અમદાવાદમાં સરખેજ-ધોળકા રોડ પર વૃદ્ધાનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad: Elderly Woman Found Dead Near Sarkhej Dholka Road Police Probe On

![]()
Dead Body Found In Sarkhej Dholka Road Ahmedabad: અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર આવેલી એક તલાવડી નજીક આજે (ત્રીજી એપ્રિલ) વહેલી સવારે એક 85 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માનસિક બીમારીથી પીડાતા વૃદ્ધા મોડી રાત્રે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા બાદ આ કરુણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
મોડી રાત્રે ઘરેથી નીકળ્યા હતા સમુબેન
મળતી માહિતી અનુસાર, મૃતક વૃદ્ધાની ઓળખ 85 વર્ષીય સમુબેન તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર, સમુબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થ હતા. આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ તેઓ પરિવારમાં કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.
આ પણ વાંચો: ‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સરકારી એપ્લિકેશન અપડેટેડ જ નથી, સરકારની પોલ ખુલી
તલાવડી પાસે મળ્યો મૃતદેહ
વહેલી સવારે અંદાજે 7 વાગ્યાની આસપાસ સરખેજ-ધોળકા રોડ પર તલાવડી અને માર્ગની કિનારે સમુબેનનો મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આક્રંદ છવાઈ ગયો હતો.
સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા સરખેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે પોલીસનું કહેવું છે કે તલાવડીમાં ડૂબી જવાને કારણે વૃદ્ધાનું મૃત્યુ થયું હોઈ શકે છે.



