ઈરાનને ખતમ કરી પાષાણ યુગમાં ધકેલીશું : ટ્રમ્પ | We will destroy Iran and push it back to the Stone Age: Trump

![]()
– ટ્રમ્પના પહેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં ઈરાન સામે યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત
– અમેરિકન સૈન્ય કામ પૂરું કરશે, બે-ત્રણ સપ્તાહમાં વિનાશક હુમલા કરી ઈરાનનો સફાયો કરી દઈશું, ઈરાનને કોઈપણ ભોગે પરમાણુ શક્તિ નહીં બનવા દઈએ
– પહેલું વિશ્વ યુદ્ધ 1.7 વર્ષ, બીજુ 3.8 વર્ષ, કોરિયા, વિયેતનામ, ઈરાક યુદ્ધ વર્ષો ચાલ્યા, જ્યારે આ યુદ્ધને હજુ 32 દિવસ જ થયા : ટ્રમ્પ
વોશિંગ્ટન : મધ્ય-પૂર્વમાં ઈરાન સામેનું યુદ્ધ ચાર સપ્તાહમાં જીતી લઈશું તેવો દાવો કરનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે આ યુદ્ધ લાંબુ ચાલશે તેવા સંકેતો આપ્યા છે. ઈરાન સામેના યુદ્ધને પાંચ સપ્તાહ પૂરા થવા આવ્યા છે અને યુદ્ધ બંધ થવાની કોઈ સંભાવના દેખાતી નથી ત્યારે પ્રમુખ ટ્રમ્પે પહેલું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, ઈરાન સાથે હવે કોઈ સોદો નહીં થાય, ઈરાનને કોઈપણ ભોગે પરમાણુ શક્તિ બનવા નહીં દીએ. અમે ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દઈશું. અમેરિકાની સેના બે-ત્રણ સપ્તાહમાં ઈરાન પર વિનાશક હુમલો કરશે.
મધ્ય-પૂર્વમાં ઈરાન સામે યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વખત ગુરુવારે સવારે ૬.૩૦ કલાકે (ભારતીય સમય મુજબ) રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. ટ્રમ્પે ૨૦ મિનિટના આ સંબોધનમાં ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દેવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું કે, આપણી પાસે દુનિયાનું સૌથી મજબૂત સૈન્ય છે. અમેરિકાએ ચાર સપ્તાહમાં તેના લક્ષ્યાંકો પૂરા કરી લીધા છે. પરંતુ અમેરિકા આગામી બેથી ત્રણ સપ્તાહોમાં ઈરાન વિરુદ્ધ તેનું સૈન્ય અભિયાન વધુ તિવ્ર કરશે અને ઈરાનમાં તેનું કામ પૂરું કરશે.
પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, અમે ઈરાનની આર્મી, નેવી અને એરફોર્સને ખતમ કરી નાંખી છે. સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલિ ખામેનેઈ સહિત તેમની ટોચની નેતાગીરી ખતમ થઈ ગઈ છે. તેમની મિસાઈલ ક્ષમતાનો પણ નાંશ કરી નાંખ્યો છે. ઇરાન સાથે હવે કોઈ સોદો નહીં થાય. અમે ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દઈશું. જોકે, ટ્રમ્પે તેમના સંબોધનમાં ઈરાનમાં અમેરિકન સૈનિકો જમીની હુમલા કરશે કે નહીં તે અંગે કશું કહ્યું નહીં. તેમણે નાટોનો પણ કોઈ ઉલ્લેખ કર્યો નહીં.
વધુમાં ટ્રમ્પે આ યુદ્ધ લાંબુ ચાલશે તેવા સંકેતો આપ્યા હતા. ટ્રમ્પે અમેરિકાના ભૂતકાળાના યુદ્ધોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, પહેલું વિશ્વ યુદ્ધ એક વર્ષ, સાત મહિના અને પાંચ દિવસ ચાલ્યું હતું. બીજું વિશ્વ યુદ્ધ પણ ત્રણ વર્ષ આઠ મહિના અને ૨૫ દિવસ ચાલ્યું હતું. કોરિયા, વિતેનામ અને ઈરાક સામેના યુદ્ધો પણ વર્ષો સુધી ચાલ્યા હતા. આ યુદ્ધોનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું, ઈરાન સામેના યુદ્ધને તો હજુ ૩૨ દિવસ જ થયા છે. જોકે, મને નથી ખબર કે ઈરાન યુદ્ધ માટે અમેરિકન નાગરિકોમાં ધીરજ છે કે નહીં. અમેરિકનો બહુ ઝડપથી આ યુદ્ધનો અંત ઈચ્છે છે.
તેમણે ઉમેર્યું કે, ચાર સપ્તાહમાં અમેરિકન સૈન્યે યુદ્ધના મેદાનમાં તિવ્ર ગતિએ, નિર્ણાયક અને જબરજસ્ત વિજય મેળવ્યો છે. અમેરિકન સૈન્ય એટલું શક્તિશાળી છે કે દુનિયાના સૌથી તાકતવર દેશોમાંનો એક ઈરાન હવે કોઈ જોખમ રહ્યો નથી. ટ્રમ્પે ઉમેર્યું કે, અમે ગયા વર્ષે પણ બી-૨ બોમ્બર્સથી ઈરાનના પરમાણુ એકમોનો નાશ કર્યો હતો. તેમને પરમાણુ ધૂળની નજીક પહોંચતા પણ મહિનાઓ લાગી જશે. અને આ પરમાણુ એકમો પર સેટેલાઈટથી સતત નિરીક્ષણ અને નિયંત્રણ ચાલુ રાખ્યું છે. તેઓ ત્યાંથી યુરેનિયમને જરા પણ ખસેડશે તો અમે વધુ તાકાતથી મિસાઈલ હુમલો કરીશું. અમે ઈરાનને કોઈપણ ભોગે પરમાણુ શક્તિથી સજ્જ નહીં થવા દઈએ.
હોર્મુઝની ખાડીના સંદર્ભમાં ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા હોર્મુઝની ખાડીમાંથી કોઈ ઓઈલ ખરીદતું નથી. અમને તેની જરૂર પણ નથી. જે દેશોને હોર્મુઝમાંથી ઓઈલ મળતું હોય તેમણે તેની સુરક્ષા માટે આગળ આવવું જોઈએ. આ સાથે ટ્રમ્પે ઈરાન પર વધુ ઘાતક હુમલાની ધમકી પણ આપી હતી અને કહ્યું કે, અમે તેમના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ હુમલા કરી શકીએ છીએ. જોકે, તેમના માટે કૂટનીતિક રસ્તાઓ પણ ખુલ્લા છે. યુદ્ધ અંતિમ તબક્કામાં છે અને અમેરિકા તેના લક્ષ્યાંકો હાંસલ કરી ચુક્યું છે.


