જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav chadha removed aap deputy leader rajya sabha rift with kejriwal

![]()
Raghav Chadha vs AAP dispute 2026: આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આખરે પોતાની પાર્ટી સામે જ મોરચો ખોલી દીધો છે. રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદ પરથી હટાવવામાં આવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ એક વીડિયો જાહેર કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સીધો સવાલ કર્યો છે કે, “શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે?”
મારી ખામોશીને હાર ન સમજતા
રાઘવ ચઢ્ઢાએ અત્યંત આક્રમક અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “મને જ્યારે પણ સંસદમાં બોલવાની તક મળે છે, ત્યારે હું જનતાના મુદ્દા ઉઠાવું છું. કદાચ એવા વિષયો જે સામાન્ય રીતે સંસદમાં ચર્ચાતા નથી. મને ખામોશ કરવાના પ્રયાસો થયા છે, પરંતુ હું હાર્યો નથી. જે લોકોએ મને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો છે તેમને કહેવા માંગુ છું કે,” મેરી ખામોશી કો મેરી હાર મત સમજ લેના, મેં વો દરિયા હૂં જો વક્ત આને પર સૈલાબ બનતા હૈ.”
શું છે વિવાદનું મુખ્ય કારણ?
ગુરુવારે આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદ પરથી હટાવવાની વિનંતી કરી હતી. એટલું જ નહીં, પાર્ટીએ એવી પણ માગ કરી છે કે રાઘવ ચઢ્ઢાને AAPના નિર્ધારિત ક્વોટામાંથી બોલવા માટે સમય ફાળવવામાં ન આવે. તેમના સ્થાને પંજાબના સાંસદ અશોક મિત્તલનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
કેવી રીતે વધ્યું કેજરીવાલ અને રાઘવ વચ્ચે અંતર?
એક સમયે અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના સાથી ગણાતા રાઘવ ચઢ્ઢા અને પાર્ટી વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક મહિનાઓથી વણસ્યા છે. તેની પાછળ કેટલાક મહત્ત્વના પરિબળો છે. જેમાં કેટલાક મુખ્ય કારણો હાલ ચર્ચામાં છે.
કેજરીવાલની ધરપકડ સમયે ગેરહાજરી
માર્ચ 2024માં જ્યારે દારૂ કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ થઈ, ત્યારે રાઘવ ચઢ્ઢા તબીબી કારણોસર વિદેશમાં હતા. કેજરીવાલની 6 મહિનાની જેલ દરમિયાન તેઓ દેશની બહાર જ રહ્યા હતા.
જાહેર કાર્યક્રમોથી અંતર
કેજરીવાલ, મનીષ સિસોદિયા અને અન્ય નેતાઓ જેલમાંથી મુક્ત થયા ત્યારે રાઘવ ચઢ્ઢાએ રહસ્યમય મૌન જાળવ્યું હતું. તેઓ જંતર-મંતરની રેલી કે કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સમાં પણ જોવા મળ્યા નહોતા.
પાર્ટી લાઇનથી અલગ વલણ
AAPનું માનવું છે કે, રાઘવ ચઢ્ઢા હવે સંસદમાં પાર્ટીનો પક્ષ મજબૂતીથી મૂકી શકતા નથી. તેમને ધીમે ધીમે અન્ય રાજ્યોના ચૂંટણી પ્રચાર અને સંગઠનાત્મક કાર્યોથી પણ અલગ કરી દેવામાં આવ્યા છે.
રાઘવ ચઢ્ઢાના નિશાન પર કોણ?
રાઘવ ચઢ્ઢાએ પોતાના વીડિયોમાં મધ્યમ વર્ગ પર ટેક્સનું ભારણ, ડેટા એક્સપાયરીની સમસ્યા અને ઍરપૉર્ટ પર વધારાના સામાનના ચાર્જ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંકેત આપ્યો કે તેઓ જનતાની વાત કરી રહ્યા છે, જેનાથી કદાચ પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે AAPમાં હવે રાઘવ ચઢ્ઢાનું સ્થાન જોખમમાં છે. પંજાબથી રાજ્યસભા સાંસદ બનેલા ચઢ્ઢા અને આપ વચ્ચે હવે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પ્રબળ શક્યતા છે.



