યુદ્ધ વિરામની આશા! પાકિસ્તાન ફેઈલ જતાં અમેરિકા-ઈરાનનું સંઘર્ષ અટકાવવા આ દેશ મેદાને | iran us ceasefire pakistan fails vladimir putin peace deal will stop war

![]()
Iran US Ceasefire: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને ડામવા અને શાંતિ કરાર કરાવવામાં પાકિસ્તાન સંપૂર્ણપણે નિષ્ફળ જતું જણાય છે. હવે આ મામલે પાકિસ્તાનનું સ્થાન રશિયાએ લઈ લીધું છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને પોતે આ સમજૂતી કરાવવાની જવાબદારી સ્વીકારી છે. પુતિનના પ્રેસ સેક્રેટરી દમિત્રી પેસ્કોવનું કહેવું છે કે મધ્ય પૂર્વમાં શાંતિ લાવવા માટે રશિયા જે કંઈ પણ કરવું પડશે તે કરશે. રાષ્ટ્ર પ્રમુખ પુતિન પોતે સક્રિય થઈને આ પ્લાન પર કામ કરી રહ્યા છે.
ઈરાને યુદ્ધ ચાલુ રાખવાની ભરી હામ
રશિયાની આ એન્ટ્રી એવા સમયે થઈ છે જ્યારે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કરતા યુદ્ધ 2 થી 3 અઠવાડિયા સુધી ચાલવાની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ, ઈરાને કોઈપણ પ્રકારના કરારનો ઈનકાર કર્યો છે અને સુપ્રીમ લીડરે લડાઈ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
ડીલ કરાવવામાં પાકિસ્તાન કેમ નિષ્ફળ ગયું? 3 મુખ્ય કારણો
1: સંદેશવાહક તરીકે નિષ્ફળતા
અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાન એક સંદેશવાહક તરીકે કામ કરી રહ્યું હતું. એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પાકિસ્તાન બંને દેશો વચ્ચે કોઈ બેઠક કરાવી શક્યું નથી. ઉલટું, પાકિસ્તાનના વિદેશ મંત્રી પોતે ચીન ચાલ્યા ગયા છે, જ્યાં તેઓ અફઘાનિસ્તાન યુદ્ધને લઈને તાલિબાનના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
2: મહત્વના નેતા પર હુમલો
પાકિસ્તાન જે નેતા (કમાલ ખરાઝી) દ્વારા ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને સંદેશ મોકલી રહ્યું હતું, તેમના પર 1 એપ્રિલના રોજ US દ્વારા એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ હુમલામાં ખરાઝી ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને અજ્ઞાત સ્થળે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાથી મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકા નબળી પડી છે.
3: વિશ્વાસનો અભાવ
પાકિસ્તાન અત્યાર સુધી ઈરાનને એ વિશ્વાસ અપાવવામાં નિષ્ફળ રહ્યું છે કે અમેરિકા ખરેખર શાંતિ કરાર માટે ગંભીર છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી અમને ભરોસો નહીં મળે કે અમેરિકા ફરી હુમલો નહીં કરે, ત્યાં સુધી અમે કોઈ વાતચીત કરીશું નહીં.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી
પુતિને તૈયાર કર્યો ‘શાંતિ પ્લાન’
રશિયાથી મળી રહેલા રિપોર્ટ મુજબ, રાષ્ટ્ર પ્રમુખ પુતિને સમજૂતી માટેનો બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધી છે. આ પ્લાનનો અમલ કરવા માટે પુતિન સૌથી પહેલા એવા પક્ષકારોનો સંપર્ક કરી રહ્યા છે જેઓ આ યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. આજે ગુરુવારે પુતિને ઇજિપ્તના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત, તેમણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે પણ ફોન પર ચર્ચા કરી છે. પુતિને એક નિવેદનમાં જણાવ્યું છે કે મધ્ય પૂર્વના હાલના ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને, રશિયા વૈશ્વિક લોજિસ્ટિક્સ અને વેપાર માળખાને નવો આકાર આપવામાં મદદરૂપ ઉકેલો રજૂ કરી શકે છે. આ અગાઉ બુધવારે રશિયન ગુપ્તચર એજન્સીના વડા સર્ગેઈ નારીશકિને દાવો કર્યો હતો કે તેમની ટીમ ઈરાનની સ્થિતિ અંગે અમેરિકન ગુપ્તચર એજન્સી (CIA)ના સતત સંપર્કમાં છે. આમ, હવે રશિયાની સક્રિયતાને કારણે ઈરાન-યુએસ વિવાદમાં નવો વળાંક આવવાની શક્યતા સેવાઈ રહી છે.



