દિવસે વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકા સતત ઈરાન પર હુમલા કરી રહ્યું છે. ત્યારે આજે ઈરાને અમેરિકાનું અત્યાધુનિક ફાઈટર જેટ તોડી પાડ્યાનો દાવો કરાઈ રહ્યો છે.
ઈરાનનો દાવો- અમેરિકાનું ફાઈટર જેટ તોડી પાડ્યું
ઈરાનની ન્યૂઝ એજન્સી તસ્નીમના અહેવાલ મુજબ, અમેરિકાનું એક અત્યાધુનિક ફાઈટર જેટ ઈરાનની સરહદમાં તોડી પાડવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ વિમાન F-35 હોવાનું કહેવાતું હતું, પરંતુ કાટમાળની તસવીરો જોતા તે F-15E સ્ટ્રાઈક ઈગલ વિમાન હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અમેરિકાનું રેસ્ક્યુ ઓપરેશન નિષ્ફળ ગયું?
અહેવાલો મુજબ, વિમાન હિટ થયા બાદ અમેરિકન પાઈલોટે ઈજેક્ટ કર્યું હતું અને તે ઈરાનના કોહગિલુયેહ અને બોયર-અહમદ પ્રાંતમાં ઉતર્યો હતો. અમેરિકાની સેનાએ પોતાના પાયલોટને બચાવવા માટે ‘બ્લેક હોક’ હેલિકોપ્ટર્સ અને ‘સી-130 હર્ક્યુલસ’ વિમાન સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે, ઈરાનની મીડિયાનો દાવો છે કે તેમણે આ ઓપરેશનને નિષ્ફળ બનાવ્યું છે અને એક અમેરિકન બ્લેક હોક હેલિકોપ્ટરને પણ તોડી પાડ્યું છે.
પાઈલોટને ઈરાનની સેનાએ બંધક બનાવ્યો હોવાની પ્રબળ શક્યતા
આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર અમેરિકન સર્ચ ટીમ પાઈલોટ સુધી પહોંચે તે પહેલા જ ઈરાનની સૈન્ય ટુકડીઓએ તેને પકડી લીધો છે. સોશિયલ મીડિયા પર પાઈલોટ અને વિમાનના કાટમાળના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. જો પાઈલોટ ઈરાનની કેદમાં હોય, તો તે અમેરિકા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનો સૌથી મોટો શરમજનક ફટકો સાબિત થઈ શકે છે.




